સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અમેરીકન જુસ્સો ભાગ -6 : આફ્રીકન ગુલામો

    આફ્રીકન, કાળા ગુલામો – બાઈબલમાં જંગલી (હીથન) ગણાયેલી પ્રજા.

    અમેરીકાના ઈતીહાસનો અછડતો પણ સ્પર્શ કરીએ, અને એ દુખીયારા લોકોનો ઉલ્લેખ ન કરીએ તો કેમ ચાલે? અમેરીકાના ઈતીહાસનું એ સૌથી કાળું પ્રકરણ.

    1619ની સાલમાં 20 આફ્રીકન ગુલામોને લઈને એક ડચ વહાણ જેમ્સટાઉન નામની વસાહતમાં લાંગર્યું હતું, અમેરીકામાં આફ્રીકન ગુલામોને પકડી લાવવાની વેપારી પ્રથાની એ શરુઆત હતી. જો કે, અમેરીકાના ઉત્તર અને દક્ષીણ ખંડોમાં તો આ કલંક સ્પેન અને પોર્ટુગાલે ઘણા વખતથી શરુ કરી દીધું હતું. અરે! અમેરીકા દેશમાં પણ છેક 1607થી આ પ્રથા જારી હતી.

    આપણને જાણીને નવાઈ લાગે કે, પહેલા ગુલામો યુરોપની ધોળી પ્રજાના ગરીબ લોકો હતા! છેક 1607માં વહાણોમાં યુરોપથી વખાના માર્યા લોકો આવતા. તેમની પાસેથી મફત દરીયાઈ સફરની અવેજીમાં વેઠ કરાવાતી. પણ ત્રણથી સાત વરસ બાદ એ લોકો સ્વતંત્ર બની શકતા; અને પોતાનો ગુજારો અને વીકાસ કરવા સ્વતંત્ર હતા. સ્થાનીક આદીવાસી પ્રજાને પણ ગુલામીની ધુંસરીમાં જોતરવા પ્રયાઓ કરાયા હતા; પણ એ ખુંખાર, લડાયક અને જંગલમાં રહેતી પ્રજાને આ કામ માટે નાથવી બહુ મુશ્કેલ હતું.

     જેમ જેમ અમેરીકન સંસ્થાનો ઠરીઠામ થતા ગયા; તેમ તેમ તેમની સમૃધ્ધી અને જમીનની લાલસા અમર્યાદીત રીતે વધવા લાગી. જંગલો કાપી, ખેતી શરુ કરવાનું અને વસવાટો બાંધવાનું કામ અત્યંત પરીશ્રમવાળું હતું. આથી મહેનત કરનારા વેઠીયાઓની સતત જરુર રહેતી. 1619 માં પકડી લવાયેલા એ પહેલા ગુલામો પછી, આફ્રીકન ગુલામોનો વેપાર એ સૌથી સસ્તો વીકલ્પ પુરવાર થયો.

     અને ત્યારથી કાળા, અસહાય લોકોનાં લાલચોળ લોહીથી નીતરતી, કરુણ ગાથાની શરુઆત થઈ હતી. આ લોકોને મોટે ભાગે આફ્રીકાની જ બીજી જાતીઓ પકડી લાવતી, અને ગોરા વેપારીઓને વેચતી. કોઈ જાતની સગવડ વીના, વહાણોમાં થોકે થોક ભરીને, આ દુખીયારા લોકોનાં ટોળે ટોળાં અમેરીકાના ગુલામ બજારોમાં ખડકાતા. મીસીસીપી નદી એટલેન્ટીક મહાસાગરને મળે છે – તે જગ્યાએ આવેલ ન્યુ ઓર્લીયન્સ બંદરમાં આ ગુલામોની લેવેચ માટેનું સૌથી મોટું બજાર હતું. ત્યાંથી આ બદનસીબ લોકો બધી વસાહતોમાં લઈ જવાતા અને કામની ધુંસરીએ જોતરાતા.

     આ ગુલામોને કોઈ જ હક્કો ન હતા. અમેરીકન સ્વાતંત્ર્યની, જગપ્રસીધ્ધ અને મહાન ઘોષણામાં એમનો સમાવેશ થતો ન હતો! અરે! એમને કુટુમ્બના માનવીય હક્કો પણ ન હતા. પોતાની નજર સામે એમનાં જીવનસાથીઓ અને બાળકો વેચાતાં. એમની રોકકળને સાટકા મારી શાંત કરી દેવાતી. એમને ખ્રીસ્તી બનાવ્યા છતાં એમને માટે આ દોજખમાંથી કોઈ ઉગારો ન હતો.

    કાળી સ્ત્રીઓ ઉપર બેરહમ અત્યાચારો થતા, અને તે માલીકોના હક્કો ગણાતા. એ વ્યભીચારથી પેદા થયેલી મીશ્રીત પ્રજાને પણ કોઈ હક્ક કે સામાજીક દરજ્જો ન હતા. આવા બળાત્કારોથી પેદા થયેલી ત્રીજી કે ચોથી પેઢી, ન ઓળખી શકાય તેટલી સફેદ હોવા છતાં; એ ગુલામોની જમાતમાં જ ગણાતી.

     ધોળા અમેરીકન જમીનદારોના રસોડાઓમાં આ જ ગુલામો સ્વાદીષ્ટ વાનગીઓ બનાવતા પણ એનો એક કણ પણ એમને ચાખવા ન મળતો. ખેતરમાં કાળી મજુરી કર્યા બાદ એમણે પોતાનું રેશન જાતે દળી ખાવાનું પકવવું પડતું – મોટે ભાગે તો મકાઈની રાબ જ. પૌષ્ટીક માંસાહારી ખોરાક કે દુધ તો વાર તહેવારે જ તેમને નસીબ થતો. ખેતરમાં એમના કામ પર ધ્યાન રાખતા નીરીક્ષકો તેમને બીનજરુરી રીતે સાટકા મારી, ક્રુર આનંદ માણતા. અને આ કામ માટે માલીકના માનીતા કાળા સુપરવાઈઝરો ઔથી વધુ દયાહીન વર્તાવ કરતા.

    શીસ્તનો નાનકડો ભંગ કરનાર કે એક પણ શબ્દ સામો બોલનાર ગુલામને સીધો દોર કરવા, કદાવર અને તાકાતવાળા જુલ્મગારો ચામડાની અનેક વાધરીઓના બનેલા સાટકા વાપરતા. એના મારથી લોહી નીગળતા કાળા ગુલામોના બરડા અને સોળનાં આવાં ચીત્રો આ અમર્યાદ જુલમની સાક્ષી પુરે છે. કેટલાય ગુલામો આ ત્રાસમાંથી ઉગરવા આત્મહત્યા કરતા. ઘણા ભાગી જવાનો પ્રયત્ન કરતા. એમને ઢોરની જેમ પકડી લવાતા અને જુલમના અતીરેકથી એમના જુસ્સાને મારી નંખાતો.

     આ ક્રુર અને અન્યાયી પ્રથામાં કોઈને કાંઈ ખોટું લાગતું નહીં. મોટા ભાગના ખ્રીસ્તી પાદરીઓ પણ બાઈબલમાંથી પોતાને ગમતો અર્થ તારવી આ પ્રથાનું પ્રતીપાદન કરતા. ખાસ કરીને દક્ષીણના ખેતીપ્રધાન રાજ્યોમાં આ ગુલામોની બહુ જરુર હતી. એમની અર્થવ્યવસ્થાના સાતત્ય માટે એ બહુ જરુરી હતા.

     ધોળા અમેરીકનોનાં આ કાળાં કરતુતોની એક માત્ર ઉજળી બાજુ એ છે કે, અમેરીકન ઈતીહાસમાં આમાંની કોઈ બાબત પર ઢાંકપીછોડો કરવામાં નથી આવ્યો. બધાં નગ્ન સત્યોની કબુલાત કરવામાં આવી છે. વોશીંગ્ટન ડી.સી. ખાતે આવેલ સ્મીથ્સોનીયન સંસ્થાનું આફ્રીકન અમેરીકનો અંગેના મ્યુઝીયમનું એક ખાસ અને અલાયદું મકાન છે, જેમાં આ દુષ્કૃત્યોની સીલસીલાબંધ તવારીખ સચવાઈને રખાયેલી છે.

આફ્રિકન અમેરિકન ઈતિહાસ અને કળા’ વિશે વધુ વાંચો 

    એલેક્સ હેઈલી નામના એક આફ્રીકન અમેરીકનની, છેક આફ્રીકા સુધી જઈને પોતાનું મુળ શોધી કાઢવાની, હૈયું વલોવી નાંખે તેવી એક સત્યકથા પ્રગટ કરી હતી. ‘ Roots’ નામના આ પુસ્તકને બહુ જ પ્રસીધ્ધી મળી હતી, અને પુલીત્ઝર ઈનામ મળ્યું હતું. ગુલામીની આ તવારીખમાં તારાજી ભોગવેલા એક કુટુમ્બની આમા6 સીલસીલાબંધ સત્ય હકીકતો આપેલી છે.

એ ઈ-પુસ્તક વાંચો 

આને આપણે
અમેરીકન જુસ્સો કહીશુ
કે અમેરીકન શરમ?

    આ લખું છું ત્યારે મારી આંખોમાં ઝળઝળીયાં જ આવવાના બાકી છે. અને છતાં હું આ કરુણ તવારીખને અમેરીકન જુસ્સાની આ લેખમાળાનો એક ન ઉવેખી શકાય તેવો ભાગ ગણું છં. કારણકે..

     એક અમેરીકન કેવળ ગોરો આદમી નથી જ. એ કાળો પણ છે. જુલ્મોથી કચડાયેલી આ કાળી પ્રજામાંથી જ, મોતને ખભે રાખીને છટકી ગયેલા અને સ્વતંત્ર બનેલા જવાંમર્દોએ આઝાદી માટે ઝુંબેશ ચલાવી હતી. એ વીરલાઓની તવારીખનું એક જ્વલંત ઉદાગરણ છે – ફ્રેડરીક ડગ્લાસ.

     ગુલામ તરીકે સાટકાનો બેરહમ માર ખાવા સમેત,  બધી જ વ્યથાઓ  ભોગવેલા આ મહાન પુરુષે ખેડેલી –  ગુલામીની જંજીરથી વ્હાઈટ હાઉસમાં અબ્રાહમ લીન્કનના સલાહકાર તરીકેની –  અમર યાત્રા, અમેરીકન જુસ્સાનું ઓછું જાણીતું,  પણ ન ભુલી શકાય તેવું પ્રતીક છે.

વધુ જાણો

    આવા બીજા પણ અનેક નામી અનામી બહાદુરોએ અને દયાભાવવાળા ધોળા વીચારકોએ સળગતી રાખેલી વૈચારીક મશાલના કારણે અમેરીકામાં ગુલામી દુર કરવા માટેની જાગરુકતા આવી હતી.

   વધુ  વાંચન માટે   :   –  1  –    :   –   2  – 

Comments are closed.

%d bloggers like this: