સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પાણીનો રેલો – એક અવલોકન

        મારા દીકરા સાથે હું અમારી કોલોનીમાં ચાલવા નીકળ્યો. મારી તાકાત હવે ઓછી થઈ ગઈ છે; એટલે થોડુંક ચાલીને મેં એને આગળ વધવા કહ્યું. તેણે કહ્યું, ”અહીં ક્યાં બેસવા કશુંય છે? આગળ કોઈક પાળી મળી રહેશે.” પણ આગળ વધવા મારી પાસે હામ કે જોમ ન હતાં. હું તો રસ્તાની ધાર પરની કોંક્રિટની પાળી( curb) પર બેસી ગયો.

        થોડીક વાર આમ બેઠો હોઈશ; ત્યાં એ આવી પહોંચ્યો. મારો દીકરો નહીં – પાણીનો રેલો!

       ત્રણ ચાર ઘર આગળ કોઈએ પાણીનો નળ ખોલ્યો હશે; તેનો રેલો ધીમે ધીમે કરતાં મારી નજીક આવી પહોંચ્યો હતો. સાથે નાનાં તણખલાં પણ ખેંચાઈ આવતાં હતાં. મને અતિક્રમીને રેલાભાઈ તો આગળ ધપ્યા. આગળ ઢાળ ઓછો થઈ, થોડીક સપાટ જમીન આવતી હતી. ત્યાં આ મહાશય તો જ પથરાઈ ગયા. એમણે નાનકડાં ખાબોચિયાનું રૂપ ધારણ કર્યું.  થોડાક સમય માટે એમની આગળની ગતિ રોકાણી, ન રોકાણી અને એમની આગળની યાત્રા પાછી ચાલુ થઈ ગઈ. છેક છઠ્ઠા ઘર સુધી પહોંચી ગયા.

     મારી નજીક, રેલાથી થોડેક છેટે, થોડાંક તણખલાં મોં વકાસીને સ્થીર ઊભાં હતાં. મને એમની ઉપર દયા આવી. મેં હડસેલો મારીને એમને પણ રેલા ભેગાં કરી દીધાં. અને એમની યાત્રા પણ ચાલુ થઈ ગઈ.

      હું એ જગ્યાએથી થોડીક વારમાં વિદાય થઈશ. ઓલ્યો નળ, એનો ચાલુ કરનારો આવીને બંધ કરી જશે. રેલો સ્થીર બની જશે; સુકાઈ જશે અને ફરી પાછી આ પાળી આ નાનકડી, ક્ષણજીવી નદીના આગમનને યાદ કરી વલવલતી રહેશે.

       ફરી નળ ચાલુ થશે અથવા વરસાદ પડશે અને ફરી આખી પ્રક્રિયાનું પુનરાવર્તન.

અને લો! અવલોકન વેળા આવી પૂગી.

      નળ ચાલુ થાય કે, વરસાદ પડે તો જ રેલાનું અસ્તિત્વ છે. તણખલાનું રેલા સાથે રેલાવું તો જ સંભવિત છે. રેલાની અને તણખલાંની ગતિ એ વગર શક્ય નથી. એમણે તો નળમાંથી વહેતા પાણીના પ્રવાહ અને ઢાળના આધારે જ આકાર અને ગતિ ધારણ કરવાનાં છે. કોઈ હડસેલો મારે તો પણ.  અને એ સ્રોત બંધ થઈ જાય તો? બધો ખેલ ખતમ. સમયના તાપમાં બધું સૂકાઈને ભંઠ. પ્રવાહ પસાર થઈ ગયાના વલવલાટની જ જૂની, પુરાણી યાદ.

એ જ તો એમની નિયતિ છે.

    તમારી, મારી, આપણી સૌની નિયતિ આવા જ કોઈક પરિબળો પર આધાર રાખતી નથી? એ પરિબળોનો શરૂ કરનાર આપણા અસ્તિત્વનો જનક કે માતા છે. અને એ જ એનો અંત આણે છે – નહીં વારુ?

Comments are closed.

%d bloggers like this: