સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અમેરીકન જુસ્સો : ભાગ -11 : ટોમ,ડીક અને હેરી

ટોમ

      રસ્તાની બાજુએ આવેલ બાંકડા પર હું બેઠો છું. મારી સામે ટોમ એવરી, એની માઉન્ટન બાઈકની બાજુમાં, રસ્તાની કીનારી પાસે પોરો ખાતો બેઠો છે. એનાથી સહેજ જ દુર આ જગ્યાની વીશીષ્ઠતા દર્શાવતું એક પાટીયું છે. એની ઉપર જણાવ્યું છે કે, વીશ્વનું સૌથી વધારે ઉંચાઈએ આવેલું, મોટર રસ્તો ધરાવતું આ સ્થળ છે. રસ્તા અને પાર્કીગ લોટની સામેની બાજુએ 300-400 ફુટ ઉંચે, કોલોરાડો રાજ્યમાં આવેલું, મહાન રોકી માઉન્ટનની પર્વતમાળાનું બીજા નમ્બરનું, માઉન્ટ એવાન્સનું 14,358 ફુટ ઉંચું શીખર ઉન્નત મસ્તકે ગર્વમાં મુસ્તાક બની સૌને ડારી રહ્યું છે.

      મારી મજાલ નથી કે, એની ઉપર પગપાળા ચઢું. મારો પુત્ર ઉમંગ એને સર કરવાનો પોતાનો ઈરાદો જાહેર કરે છે. સાથે સાથે એ પાટીયાને પાર્શ્વભુમાં રાખી, મારો ફોટો લેવાનો ઈરાદો પણ. હું એનો ફોટો લેવાનો વીવેક કરું છું! ટોમ ગુજરાતી ભાષામાં થતી, અમારી આ મીઠી રકઝક ચહેરા પરના હાવભાવથી પામી જાય છે. ઉભો થઈને એ અમારા બન્નેનો ફોટો સાથે લેવા ઓફર કરે છે. અને એક નાનકડો સંબંધ અને એને આનુષંગીક સંવાદ આકાર લે છે. થોડીક જ વાતચીતમાં અમને એ જાણ થાય છે કે…

અધધધ…

       ટોમ 65 વર્ષનો છે. આ સ્થળથી 60 માઈલ દુર આવેલા, કોલોરાડોના પાટનગર ડેનવરનો રહેવાસી છે. ગઈકાલે સવારે તે એની બાઈક પર નીકળ્યો હતો. ઈડાહો સ્પ્રીન્ગ નામના નાનકડા શહેરમાં રાતવાસો કરી, સવારના છ વાગે તેણે બાઈક મારી મુકી હતી. વાંકાચુંકા, 14 માઈલ લાંબા, સતત ચઢાણ વાળા, અનેક હેરપીન વળાંકો વાળા રસ્તાને પાર કરી તે અત્યારે અમારી સામે ઉભો હતો.

અને…
આ તેની આઠમી સફર હતી!

    અમે વીસ્ફારીત આંખે 65 વર્ષના આ યુવાનને અહોભાવથી નીહાળી રહીએ છીએ.

વિશેષ વાંચન

3-D Picture of Mt. Evans

ડીક

     ઉમંગ એવાન્સ શીખર સર કરી, પાછો આવે છે. થોડેક દુર, બીજા બાંકડા પર બેઠેલા ડીકને મળવા તે મને દોરી જાય છે.

      67 વર્ષનો ડીક એને માઉન્ટ એવાન્સના શીખર પર મળી ગયો હતો. સવારના છ વાગ્યાથી તળેટીમાં આવેલા વીઝીટર સેન્ટરના પાર્કીંગ લોટમાં એની કાર આરામ કરી રહી છે. ડીક એ જગ્યાએથી પગપાળો નીકળ્યો હતો. કાર માટેના વાંકાચુંકા રસ્તા પર ચાલવાની તેને જરુર ન હતી. બધા હેરપીન વળાંકો આગળ તેણે નાના નાના ઉંચાણો ચઢીને શોર્ટકટ લીધા હતા. આમ છતાં એને સાડા ચાર માઈલનો ફાસલો તો કાપવો જ પડ્યો હતો : અને તે પણ સતત ચઢતા રહીને; નાના નાના, રોક ક્લાઈમ્બીન્ગ કરીને.

અને ડીકની આ બારમી સફર છે.

હેરી

       અમે પાછા વળીએ છીએ. થોડેક નીચે, 11,500 ફુટની ઉંચાઈ પર સમીટ લેક આવેલું છે. ગ્લાસીયરનો બરફ ઓગળીને એમાં ભેગું થયેલું પાણી નીતર્યા કાચ જેવું છે. એ તળાવની સામેની બાજુએ તોતીંગ માઉન્ટ એવાન્સનું શીખર ઝળુંબી રહ્યું છે. તળાવના કીનારે, રસ્તાની બાજુમાં એક ટ્રાઈપોડ ઉભી કરેલી છે અને તેની ઉપર એક કેમેરા ચઢાવેલો છે. ટ્રાઈપોડની બાજુમાં હેરી હાથની અદબ વાળીને ઉભો છે. તે શેના ફોટા પાડી રહ્યો છે; અથવા કેમ કશા ફોટા પાડી રહ્યો નથી; એ જાણવાનું મને કુતુહલ થાય છે.

       અને એ સત્ય જાણીને અમે હેરત પામી જઈએ છીએ.

       ત્રણ દીવસથી હેરી આ જ જગ્યાએ ટ્રાઈપોડ જમાવતો રહ્યો છે. સવારના અજવાળું થતાં જ તે અહીં ધામા નાંખે છે; અને અંધારું થાય તેની થોડીક જ પહેલાં આ માયા સંકેલી ઘરભેગો થઈ જાય છે. એને એક જ ફોટો પાડવો છે – પવન પડી જાય અને તળાવનું પાણી લહેરખી વીનાનું થઈ જાય, એ ઘડીની એ રાહ જોઈ રહ્યો છે. એમ બને કે તરત, એના કેમેરાની ચાંપ ક્લીક થવાની છે; અને તળાવના ઘડીક સ્થીર થયેલા પાણીમાં મહાન એવાન્સ શીખરનું પ્રતીબીંબ ઝડપાઈ જવાનું છે!

      અને 65 વર્ષનો હેરી, ધીરજ પુર્વક, એ શુભ ઘડીનો ઈન્તજાર કરી રહ્યો છે. કદાચ એણે એની જુવાનીમાં એની પ્રીયતમાની વાટ પણ આટલી આતુરતાથી નહીં જોઈ હોય!

       હું આ જોક એને સંભળાવું છું; અને તે હસતાં હસતાં મારી વાતંબે અનુમોદન આપે છે.

———————————————–

       ટોમ, ડીક અને હેરી -રસ્તા પરના, સાવ સામાન્ય માણસ માટે વપરાતો, અંગ્રેજી ભાષાનો રુઢીપ્રયોગ.

ત્રણ ક્રેઝી અમેરીકન.

  • સાઠ દસકા વીતાવી ચુકેલા ત્રણ જણ.
  • વાર્ધક્યની ગરીમા જેવા ત્રણ જણ.
  • અમેરીકન જુસ્સાના પ્રતીક જેવા ત્રણ જણ

અને આવા તો ઢગલાબંધ ટોમ, ડીક અને હેરી અહીં ઠેર ઠેર મળી આવે છે.

Advertisements

Comments are closed.

%d bloggers like this: