સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કારની બારી અને વરસાદ

   આ પાણીનાં ટીપાંઓની વાત છે. પાણીનાં ટીપાં માથા ઉપર પડ્યા અને મહાભારત રચાઈ ગયું ; એ સ્વાનુભવકથાથી આ સાવ જૂદી જ વાત છે. ત્યાં પાણીનાં ટીપાં પડવાથી થતો બગાડ કેમ અટક્યો એની કથા હતી.

       હવે ગઈકાલના  પાણીનાં ટીપાંઓની વાત..

     અમે ગરાજમાંથી ગાડી બહાર કાઢી. બહાર ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. બારીના કાચ પર ટીપાં બાઝવાં લાગ્યાં. નવું ટીપું પડે અને નીચે નીતરતાં, કાચ પર જામેલાં ટીપાંઓને સાથે લેતું જાય. જેમ જેમ એમની વસ્તી વધે, તેમ તેમ રેલો મોટો થતો જાય, અને પછી તો નાનકડો ઝરો બની સડસડાટ નીચે ઊતરી જાય. પાર્કિંગમાં ઊભેલી કારમાં આ દર્શન અગાઉ પણ થયું હતું.

કારના વીન્ડ સ્ક્રીન પર પાણી – એક અવલોકન

અને આવો સાર નીકળ્યો હતો….

       જીવનનો પ્રવાહ, જીવની ઉત્પત્તી, બે જીવોનું ભળવું , એકાકાર થઈ જવું, કોઈ નવા જીવનું પ્રાગટ્ય, અને કોઈક અજાણ્યા, બળીયા પ્રવાહમાં તેનું વીલીન થઈ જવું.  એને મૃત્યુ  પણ કહી શકાય અથવા પરમ ચૈતન્યના એક ભાગ જેવું  એક નાના બીદુ જેવું જીવન.  

      અમારી કાર શેરીના રસ્તાથી બહાર, મૂખ્ય રસ્તા પર આવી અને પૂરપાટ આગળ ધસવા માંડી.

     અને એક નવો જ નજારો સર્જાવા લાગ્યો. ધસમસતા પવનના જોરે, હવે એ રેલો થોડોક વાંકો ફંટાવા લાગ્યો. ગુરૂત્વાકર્ષણના એકમાત્ર બળના સ્થાને પવનના ઝપાટાનું નવું બળ ઊમેરાયું હતું.

     ગાડી હવે હાઈવે પર આવી ગઈ હતી. કલાકના સાઠ માઈલની ઝડપે ચાલતી ગાડીના પ્રતાપે,  પવને પણ પ્રભંજન રૂપ ધારણ કર્યું હતું.

      પાણીનાં ટીપાં અને રેલા આ બે બળના પ્રતાપે મુક્ત બની ગયાં. બ્રાઉનિયન મોશન જેવી રમતનો માહોલ ખડો થઈ ગયો. હવે અવનતિનું સ્થાન આનંદભરી રમતે લીધું હતું. સજીવ બની ગયાં હોય, તેમ એમની રમત જોવા લાયક લ્હાવો બની ગઈ હતી.

અને હવે સમય આવી ગયો છે – અવલોકનનો

      કુદરતનો સામાન્ય નિયમ અચૂક અવનતિને જ પોષતો હોય છે. ગુરૂત્વાકર્ષણનું બળ નીચે પાડે, પાડે ને પાડે જ. જીવન અચૂક મૃત્યુ તરફ જ ગતિ કરતું રહેવાનું.  એમાં કોઈ મીનમેખ ફરક ન જ હોય.

    પણ આગળ ધસવાની ગતિ, ઉન્નત ગતિ, ચોગમ દુર્ગમ અંધકારની વચ્ચે ઝગમગતા, નાનકડા કોડિયાનો પ્રકાશ, જીવનના એક નાના ટૂકડાને – ઓલ્યા નાચીજ઼ પાણીના બિંદુ જેવા તેના હિસ્સાને – એક એવું પરિમાણ આપી શકે, કે એ વળાંક ઓલી પાણીની રમત જેવો રમણીય હોઈ શકે. ભલે એ રમત પણ ક્ષણજીવી રહેવા સર્જાઈ હોય; ભલે એ બ્રાઉનિયન્ મોશનનો અંતિમ તબક્કો પાણીને ધરાશાયી જ કરવાનો હોય; ભલે એક રમતિયાળ રેલો ઓગળી જાય અને બીજો એનું સ્થાન લે- એ નાનકડી રમતની પણ એક ગરિમા હતી. એક સુંદરતા સાકાર બની નિરાકાર થઈ ગઈ હતી. એના ક્ષણિક અસ્તિત્વનોય એક રૂવાબ હતો.

  અને જીવનના આવા નાના નાના ઝબકારાઓની રમત થકી જ તો ઉત્ક્રાંતિનો પ્રવાહ મંદ પણ અવિરત ગતિએ આગળ ધપતો રહે છે ને?

અને કલ્યાણમિત્ર અતુલ ભટ્ટે દિલના ભાવથી લખેલી કવિતા યાદ આવી ગઈ.

સાચું સુખ તે જિવંત જીવ્યા.
જીવીને સૌને જીવાડ્યા.

અતુલ ભટ્ટ 

[ આખી કવિતા વાંચવા આ પંક્તિ પર ‘ક્લિક’ કરો. ]

     કારની બારી પરનો પાણીનો રમતિયાળ રેલો… જીવનની એક મધુરિમાનો સંદેશ.

Comments are closed.

%d bloggers like this: