સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બદામ – એક અવલોકન

    સ્ટોરમાંથી બદામનું પેકેટ લાવ્યા છીએ. આ દસ વર્ષમાં આવાં તો ઘણાં પેકેટ આવી ગયાં અને ખવાઈ પણ ગયાં. અવલોકન એ છે કે, આમાંની હજારો બદામોમાંથી એક પણ કડવી નીકળી નથી.

    કારણ ?

    આ…

      દરેક બદામ પર એક નાનું, સફેદ ટપકું અવશ્ય હોય છે. એ ટપકું દર્શાવે છે કે, એ જગ્યાએથી ઝીણી કરચ ચપ્પા વડે કાપીને કોઈએ ચાખી જોઈ છે; અને કડવી લાગી હોય તો, એ બદામ પડીકામાં મૂકવામાંથી બાકાત કરાઈ છે. દેશમાં હતા ત્યારે દૂધપાકમાં, કે મગસમાં નાંખતા પહેલાં જાતે દરેક બદામ ચાખવી પડતી હતી.

ગુણવત્તાની ચકાસણી
( Quality Assurance)  

     ખાસ તકેદારી રખાઈ છે કે, ઘરાકને એક પણ બદામ કડવી ના મળે.  આપણે બજારમાંથી અનેક ચીજો લાવીએ છીએ; અનેક સેવાઓ મેળવવી છીએ. એ માટે  રકમ ચૂકવીએ છીએ. પણ આપણને કદી એ વિચાર આવતો નથી કે, કેટકેટલા લોકોની મહેનત અને આવી કાળજી એ માલ તૈયાર કરવા લેવાઈ છે. આપણાં જીવનને સુવિધાથી સભર બનાવવા માટે સમાજનું કેટલું બધું પ્રદાન હોય છે?

      આપણે સમાજના એ પ્રદાનને હરેક ઉપયોગે યાદ કરતા રહીએ. આપણે ફાળે જે કામ આવ્યું હોય; તે પૂર્ણ નિષ્ઠાથી, સર્વોત્તમ રીતે પાર પાડીએ.

કોઈને કડવી બદામ ખાવી ન પડે.

    અને બીજી રીતે જોઈએ તો એ ચાખનારો  ‘નીલકંઠ’  જ કહેવાય ને? વિષનું વમન કરનાર ભોળા શંભુ જેવો!

Comments are closed.

%d bloggers like this: