સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અમેરીકન જુસ્સો : ભાગ -3 ( નેટીવ અમેરીકનો)

 ભાગ – ૧  ;  ભાગ -૨ 

અમેરીકાના મુળ વતનીઓ – નેટીવ અમેરીકન વીશે થોડી વધારે વાત.

    માનવ ઈતીહાસમાં શોષણ, અત્યાચાર અને નીર્મમ હત્યાની તવારીખ આલેખવામાં આવે; તો એક ઘણું મોટું પ્રકરણ અમેરીકા ખંડ વીશે લખાય. સ્પેન અને થોડે અંશે પોર્ટુગાલના ચાંચીયાઓએ ઉત્તર અમેરીકાના મધ્ય ભાગ અને દક્ષીણ અમેરીકાના ઉત્તર ભાગમાં આરંભેલી આ ક્રુર પ્રક્રીયા ઉત્તરના પ્રદેશોમાં અંગ્રેજો, ફ્રેન્ચો અને યુરોપના બીજા દેશોમાંથી પાછળથી આવેલી પ્રજાઓએ ચાલુ રાખી હતી.

     પણ આ ઉત્તરના પ્રદેશોની વાત અલગ હતી. અહીં સ્પેન અને પોર્ટુગાલની જેમ સુવીકસીત સંસ્કૃતીઓનો સામનો કરવાનો ન હતો. અહીં તો અભેદ્ય જંગલો હતાં. જુના કે નવા પથ્થર યુગને સમકક્ષ કહી શકાય એવી સંસ્કૃતીના ઉંબરા પર અટકીને આવેલી અબુધ પ્રજા હતી.

      જેમ જેમ નવા વસાહતીઓ યુરોપથી આવતા ગયા, અને વસ્તી વધતી ગઈ, તેમ આ આદીવાસી પ્રજા વધુ ને વધુ પશ્ચીમના પ્રદેશોમાં હડસેલાતી ગઈ. લડાઈઓ અને છેતરામણીથી તેમની વસ્તી ઘટતી ગઈ. એનાથી પણ વધારે લુચ્ચી અને ઘાતકી રીત તો એ હતી કે, જાનના જોખમે શીકાર કરીને એમણે મેળવેલા ચામડાના બદલામાં; યુરોપની હોસ્પીટલોમાંથી નીકાલ કરાયેલા, ચેપી રોગોના દરદીઓએ વાપરેલા, ઉનના, કુમાશવાળા પણ કાળઝાળ ધાબળાઓ એમને આપવામાં આવ્યા. એમ કહેવાય છે કે 80% મુળ વસ્તી તો આનાથી ફેલાયેલા ચેપી રોગચાળામાં જ નાશ પામી. એ ક્રુર ઈતીહાસની ગાથા અમેરીકાના ઈતીહાસના કાળાં પ્રકરણોમાંનું એક છે.

      એક જ દાખલો ‘ચરોકી’ પ્રજાનો આપું. 19મી સદીમાં વીકાસ અને પરીવર્તનની પ્રક્રીયામાં કદાચ આ જાતી સૌથી આગળ હતી. પણ દક્ષીણના રાજ્યોમાંથી અત્યંત ક્રુરતાપુર્વક તેમને છેક મધ્ય ભાગમાં આવેલા, ઓક્લોહામા સુધી હટાવવામાં આવ્યા. એ હીજરતની અત્યંત કરુણ ઘટના  ‘આંસુથી ખરડાયેલી કેડી’ (Trail of tears) તરીકે અમેરીકન ઈતીહાસમાં જાણીતી છે. આઠેક હજારની વસ્તીને બળપુર્વક આ હીજરત કરવા મજબુર કરવામાં આવી. શસ્ત્રો અને જીવન જરુરીયાતની બીજી ચીજોની સહાય પુરી પાડવાનાં બધાં વચનો અભરાઈએ મુકી દેવામાં આવ્યાં. છેવટે તેમને ફાળવવામાં આવેલા પ્રદેશોમાં માત્ર 4000 વ્યક્તીઓ જ બચ્યા. અને ત્યાં પણ તેમણે ત્યાં રહેતી, પશ્ચીમની બીજી જાતીઓ સાથે સંઘર્ષ કરીને જીવવાનું હતું. માંડ એ લોકો સ્થાયી થયા; ત્યાં રેલરોડ આવ્યા અને ફરી એમને હટાવાયા. વળી પાછું પેટ્રોલીયમ મળી આવ્યું અને ફરી હીજરત. આ પ્રજાની કરુણ ગાથા વાંચતાં આપણી આંખો આંસુથી છલકાઈ જાય.

     આનાથી પણ વધુ જટીલ આક્રમણ તો સાંસ્કૃતીક હતું. એ કામ ખ્રીસ્તી પાદરીઓએ કર્યું. શીક્ષણ, સવલત, પ્રલોભનો, દયા, ધાકધમકી, બધી રીતો અજમાવી એમનું ધર્મ પરીવર્તન કરાવાયું. એ બધા અમેરીકાના નવા મુખ્ય પ્રવાહમાં ભળી ગયા. છતાં હજુ એમના સાંસ્કૃતીક વર્તુળો છે, જે જુનો વારસો સાચવી રાખે છે.

      પણ ધીમે ધીમે અમેરીકાની આ આદીમ પ્રજા સમજતી ગઈ કે, તેમણે ટકવું હશે તો બદલાવું પડશે. આ પ્રજામાંથી જેમણે યુરોપીયન જીવન પધ્ધતી અપનાવી તે કાળના થપાટા સામે ટકી શક્યા. જેમણે વેરભાવના ટકાવી, પોતાની રીતરસમ ન બદલી; તે સાચા હોવા છતાં પાછળ પડી ગયા. આજે જ્યાં આવી વસ્તી માટે રીઝર્વેશનો છે; ત્યાં પછાત અને ગરીબ હોવાના કારણે પ્રવર્તમાન બધાં જ દુષણો દ્રષ્ટીગોચર થાય છે. મુળ કરોડોની વસ્તીમાંથી અત્યારે મુળ રીત રસમના અંશ જાળવી રાખ્યા હોય તેવી વસ્તી, આંગળીના વેઢે ગણી શકાય એટલી જ બાકી રહી છે.

      પણ એ વાસ્તવીકતા છે કે, જે લોકો આ અનીવાર્ય પરીવર્તનની પ્રક્રીયા સાથે તાલમેલ સાધી બદલાયા; એ અમેરીકન બની રહ્યા; અમેરીકન જુસ્સાનો એક ભાગ બની રહ્યા. દા.ત. અમારા સાખ પડોશી કુટુમ્બનો દાખલો આપું. એમાં પુરુષ ‘ શોની’ ઈન્ડીયન છે અને સ્ત્રી મુળ આઈરીશ મુળની છે. બન્ને ખ્રીસ્તી ધર્મ પાળે છે, પણ જુની પ્રણાલીકાઓનો પણ આદર કરે છે. એમના અત્યંત આધુનીક ઘરમાં મુળ ‘શોની’ સંસ્કૃતીના પ્રતીકો શોભા માટે હાજર છે! પણ એમની જીવન પધ્ધતી પુર્ણ રીતે અમેરીકન છે. અમારી કોમ્યુનીટીમાં ચીત્તાકર્ષક ઘરોમાંનુ એક એમનું ઘર છે.

      એક અમેરીકન સતત પરીવર્તનશીલ રહ્યો છે. અમેરીકન જુસ્સાનું આ એક પાસું છે.

      પરીવર્તનની પ્રક્રીયા બહુ ક્રુર અને વ્યથાજનક હોય છે. એમાં દયા, માયા અને સુજનતાને બહુ સ્થાન હોતું નથી. એમાં તો કેવળ જંગલનો કાયદો જ હોય છે – ‘બળીયાના બે ભાગ’. આપણને ન ગમતી હોવા છતાં; અવગણી ન શકીએ એવી આ ક્રુર વાસ્તવીકતા છે. દુનીયાના દરેક પ્રદેશમાં આમ જ તો બનતું આવ્યું છે ને? ભારત પણ એમાંથી બાકાત નથી.

     અને સંસ્કૃતીની આગેકુચનો આખોય ઈતીહાસ પરીવર્તનની લોહીયાળ ગાથા જ તો છે ને?

Advertisements

Comments are closed.

%d bloggers like this: