સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અમેરીકન જુસ્સો : ભાગ – ૫ ; આઝાદીનો જંગ

     કાયમી વસવાટો સ્થાપવાની અનેક વીટંબણાઓને અતીક્રમીને 13 વસાહતો ઠરીઠામ થઈ હતી, બ્રીટનના રાજા અને પાર્લામેન્ટને કર ઉઘરાવી, રોકડી કરી લેવા માટે આ વસાહતો કેળાંની લુમ જેવી લાગી હતી! જેમ જેમ આ વસાહતો ધમધોકાર ચાલવા માંડી, તેમ તેમ કર ઉઘરાવવા માટેની બ્રીટનની ધોંસ વધવા માંડી હતી. 1763માં,  બ્રીટન અને ફ્રાન્સની વચ્ચેના યુધ્ધના અંતે,  ઉત્તર અમેરીકામાંથી ફ્રાન્સના વળતાં પાણી થયાં ; ત્યાર બાદ બ્રીટને અમેરીકી વસાહતોનો મહત્તમ ફાયદો ઉઠાવવો શરુ કર્યો હતો. અમેરીકન ક્રાન્તીના યુગના ત્યાર બાદ શ્રીગણેશ થયા હતા.

   સખત પરીશ્રમ અને જાતમહેનતથી ઉપજાવેલી સંપદા આમ મફતમાં બ્રીટન પડાવી લે; તે દેખીતી રીતે વસાહતીઓને આંખમાં કણાની જેમ ખુંચવા લાગ્યું હતું. આથી ધીરે ધીરે બ્રીટીશ શાસનની જોહુકમી સામે વીરોધ જાગવા માંડ્યો હતો.’ બોસ્ટન ટી પાર્ટી’ તરીકે જાણીતી થયેલી ઘટનામાં,  ચા પરના અન્યાયી કર સામે વીરોધ વ્યક્ત કરવા, અમેરીકન યુવાનોએ ચાની પેટીઓથી ભરેલા વહાણમાંથી  એ પેટીઓ દરીયામાં ફેંકી દીધી હતી. આ કર અમેરીકાના કોઈ પ્રતીનીધીની હાજરી વીના બ્રીટનની પાર્લામેન્ટે  લાદ્યો હતો.

   ‘ પ્રતીનીધી નહીં તો કર નહીં.’ એવું સુત્ર ઠેર ઠેર બોલાવા લાગ્યું હતું. અમેરીકન સ્વાતંત્ર્ય સંગ્રામની શરુઆતનું આ બ્રહ્મવાક્ય હતું; જે પછીથી સમ્પુર્ણ સ્વતંત્રતા માટેની પ્રતીબધ્ધતામાં પરીણમ્યું હતું. ફીલાડેલ્ફીયામાં દેવળનો ઘંટ વગાડીને લોકોને વીદ્રોહ માટે ઉત્તેજવા બોલાવાયા હતા. એ ‘લીબર્ટી બેલ’( સાતંત્ર્ય ઘંટ) આ અમેરીકન જુસ્સાનું પુજ્ય પ્રતીક ગણાય છે.

વધુ વાંચો )

        આના પરીપાક રુપે 1774માં 13 રાજ્યોની કોન્ટીનન્ટલ કોન્ગ્રેસ અસ્તીત્વમાં આવી હતી. 4 જુલાઈ- 1776 ના દીવસે થોમસ જેફરસને તૈયાર કરેલ ‘સ્વાતંત્ર્યની ઘોષણા’ આ કોન્ગ્રેસે જાહેર કરી હતી. ( એ વીષે વાંચો )  આથી આ દીવસ અમેરીકાના સ્વાતંત્ર્ય દીવસ તરીકે ઉજવાય છે. અમેરીકન વસાહતીઓના માત્ર 15 થી 20% લોકો બ્રીટનને વફાદાર હતા. બાકીની બધી વસ્તીએ, પોતાના યુરોપીયન મુળને ભુલી જઈ, આ સ્વતંત્રતા સંગ્રામને એકી અવાજે ટેકો આપ્યો હતો.

    સાવ લઘરવઘર, પાંખી સાધન સામગ્રી ધરાવતા અને મોટે ભાગે ખેતી કામ કરતા સૈનીકો જ્યોર્જ વોશીંગ્ટનની નેતાગીરી નીચે લડ્યા હતા. એમના માટે, શાહીવાદી અંગ્રેજ ફોજનો પ્રતીકાર કરવો એ લોઢાના ચણા ચાવવા જેવી વાત હતી. યુધ્ધના શરુઆતના વર્ષોમાં અમેરીકન સૈનીકોને ઘણી ખુવારી અને હાડમારી વેઠવી પડી હતી. ઘરનું અને ખેતરનું કામ રેઢું મુકીને આ મુફલીસ જેવા સ્વતંત્રતા સેનાનીઓ લડ્યા હતા. એમના હથીયારો પણ બહુ જુના હતા. સામે પક્ષે બ્રીટનની સેના આધુનીક સાધન સામગ્રી વાળી અને શીસ્તબધ્ધ હતી. એ યુરોપના સૌથી શક્તીશાળી દેશમાંથી આવેલી હતી. વીશ્વમાં બીજે બધે એવી સેનાઓ વીજેતા બની ચુકેલી હતી.

      પણ દેશભક્તીના અદમ્ય ઉત્સાહ અને સામાન્ય લોકોના એકી અવાજના ટેકાથી, અનેક હાર અને તારાજી સહન કરવા છતાં, આ સેના ઝઝુમી હતી; અને બ્રીટનની સેનાને મહાત કરી હતી. જે લોકો બ્રીટનના શાસનને સહાય કરતા હતા; એમની ભુંડી વલે પણ સ્થાનીક લોકો કરતા. અનેક લોકોએ આ માટે વીરોચીત બલીદાનો આપ્યાં હતાં. આ ઉપરાંત યુરોપમાં ફ્રાન્સ અને બ્રીટન વચ્ચેના સદીઓ જુના વેર અને અમેરીકામાં 1763માં થયેલી હારનું વેર વાળવા, ફ્રાન્સે આ લડતમાં મદદ કરી હતી.

    લોકોનો આ જુસ્સો સમજવા, પહેલા અમેરીકન જાસુસ અંગે એક દીલ ધડકાવે તેવી દાસ્તાન વાંચો.  –  1  –   :  –  2  –

    આ જુસ્સા, ઝનુન અને જાનફેસાનીના પ્રતાપે, 1777માં સરટોગા અને 1781માં યોર્કટાઉન ખાતે બ્રીટનની બે મોટી સેનાઓને શરણાગતી સ્વીકારવી પડી હતી. આના પરીપાકરુપે 1783માં પેરીસમાં બન્ને પક્ષો વચ્ચે સંધી થઈ હતી અને ‘અમેરીકાના સંયુક્ત રાજ્યો’ નામનો નવો દેશ અસ્તીત્વમાં આવ્યો હતો.

    સામાન્ય પ્રજાની આ જીતના પડઘા યુરોપમાં પણ પડ્યા હતા, અને રાજાઓના ‘ઈશ્વરદત્ત અને અબાધીત હક્કો’ ની માન્યતા કડડભુસ બનીને તુટી પડી હતી. ફ્રેન્ચ ક્રાન્તી આની એક આડપેદાશ હતી; અને અવધ્ય ગણાતા ફ્રાન્સના રાજા લુઈ અને તેની રાણીનું ડોકું ગીલોટીન નીચે વધેરાયું હતું.

    ન્યુયોર્કના બારામાં, એલીસ ટાપુ ઉપર, ફ્રાન્સના નવા પ્રજાસતાક દેશે અમેરીકાને આપેલી અમર ભેટ – ‘સ્વતંત્રતા દેવીનું પુતળું’ એ અમેરીકાના સ્વતંત્રતાના મહાન સીધ્ધાંતનું યથોચીત પ્રતીક છે.

વધુ વાંચો )

We hold these truths to be self-evident,
that all men are created equal,
that they are endowed by their Creator
with certain unalienable Rights,
that among these are
Life,
Liberty
and
the pursuit of Happiness.

[ અમે આ સત્યને સ્વયંસીધ્ધ માનીએ છીએ કે,
સૌ માનવોને સરખા બનાવવામાં આવ્યા છે,
અને તેમના મહાન સર્જકે
તેમને ન ઉથાપી શકાય તેવા,અમુક હક્કો આપેલા છે
જેવાકે- 
જીવવું,  
સ્વતંત્રતા
અને
સુખની શોધ]

     વીશ્વભરમાં આ મહાન વાક્ય લોકશાહીના સીધ્ધાંતોના પાયાની ઈંટ ગણાય છે. જો કે આ સ્વતંત્રતા માત્ર અમેરીકી વસાહતીઓ પુરતી જ મર્યાદીત હતી – એ હક્કો હબસી ગુલામો અને આદીવાસી અમેરીકનોના નસીબમાં ન હતા – એ જુદી વાત છે !

    સ્વાતંત્ર્ય સંગ્રામની એ તવારીખ અમેરીકાના સ્વતંત્રતા માટેના જુસ્સાના મુળમાં છે.

વધુ વાંચન માટે  :   –  1  –  :  –  2  –  :  –  3  –

Comments are closed.

%d bloggers like this: