જય માટે પૂંઠાની હેલ્મેટ બનાવતો હતો; ત્યારની વાત યાદ આવી ગઈ. હેલ્મેટની ગોળાઈ અકબંધ રહે તે માટે પૂંઠાની નીચે સાવ નાની સાઈઝનું પણ, મજબૂત કશુંક મૂકવું હતું. તરત વાયર હેન્ગર વાપરવા વિચાર આવ્યો હતો.

હેન્ગર તો મારા રૂમમાં તૈયાર હતું; પણ જયના ગળા અને કપાળના માપ પ્રમાણે હેન્ગરમાંથી બે સળિયા કાપવા પડે તેમ હતા. કાપવા માટે પકડ લેવા ગરાજમાં જવું પડે. આળસના માર્યા, ગરાજ સુધી જવાના બદલે, માપ પ્રમાણે બરાબર જગ્યાએ નિશાન કરી, આઠ દસ વખત હેન્ગરને વાળ્યું. પોચા લોખંડનું બનેલું હોવાના કારણે, તેને તોડી શકાયું. અને આવી મજાની હેલ્મેટ બની…

અને હવે અવલોકન કાળ….
એન્જિ. રીતે જોઈએ તો, યિલ્ડ સ્ટ્રેન્થથી વધારે તણાવ આપવામાં આવે તો કોઈ પણ સ્થિતીસ્થાપક ચીજમાં કાયમી આકારબદલી (Deformation)પેદા થાય. આમ વારંવાર કરવામાં આવે તો ફટિગ ફેઈલ્યોર (થાક નાશ?!) પરિણમે.
જીવનમાં પણ આમ જ બને છે ને? આપણી સહનશક્તિ હોય, ત્યાં સુધી આપણે તનાવો જીરવી શકીએ છીએ. જીવનમાં સમયના અમૂક અમૂક અંતરે આમ દરેકના જીવનમાં બનતું જ હોય છે. કદાચ એ કુદરતી નિયમ હશે; જેથી આપણી જીવનશક્તિ આવા તનાવો જીરવવા કાબેલ રહે.
પણ ઘણીય કમનસીબ વ્યક્તિઓના જીવનમાં મુશ્કેલીઓની ફોજોની ફોજો સતત ખડકાતી જ રહે છે. એક પતી ના હોય, ત્યાં બીજી બારણાં ખખડાવતી હાજર જ થઈ જાય છે. કદાચ મોટા ભાગની માનવજાત આવી પરિસ્થીતિમાં જ સતત જીવતી હોય છે. અને એ થાકથી માણસ પડી ભાંગે છે; જીવન જીવવાની આશા મરણતોલ થઈ જાય છે.
આધુનિક સંસ્કૃતિના તણાવો આ પ્રક્રિયાને જલદ બનાવતા રહે છે. જીવનમાંથી સતત વધારે ને વધારે પ્રાપ્ત કરવાની, સમૃદ્ધ થવાની, કીર્તિમાન થવાની, મોભાદાર થવાની, મહાન બનવાની, આમ આદમી કરતાં મુઠ્ઠી ઊંચા રહેવાની અપેક્ષાઓ, તમન્નાઓ અવનવા તણાવો સર્જતાં જ રહે છે.
અને જીવનનો દોર ઓલ્યા વાયર હેન્ગરની કની ટૂટી જાય છે.
પણ…
જીવન જીવવાની કળા આવડી જાય તો?
અવર્ણનીય
આનંદ, છતાં કેવો
અનભિવ્યક્ત?
આ ઘરને ખાલી કરવાની વાત છે – તનાવ રહિત જીવન બનાવવાની વાત .
Like this:
Like Loading...
Related
વાચકોના પ્રતિભાવ