સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અમેરીકન જુસ્સો : ભાગ -7 : ભુગર્ભ રેલ્વે

ભુગર્ભ રેલ્વે – Underground Railroad…

    ન્યુયોર્ક કે સાનફ્રાન્સીસ્કો જેવા કોઈ મોટા શહેરની રેલ્વેની આ વાત નથી. અમેરીકાની બહાર આ બહુ જાણીતી પણ નથી. અરે! અમેરીકામાં પણ મોટા ભાગના લોકો પહેલી નજરે આને યાતાયાતનું સાધન જ માની લે.

     પણ આ વાત છે – અમેરીકન જુસ્સાના એક પ્રતીકની વાત.

    ગોરાઓની એકહથ્થુ સત્તા અને જુલમની સામે કાળા માનવીની સ્વતંત્રતા માટેની આ અમર કહાણી છે. ઓગણીસમી સદીની શરુઆતથી, ગુલામીની પ્રથા 1865 માં નાબુદ ન થઈ; ત્યાં સુધી ચાલેલી આ રેલ્વે(!) દ્વારા દર વર્ષે સેંકડો કાળા ગુલામોને દક્ષીણના રાજ્યોમાંથી ભગાડી મુક્ત કરાતા. આખી મુસાફરી પગપાળા ચાલતા જ થતી.  ઉમદા વીચારના અને દયાળુ, ગોરા ક્વેકરોએ આ વ્યવસ્થાને સક્રીય અને સહૃદય મદદ કરી હતી.

     આ વ્યવસ્થામાં ગુલામોને પ્રોત્સાહન આપી ભગાડનારા કન્ડક્ટરો; આખે રસ્તે ઠેર ઠેર જળવાતાં, અને ગુલામોને દીવસે સંતાડી રાખવાનાં સ્ટેશનો ( સલામત ઘરો ) અને સ્ટેશન માસ્ટરો ( મકાન માલીકો) રહેતાં. આ વ્યવસ્થાને ઉદારમતવાદી ખ્રીસ્તી દેવળોનો સહકાર અને આર્થીક મદદ મળી રહેતાં.

    અમેરીકાના ઉતરનાં રાજ્યોમાં ગુલામી પ્રથા ગેરકાયદેસર હોવાના કારણે, ભાગી આવેલા ગુલામોને રહેવા ભાડાનાં મકાન, શીક્ષણ અને કામ મળી રહેતાં. આની સામે દક્ષીણનાં રાજ્યોને સખત વીરોધ હતો. તેમના આ વીરોધને નમતું જોખી, 1850માં ગુલામોના કાયદા વધુ કડક બનાવાયા હતા. પોલીસે ગુલામોને પકડનારાઓને મદદ કરવી પડતી. તેમના ઉપર કાયદેસર કોઈ કામ ચાલી ન શકતું. એટલું જ નહીં , પણ માત્ર શકના આધારે એ લોકો સ્વતંત્ર બનેલા સીદીઓનો કોર્ટમાં કબજો મેળવી શકતા અને માંડ છુટા થયેલા અભાગી જીવોને ગુલામીની ધુંસરીએ ફરી જોડવા બળજબરીથી દક્ષીણના રાજ્યોમાં લઈ જઈ શકતા.

     ભુગર્ભ રેલ્વે આવા જુલ્મી શાસનની ખફગી વહોરીને પણ કામ કરતી. માનવ મુલ્યોના રક્ષણ માટેની તમન્નાનું આનાથી વધારે સારું શું ઉદાહરણ હોઈ શકે?

      આની એક અમર કથા, હેરીયેટ ટબમેનની છે. ( 1820, ડોર્ચેસ્ટર, મેરીલેન્ડ – 1913, ઓબર્ન ન્યુયોર્ક )

     ખેતરમાંથી ભાગી જતા એક ગુલામ પર માલીકે ફેંકેલ લોખંડનું વજન વાગતાં, હેરીયેટને માથામાં સખત ઈજા પહોંચી હતી. આને કારણે તે આખી જીંદગી, અનેક વાર બેભાન બની જતી. આમ છતાં, 29 વર્ષની ઉમ્મરે આ મજબુત મનોબળ વાળી બાઈ તેના માલીકના ખેતરમાંથી ભાગી ગઈ હતી. ધ્રુવના તારાને નજર સમક્ષ રાખી, માત્ર રાતના અંધારામાં તે ભીષણ જંગલો પાર કરતી. દીવસે ‘સ્ટેશન’માં સંતાઈ રહેતી. વાદળઘેરી રાતે ઝાડના થડ પર ઉત્તર દીશામાં મોસ જમા થયેલી હોય છે; તે જ્ઞાનના આધારે, તે દીશા ભુલ્યા વીના, ઉત્તર તરફ મજલ કાપતી. આખા રસ્તે તેને પકડી જવા પાછળ પડેલા, શીકારીઓ અને શીકારી કુતરાઓના ભયનો ઓથાર માથે રાખીને તેને આ કઠણ યાત્રા કરવી પડતે. એમનો સગડ ભુલાવવા, તે ખતરનાક તળાવો અને ખાબોચીયાંનો આશરો પણ લેતી. એક વખત તો તે બેભાન બનીને એક ખાડામાં પડી ગઈ હતી; પણ અર્ધ તંદ્રાવસ્થામાં જ પોતાની ઉપર કાદવ લગાડી સંતાઈ રહી હતી. તુટલા ફુટલા જોડામાંથી કાંટા અને જીવજંતુઓ તેને ત્રસ્ત કરતા. આમ અનેક મુશ્કેલીઓ અને વીતકોનો સામનો કરીને, છેવટે તે ફીલાડેલ્ફીયા પહોંચી હતી અને સ્વતંત્રતા પામી હતી.

     સ્વતંત્ર થયા બાદ, પોતાનો ગુજારો કરી બેસી ન રહેતાં, તેણે કન્ડક્ટર તરીકે સેવાઓ આપી હતી; અને સત્તર વખત વાઘની બોડ જેવા ખેતરોમાં જઈ, જાનના જોખમે જઈ સીત્તેર જેટલા કાળા ગુલામોને મુક્તી અપાવી હતી.

    અમેરીકાના આંતરવીગ્રહમાં તેણે ઉત્તરનાં દળોને મદદ કરવા શરુઆતમાં રસોઈયા અને નર્સ તરીકે અને પછી, જાસુસ તરીકે પણ સેવાઓ આપી હતી. એટલું જ નહીં, પણ 1863માં સાઉથ કેરોલીનાની ‘કોમ્બાહી’  નદી આગળની લડાઈમાં તેણે સૈનીકોની એક ટુકડીની સફળ નેતાગીરી લીધી હતી; અને ચોખાના ખેતરોમાંથી 750 ગુલામોનો છુટકારો કરાવ્યો હતો.

   છેક વીસમી સદીમાં પણ, સીત્તેરથી વધારે વર્ષની ઉમ્મરે તેણે અમેરીકન સ્ત્રીઓને મતાધીકાર માટેની ‘સફ્રોગેટ’ ચળવળમાં સહકાર આપ્યો હતો.

    યથાર્થ રીતે જ તે કાળા ગુલામોની ‘મોઝીસ’ તરીકે જાણીતી છે.

    આવી અનેક પ્રતીભાઓ અમેરીકાના માનવ સ્વતંત્રતાના સીધ્ધાંતના પાયાની ઈંટો છે.

    વીશેષ વાંચન માટે  :    –  1  –  :  –  2  – 

Advertisements

Comments are closed.

%d bloggers like this: