સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અમેરીકા પ્રશ્નોત્તરી – 5

પ્ર – અમેરીકામાં રહેતા ભારતીયો પોતાને શું ગણાવામાં ગર્વ અનુભવે છેં? –  ભારતીય કે અમેરીકન?

ગૃ.

ભારતમાં હોઈએ તો અમેરીકન અને અમેરીકામાં હોઈએ તો ભારતીય! ટુંકમાં બન્નેથી અલગ આપણી ઓળખ. અહીં સાઉથ એશીયન અમેરીકન શબ્દ વધુ પ્રચલીત છે – જે ભારત, પાકીસ્તાન, બાંગલાદેશ અને શ્રીલંકાથી આવેલા લોકોને લાગુ પડે છે. આ બધા ધર્મ અને થોડાક રીતરીવાજો બાદ કરતાં, લગભગ એક સરખી સંસ્કૃતીના વંશજ છે.

ચી.

જ્યારે એક અમેરીકન કે ચાઈનીઝ સામે મળે તો ભારતીય અને કોઈ ભારતીય સામે મળે તો અમેરીકન ! સાચે જ ABCDEFG!!! ( અમદાવાદ બોર્ન કંફ્યુઝ્ડ દેશી ઈમીગ્રટેડ ફ્રોમ ગુજરાત.) હું પોતે ભારતીય હોવામાં ગર્વ અનુભવું છું, પણ દેશમાં જાઉં તો “નોન-રીક્વાયર્ડ ઈંડીયન”ની ઓળખા આપોઆપ ઉભી કરી દઉં છું. પુરા અમેરીકન થવાતું નથી અને ભારતને સમ્પુર્ણ સમર્પીત પણ થવાતું નથી. પણ હું “ભારતીય” તરીકે જ અત્ર-તત્ર-સર્વત્ર ઓળખાવા માંગું છું.

સુ.

ભલે કાયદેસર અમે અમેરીકન હોઈએ; દીલથી તો હીન્દુસ્તાની જ. જો કે, આ માત્ર ભારતમાં જન્મેલા અને ભારતમાં જ પુખ્ત વય સુધી ઉછેર મેળવેલાઓને લાગુ પડે છે. જે અહીં જન્મ્યા છે અથવા સાવ નાની ઉમ્મરે ( છ વર્ષથી નાની) અહીં આવી ગયેલા છે; અને પ્રાથમીક શીક્ષણ અહીં મેળવેલું છે તે લગભગ ABCD ( અમેરીકા બોર્ન કંફ્યુઝ્ડ દેશી) કહી શકાય. એ લોકો સ્વાભાવીક રીતે જ 90% અમેરીકન હોય છે.

પ્ર – અમેરીકામાં રહીને અમેરીકાએ પૈસો આપ્યો, માન અપાવ્યું, ઇજ્જત વધારી. પણ તોય એક કુંટુબ ન હોવાનો અહેસાસ કેમ ખાતો રહે છે એમને?

ગૃ.

અહીં સૌને પોતપોતાની રીતે રહેવાનો અવકાશ છે આથી બાળકો જ નહી, માબાપ પણ પોતાની રીતે રહેવા માંગે છે એટલે સાથે રહેવા માટે જરૂરી બાંધછોડ થતી નથી અને એનો લાભ પણ મળતો નથી. આથી કુંટુંબ ભાવના નબળી પડતી જાય છે.

ચી.

આ સવાલ અમેરીકાને જ માત્ર લાગુ નથી પડતો. આખી દુનીયામાં આ હાલત છે. આજના યુગની તાસીર. નોકરી-ધન્ધા-ઉચ્ચ અભ્યાસ વગેરે કારણોસર માનવી પોતાનું વતન છોડી, બહાર નીકળતો થયો છે (નડીયાદ છોડીને બેંગલોર રહેવું પણ પરદેશ વેઠવો ના કહેવાય?). જ્યારે એના વડીલો જ્યાં સ્થાયી થયા હોય ત્યાંથી દુર નીકળવા ના ઈચ્છતા હોય. વળી, ભાઈ-બહેન પણ જુદા જુદા કરણોસર અલગ રહેતા હોય છે. પતી-પત્ની-બાળકો દીવસનો મોટો ભાગ જૉબ, ધન્ધો, અભ્યાસ વગેરે કારણોસર એક્બીજાને મળતા હોતાં નથી. એટલે એક કુટુમ્બનો એહસાસ રવીવારે કે રજામાં જ થાય.

સુ.

આપણે આવા સામાજીક પ્રશ્નને એક સરખી રીતે મુલવી ન શકીએ. આ દરેક જણની અંગત કુટુમ્બભાવના ઉપર આધાર રાખે છે. પણ એ સત્ય છે કે, જેમ સમૃધ્ધી વધે તેમ આ ભાવના ઓછી થતી જાય છે –  લોકો વધુ ને વધુ સ્વલક્ષી થતા જાય છે. ભારતમાં પણ આમ જ નથી થતું  વારુ?

Comments are closed.

%d bloggers like this: