સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વોલ માર્ટ સુપર સેન્ટર – એક અવલોકન

      મેન્સફિલ્ડના એક માત્ર હાઈવે – યુ.એસ.૨૮૭ – પર આવેલા,  વોલ માર્ટ સુપર સેન્ટરના વેચાણ કાઉન્ટરોની હારમાળાની સામે આવેલા એક બાંકડા ઉપર હું બેઠો છું. જ્યોતિ એના માનીતા શોપિંગમાં સ્ટોરની અંદર વ્યસ્ત છે. મને ખબર છે કે, કમ સે કમ અડધો કલાક તો થવાનો જ! આવા સંજોગમાં સમય પસાર કરવાના રામબાણ ઈલાજ જેવી વાંચવાની ચોપડી આજે મારો સાથ આપવા હાજર નથી. હું સામે ચાલી રહેલી ચહલ પહલનું નિરીક્ષણ કરતો, અલિપ્ત ભાવે બેઠો છું.

   સ્ટોરના ઘરાકો દાખલ થાય છે; શોપિંગ પતાવી, કાર્ટમાં માલ સામાન ભરી, કાઉન્ટર પર દામ ચૂકવી, વિદાય લે છે. કોઈ ઝડપી ચાલે ચાલતા યુવાન છે; તો કોઈ ડગુમગુ પગલે ઢસડાતા ઘરડા ખખ્ખ. કોઈની સાથે  ઊછળતા ને કૂદતા, તરવરિયા તોખાર જેવા બાળકો છે; તો કોઈ પ્રિયજનના હાથમાં હાથ રાખી, ‘આશા ભર્યા તે અમે આવિયા’ છે! કોઈક મહિલાઓ પાતળી પરમાર જેવી, જાણે નૃત્ય કરતી હોય, તેમ હાલતી રહે છે; તો કો’ક સાવ જિંથરિયા વાળવાળી અને અંગે અંગ ચરબીના થરના થરથી લચકાતી પરાણે ઘસડાતી ચાલે મંદ ગતિએ ડોલતા હાથીની જેમ પસાર થઈ રહી છે. કોઈક અપંગો માટેની, બેટરીથી ચાલતી ટ્રોલી વાળી કાર્ટમાં સવાર છે.

     કોઈક વ્યક્તિ ગોરી છે; તો કોઈક કાળી, કોઈક ઘઉંવર્ણી છે અને  કોઈક જાણે કબરમાંથી ઊઠીને આવેલી હોય તેવી સફેદ પૂણી જેવી છે. કોઈક દેખીતી રીતે ચીની કે વિયેટનામી કે કોરિયન લાગે છે. અને લો! આ મહિલા પંજાબી ડ્રેસમાં ભારતીય કે પાકિસ્તાની હોવાની ચાડી ખાય છે. કોઈક રડીખડી મહિલા ઈરાની હિજાબ ધારણ કરેલી છે. મોટા ભાગના પાટલૂનધારી છે. કોઈક મેક્સિકન હેટ માથે ચઢાવી મગરૂર ચાલે ચાલે છે તો કોઈક કાળી મહિલાએ દેખીતી રીતે આફ્રિકન ગાઉન પહેરેલો છે. કોઈક જુવાનડી સાવ નાનકડી ચડ્ડીમાં અંગપ્રદર્શન  કરતી લટક મટક હાલી રહી છે. કોઈક ઊંચા તાડ જેવું છે, કોઈક મધ્યમ તો કોઈક સાવ બટકું. કોક જણનું માથું ચકચકાટ છે; તો કોઈક લાંબા વાળથી ભરચક છે. કોક ક્લિન શેવ છે તો કોક ભારેખમ દાઢીવાળો ચહેરો ડારી રહ્યો છે. અને લો! આ મારી ઉમ્મરના લાગતા કાકાની મૂંછોનાં થોભિયાં મરદાનગીનો અહેસાસ કરાવે છે.

      એમની વાતોના રડ્યા ખડ્યા શબ્દો કાને પડતા જાય છે. અંગ્રેજી, સ્પેનિશ શબ્દો તરત ઓળખાઈ જાય છે; તો કો’કની સાવ અજાણી ભાષાનો ગડબડાટ હવા સાથે વહેતો રહે છે. કોઈકના અવાજમાં ગંભીરતા છે; તો કોઈકના અવાજમાં ચિંતા કે ચંચળતા પરખાઈ આવે છે. કોઈક એકલ દોકલ શોપર સાવ મૌન પણ છે.

      કાર્ટમાં ભરેલ સામાન પણ જાતજાતનો અને ભાત ભાતનો છે. મોટા ભાગે રસોઈની સામગ્રી, પીણાં, પાણીની બોટલો, કપડાં, કેન્ડી, કુકી, રમકડાં વિ. છે. કોઈકે ટીવી કે કોમ્યુટર ખરીદેલું છે. કોઈકે વળી કિશોર પુત્ર કે પુત્રી માટે સાઈકલ લીધેલી જણાય છે. સાથે કૂદતા બાળકોનો આ ખરીદેલી ચીજો વાપરવાનો ઉન્માદ છાનો નથી રહેતો. અને ઓલી નીલી આંખો વાળી, પરાણે વ્હાલી લાગે તેવી બાળકી, બબલગમ ચાવતી નટખટ અને કુતૂહલભરી નજરથી મને મીઠ્ઠું સ્માઈલ આપે છે.

     કાઉન્ટર સંભાળતાં કારકૂનો અને તેમના સુપરવાઈઝરો પણ જૂદાં જૂદાં વ્યક્તિત્વને નિખાર આપે છે. કોઈક હમણાં જ આવ્યાં છે; તો કોઈક શિફ્ટ પત્યે ઘેર જવા આતૂર છે. એમના મોં પર આખો દિવસ ઊભા રહેવાનો થાક છાનો નથી રહેતો. કોઈક ચુલબુલી યૌવના ટાપટીપ કરીને આવેલી છે; તો કોઈક આધેડ બાઈના મુખારવિંદ પર સંસારની ચિંતાઓનો ઓથાર તરત વર્તાઈ આવે છે.

     બાંકડા પર બેઠા બેઠા મને આ વિવિધતાનો શંભુમેળો સરસ મજાની, ટાઈમ પાસની અવલોકન પ્રવૃત્તિ આપી રહ્યો છે! આમાં કશીયે સમાનતા જ નથી. જાતજાતનાં અને ભાત ભાતનાં વ્યક્તિત્વો, ચીજ વસ્તુઓ, હાવભાવો અને ઘણું બધું.

   એક જ વાત સામાન્ય છે –

આખાયે માહોલમાં
જીવાતું જીવન
હૃદયના ધડકારાની જેમ
ધડકી, શ્વસી રહ્યું છે.

Comments are closed.

%d bloggers like this: