સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ખાલી ઘર – ૪ , વાર્તા

ખાલી ઘર

ભાગ – ૧  :  ભાગ – ૨   :  ભાગ – ૩

————————-

એ ઘર ખાલી છે. કાલે પણ ખાલી હતું અને આજે પણ ખાલી જ છે. સાવ ખાલીખમ ઘર છે એ. પણ એના કાલના અને આજના ખાલીપણામાં ફેર છે. આભ જમીન જેટલું અંતર છે – એ બે ખાલીપણામાં.

         કાલે એ ત્યજાયેલું, હીજરાયેલું , ઉપેક્ષીત, યુદ્ધના મેદાનમાં યુદ્ધ પછી કણસતી વેદના જેવું હતું. ઠેર ઠેર કાગળના ડુચા પડ્યા હતા; કરોળીયાનાં જાળાં ખુણે ખાંચરે દ્રશ્ટીગોચર થતા હતા. તુટેલી ઢીંગલીના હાથ અને પગ ક્યાંક ઠેબે ચડતા હતા. વીદાય લઈ ચુકેલા રહેવાસીઓની સ્મ્રુતીઓ પણ ક્યાંય દ્રશ્ટીગોચર થતી ન હતી. તેના આંગણામાં અને પાછળના બેકયાર્ડમાં પાનખરે ખેરવી નાંખેલા, સુક્કા અને ચીમળાયેલા પાંદડાઓના ઢગના ઢગ પડેલા હતા. એકલા, અટુલા એ ઘરને કોઈ તેમાં આવે તેવી ઠગારી આશા પણ રહી ન હતી. મુંગી વેદનાનું એ પ્રતીક હતું. તેની અંદરનો અવકાશ એકલતાની સુસવાતી, ઉશ્માહીનતામાં થથરી રહ્યો હતો. રાતની અંધારઘેરી ભયાનકતા તેના ખાલીપણાને ઘેરા કાળા રંગમાં ઝબોળી રહી હતી.

         એ જ ઘર આજે પરમ ઉજાસથી પ્રતીદીપ્તીત છે. તેની ફર્શ પર નવી કાર્પેટ બીછાવવામાં આવેલી છે. દીવાલો નવા રંગરોગાનથી ઝગમગે છે. બધા કુડા અને અને કચરાને વીદાય આપવામાં આવી છે. તેના આંગણાંમાંથી પાનખરાના બધાં જરી પુરાણાં પાંદડાં વાળીને તેને એકદમ સ્વચ્છ બનાવવામાં આવ્યું છે. જુની કોઈ સ્મ્રુતી હવે અહીં ઢુંકી શકે તેમ નથી. સમગ્ર ભુતકાળને તીલાંજલી આપવામાં આવી છે. માત્ર ઉજળા ભવીશ્યની સુભગ આશાની ઉશા, તેના આખાયે અવકાશને વ્યાપ્ત કરીને, ઓરતા ભરેલી લાલીમા પાથરી રહી છે. એક નવા દીવસની શરુઆત માટે; ભવીશ્યમાં જીવાવાના એક નવા જીવનને આવકારવા માટે, રંગ અને આનંદની છોળોને વધાવવા માટે, એ તલપાપડ થઈને બેઠું છે. અહીં પણ એકલતા તો છે; પણ એ પ્રીયના બાહુપાશમાં સમાવા તત્પર કોડભરેલી નવોઢાના આશા અને ઉમંગોથી સભર એકલતા છે.

        તેના હોવાપણામાં એક આમુલ પરીવર્તન આવી ગયું છે. એક નવા વળાંક ઉપર આ ઘર આવીને ઉભું છે. નમી ગયેલા, અકારા વ્રુધત્વની હતાશાના નીસાસાઓમાંથી; એક બાળકની તાજગી અને અને મસ્તી પોતાની નસનસમાં સમાવી, નવી છલાંગ ભરવા તત્પર બનીને તે ટટ્ટાર ઉભું છે.

Advertisements

Comments are closed.

%d bloggers like this: