સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અમેરીકન જુસ્સો : ભાગ – 9 : આફ્રીકન અમેરીકનોનો મુક્તીજંગ

     અમેરીકન આંતરવીગ્રહમાં છ લાખ લોકોએ જાન ગુમાવ્યા છતાં; આફ્રીકન અમેરીકન લોકોની યાતનાઓનો અંત આવ્યો ન હતો. ઉત્તરનાં રાજ્યોમાં પણ એમના માટેનો અણગમો અને રંગભેદની નીતી ચાલુ જ રહ્યાં હતાં. ઉલટાનું એમની સ્થીતી તો બગડતી જ રહી હતી; કારણકે, ગુલામ હતા ત્યારે તો એમને ભરણપોષણ માટે જાતે ઝઝુમવું પડતું ન હતું. ત્રાસ અને અત્યાચાર છતાં તેમને રોજના રોટલા અને ઓટલા માટે ભટકવું પડતું ન હતું. હવે તો એમને કામ, અને ભાડાના ઘર માટે જાતે સંઘર્ષ કરવાનો હતો. અને તે પણ અન્યાયી, ગોરા સમાજમાં રહીને. અનેક ગણું વધારે કામ કરવા છતાં; ગોરાઓ કરતાં માંડ અડધો પગાર જ એમને મળતો. કાળી સ્ત્રીઓની હાલત તો એનાથી પણ બદતર હતી.

      એમનાં બાળકો માટે શાળાઓ સ્થપાઈ હતી; પણ એમાં શીક્ષણનું ધોરણ સાવ ઉતરતી કક્ષાનું રહેતું. વાહન વ્યવહાર, જાહેર શૌચાલય, ચર્ચ બધે જ તેમના માટે અલાયદી, નીમ્ન કક્ષાની અને અપુરતી સગવડો રહેતી. આ ઉપરાંત કુ ક્લુક્સ ક્લાન જેવી ત્રાસવાદી સંસ્થાઓ સાવ નજીવા કારણ સર કાળાઓને ફાંસીએ ચડાવતી અથવા જીવતા સળગાવી દેતી. સહેજ સમૃધ્ધ બનેલા કાળા લોકો આ ત્રાસવાદી સંસ્થાના ખાસ નીશાન બનતા. તેમને કાયદાકીય રક્ષણ પણ ન મળતું. મતાધીકાર તો ગોરી સ્ત્રીઓને જ ન હતો તો તેમના નસીબે ક્યાંથી હોય? દક્ષીણનાં રાજ્યોમાં તો આપણે કલ્પી પણ ન શકીએ એટલો અત્યાચાર ચાલુ જ હતો. ત્યાં તો ઉત્તરના રાજ્યોમાંથી આવેલા ગોરાઓનો પણ તીરસ્કાર કરવામાં આવતો.

      ઓગણીસમી સદીના મધ્ય ભાગથી ઔદ્યોગીક ક્રાન્તીના કારણે નોકરીની નવી તકો ઉભી તો થઈ હતી. પણ એમાં હલકી કક્ષાનાં અને જોખમકારક કામ જ એમને ફાળે આવતાં. એમાં પણ એમનું શોષણ થતું. વળી અમેરીકાની વધતી જતી સમૃધ્ધીથી આકર્ષાઈ, યુરોપથી ગરીબ લોકોનાં ધાડે ધાડાં અમેરીકાની ધરતી ઉપર ઉતરી આવતાં. જ્યાં એમને નોકરીઓ માટે ઝઝુમવું પડતું હોય; ત્યાં આફ્રીકનોનીતો શી વીસાત?

       આમ છતાં શીક્ષણના વ્યાપ સાથે કાળા લોકોમાં જાગૃતી વધતી જતી હતી. ફ્રેડરીક ડગ્લાસ, રોઝા પાર્ક્સ, ઈલા બેકર કેનેથ ક્લાર્ક, હેરીયેટ ટબમેન જેવાં અસંખ્ય લોકોએ આફ્રીકન અમેરીકન લોકોના ઉધ્ધાર માટે આંદોલન ચલાવ્યાં હતાં. આ બધાની જીવનકથની અમેરીકન જુસ્સાનાં સુવર્ણાંકીત પાનાં છે.

       કાળાઓ માટેની બસની સીટ, એક ગોરા માટે ખાલી ન કરવા માટે રોઝા પાર્કને આફ્રીકામાં ગાંધીજીને ટ્રેનમાંથી ઉતારી મુકવામાં આવ્યા હતા તેમ, બસમાંથી ઉતારી મુકવામાં આવી હતી.

(એના વીશે વધુ જાણો.)

      એણે આ અન્યાયી રસમ દુર કરવામાં ન આવે ત્યાંસુધી, બસમાં ન બેસવાના શપથ લીધા હતા. બીજા કાળા લોકોએ આ આંદોલન ઉપાડી લીધું હતું. બસ કમ્પની ખાડે જતાં, છેવટે એ અન્યાયી પ્રથા બંધ કરવી પડી હતી.

     પણ આ બધા ક્રાંતીકારીઓમાં શીરમોર નામ છે માર્ટીન લ્યુથર કીન્ગ.

(એમના વીશે વધુ જાણો.)

      આ કાળા પાદરીની ઉપર મહાત્મા ગાંધીના જીવન અને વીચારોએ ઘેરી અસર પાડી હતી. કાળા માણસને સમાન માનવીય હક્ક અપાવવા માટે, માર્ટીને અપનાવેલ સવીનય કાનુન ભંગની ચળવળના અંતીમ તબક્કે, 1968માં અંતીમવાદી ગોરાઓએ એમની હત્યા કરી નાંખી હતી.

      પણ એમની શહીદીની ફળશ્રુતીરુપે રંગભેદની ભેદભાવભરી, સરકારી નીતીનો અંત આવ્યો હતો. આફ્રીકન અમેરીકન લોકોના જીવનમાં એક નવો યુગ પ્રસ્થાપીત થયો હતો કાળા અમેરીકનોને પણ મતાધીકાર મળ્યો હતો; અને બધે એમને માટે અલાયદી વ્યવસ્થાની પ્રથા ભુતકાળની બાબત બની ગઈ હતી.

      માત્ર 40 જ વર્ષના ગાળા બાદ, અમેરીકાની શાળાઓમાં, બધા જ રંગનાં બાળકોને સાથે કીલ્લોલ કરતાં જોઈએ; ખ્રીસ્તી ચર્ચોમાં બહુ ઉચ્ચ સ્થાને પણ કાળા પાદરીઓને ઉપદેશ આપતા જોઈએ; એક કાળા મેનેજરના હાથ નીચે અનેક ગોરાઓને કોઈ સંકોશ કે સુગ વીના કામ કરતા જોઈએ; ત્યારે ઉજાગર અને નવપલ્લવીત થયેલાં માનવ મુલ્યોની પ્રતીતી આપણને થયા વગર રહેતી નથી. અહીં હવે, કોઈ પણ જગ્યાએ ભેદભાવભરી નીતી ચાલી શકતી નથી.

      આ ઉપરાંત અનેક શીક્ષીત આફ્રીકનોએ જ્ઞાન વીજ્ઞાનના ક્ષેત્રે વીશીષ્ઠ સીધ્ધીઓ  હાંસલ કરી હતી. બુકર ટી. વોશીંગ્ટન, જ્યોર્જ વોશીંગ્ટન કાર્વર, કેનેથ ક્લાર્ક વી. નાં નામ ઈતીહાસની તવારીખમાં સુવર્ણાક્ષરે અંકીત થયેલાં છે.

     રમતગમત અને સંગીતના ક્ષેત્રે પણ કાળા અમેરીકનો કાઠું કાઢતાં રહ્યાં છે. મહમ્મદ અલી, માઈકલ જેક્સન, બેન્જામીન બેનેકર, વી, નામો આમાં પ્રમુખસ્થાને છે.

     અને આ બધા જાજ્વલ્યમાન ઈતીહાસમાં શીરમોર સમી ઘટનાએ તાજેતરમાં જ આકાર લઈ લીધો છે. જે દેશમાં પાળેલા કુતરા અને બીલાડાંઓ, કાળા માનવી કરતાં વધુ કીમતી અને વહાલાં હતાં; જ્યાં કાળા માનવીના આંસુ, લોહી અને પસીનાથી અમેરીકાની સમૃધ્ધીની ઈમારત ગગનગામી બની હતી; જ્યાં વીશ્વના ઈતીહાસનાં કાળાંમાં કાળાં પ્રકરણો રોજબરોજની ઘટનાની જેમ ઉમેરતા જવામાં કોઈ નાનમ ન હતી –  ત્યાં 4 નવેમ્બર – 2008ના દીવસે ઈતીહાસ સર્જાઈ ગયો. એક નખશીશ કાળા કેન્યન બાપનો દીકરો ‘ બરાક ઓબામા’ અમેરીકન રાષ્ટ્રનો પ્રમુખ બની ગયો.

     અમેરીકન જુસ્સાનું આનાથી વધારે પ્રશંસનીય અને અનુકરણીય ઉદાહરણ બીજું શું હોઈ શકે?

        નામાંકીત આફ્રીકન અમેરીકનો વીશે વીશેષ વાંચન માટે અહીં ‘ ક્લીક’ કરો. 

Advertisements

Comments are closed.

%d bloggers like this: