સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અમેરીકન જુસ્સો : ભાગ – ૪, વસાહતીઓ

    અમેરીકા ખંડમાં યુરોપીયનોનો ( મોટે ભાગે સ્પેન અને બ્રાઝીલમાં પોર્ટુગાલ) પગપેસારો કોલમ્બસની યાત્રા પછી ચાલુ થઈ ગયો હતો. પણ તે વધુ સમૃધ્ધ વીસ્તારો પુરતો જ મર્યાદીત હતો. ઉત્તર અમેરીકાના સાવ જંગલી વીસ્તારોમાં સોનું મળવાની કોઈ શક્યતા ન જણાતાં એ વીસ્તારો વણબોટાયેલાં રહ્યાં હતાં. છેક 1620 ની સાલમાં ઈન્ગ્લીશ ચર્ચની સતામણીથી વાજ આવીને રોમન કેથોલીક અંગ્રેજો પહેલાં નેધરલેન્ડ અને પછી બહુ પ્રખ્યાત ‘મે ફ્લાવર’ જહાજમાં, એટલેન્ટીક મહાસાગર ઓળંગીને હાલના પ્લીમથ, મેસેચ્યુસેટ્સ આગળ આવીને વસ્યા હતા.
( વધુ માહીતી )

     એ અગાઉ 1586માં રોનોક પાસે પણ અંગ્રેજ વસાહત સ્થાપવાનો નીષ્ફળ અને કરુણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
( વધુ માહીતી )

      એ વખતે અમેરીકન આદીવાસીઓએ આ નવાગંતુકોને ઘણો જ પ્રશંસનીય સહકાર આપ્યો હતો અને વસાહત સ્થાપવામાં મદદ કરી હતી. એ મુળ વસાહતીઓએ વેઠેલી યાતનાઓ અને મુશ્કેલ પરીસ્થીતીનો મર્દાનગીથી સામનો કરવાની પ્રતીબધ્ધતા અમેરીકન જુસ્સાનું એક અગત્યનું પ્રતીક છે.

      સુવીકસીત અને સ્પેનીશ આર્મેડાને દરીયાઈ યુધ્ધમાં હરાવીને ઈન્ગ્લેન્ડ યુરોપની મહાસત્તા બની ચુક્યું હતું.  ( વધુ માહીતી ) ઈન્ગ્લેન્ડના ઈતીહાસના સુવર્ણકાળની એ શરુઆત હતી. રાણી, ઈલીઝાબેથ, મહાન વૈજ્ઞાનીક આઈઝેક ન્યુટન, મહાન સાહીત્યકાર શેકસ્પીયર વી. નો એ સમય હતો. પરંતુ એવા સુવીકસીત પ્રદેશમાંથી આવીને, આ વસાહતીઓને સાવ આદીમ કક્ષાના જીવન સાથે તાલમેલ મીલાવવો પડ્યો હતો. કેવળ હાથમજુરીથી નરદમ જંગલોના લાકડાં ફાડીને બનાવેલી લોગ કેબીનમાં એ લોકો રહેતા હતા.

      જંગલો સાફ કરીને જીવન નીર્વાહ માટે ખેતી અને પશુપાલનની આદીમ રીત તેમને અપનાવવી પડી હતી. આદીવાસી અમેરીકનો સાથેની શરુઆતની દોસ્તી પણ લાંબી ટકી શકી ન હતી. આથી એ પ્રજાનાં આક્રમણો અને જંગલી જાનવરોના ત્રાસ વચ્ચે આ વસાહતીઓએ જીવવાનું હતું. સાવ અજાણી ભોમકામાં પગપેસારો કરી સ્થાયી વસાહતો સ્થાપવી એ લોઢાના ચણા ચાવવા જેવી વાત હતી. લોગ કેબીનોમાંનું એ ખેડુ જીવન અત્યારના અત્યાધુનીક ઘરો જોઈને આપણે કલ્પી પણ ન શકીએ.

       જોકે, શરુઆતની આ કઠણાઈઓ બાદ સમૃધ્ધ બનેલા આ ખેડુતોનાં લોભ અને લાલસા પણ પછી અમર્યાદીત બની ગયાં હતાં. એમની સફળતાથી પ્રેરાઈને સમસ્ત યુરોપમાંથી , પણ ખાસ કરીને ઈન્ગ્લેન્ડમાંથી વહાણોમાં ભરાઈને વસાહતીઓનાં ધાડેધાડાં અમેરીકાના પુર્વ કીનારા પર ઠલવાવાં લાગ્યાં હતાં. મુળ ધાર્મીક પ્રકૃતીવાળા લોકોના સ્થાને બદમાશ લોકો વધારે હતા. અમેરીકાના આદીવાસી લોકો અને તેની વન્ય સમ્પત્તી અને આફ્રીકાથી પકડી લવાયેલા હબસી ગુલામોનું નીર્મમ શોષણ –  સાવ કાયદાવીહીન સમયગાળાનાં અક્ષમ્ય પાપ છે. વસાહતીઓનો આ  ગાળાનો ઈતીહાસ નરદમ સ્વાર્થ અને અનેક કાળાં કરતુતોથી ભરપુર છે.

     કદાચ  અમેરીકાની હાલમાં ઉડીને આંખે વળગે તેવી ધન અને સત્તા  માટેની  લાલસાના મુળમાં  આ ઈતીહાસ છે. દુખની વાત  એ છે  કે, સમસ્ત વીશ્વે અમેરીકાની ઉજળી બાબતોનું અનુકરણ કરવાને સ્થાને આ લાલસાનો સીલસીલો  જ,  આ એકવીસમી સદીમાં પણ મહદ અંશે અપનાવ્યો છે.

      જેમ જેમ વસ્તી વધતી ગઈ તેમ તેમ આ વસાહતીઓ વધુ ને વધુ વીસ્તારો કબજે કરતા ગયા. માત્ર 150 વર્ષમાં (1775 ની સાલ સુધીમાં) તો તેર મુળ કોલોનીઓ ધમધોકાર ધબકતી હતી. અમેરીકન ઈતીહાસનો આ કોલોનીયલ ગાળો ગણાય છે.

( વધુ માહીતી )   :    –   1   –     :    –   2   –

    મુળે ખેતીપ્રધાન આ પ્રજાના જીવનનું બીજું પ્રશંસનીય પાસું નવા અને વણખેડાયેલા પ્રદેશોની શોધખોળ હતું. અનેક નામી અનામી સાહસીકો જાનના જોખમે છેક મીસીસીપી નદી સુધીનો પ્રદેશ ખુંદી વળ્યા હતા. જ્હોન સ્મીથ જ્યોર્જ બુન, વીલીયમ પેન, લોર્ડ બાલ્ટીમોર, રોજર વીલીયમ્સ, ડી સોટો, લા સેલ, અને બીજા અનેક સાહસીકોએ આ વીસ્તરણના પાયા નાંખ્યા હતા.

      આ તબક્કે એ નોંધવું પણ જરુરી છે કે, પેન્સીલ્વેનીયામાં છેક 1688માં ધાર્મીક અને દયાળુ વૃત્તી ધરાવતા ક્વેકરોએ ગુલામી પ્રથાનો વીરોધ કર્યો હતો. વળી 1693માં વર્જીનીયાના વીલીયમ્સબર્ગમાં અમેરીકાની પહેલી ઉચ્ચ શીક્ષણની યુનીવર્સીટી પણ સ્થપાઈ હતી. શીક્ષણ, સંશોધન અને ધાર્મીક સહીષ્ણુતાના પાયા પણ ભોગવાદી અને ક્રુર સંસ્કૃતીની સાથે જ નંખાયા હતા.

       ઈતીહાસનાં એ પ્રકરણોની કાળી કોરને એક બાજુએ મુકી દઈએ તો; સાવ અજાણ્યા અને જોખમકારક પ્રદેશમાં માત્ર ટકવું જ નહીં; પણ સામર્થ્ય અને સત્તા પ્રાપ્ત કરવાં એ નાનીસુની વાત નથી.

     તદ્દન નવી જ જીવનશૈલી અપનાવવાની તૈયારી, હરદમ પરીવર્તન માટેની તાલાવેલી અને પથ્થર ફાડીને સમૃધ્ધી પેદા કરવાની એ જીંદાદીલી અને જવાંમર્દી ‘અમેરીકન જુસ્સા’ ની એક મહત્વની અને પાયાની ઈંટ છે.

Comments are closed.

%d bloggers like this: