સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અમેરીકા પ્રશ્નોત્તરી – 6

પ્ર – ભારતમાંથી બહાર ગયેલા લોકોનું પોતાની જન્મભુમીને પ્રદાન શું?

ગૃ –

ભારત છોડતી વખતે જાત સાથે વણાયેલી એ સમયની સંસ્કૃતીનો વીશ્વને પરિચય કરાવનાર માધ્યમ બની રહે છે. દેશના સામાન્ય નાગરીકની અસામાન્ય શક્તીનો દુનીયાને અનુભવ કરાવે છે. સાથે સાથે પોતાને પ્રાપ્ત થતી આર્થીક સમૃધ્ધીમાં દેશબંધુઓનો હીસ્સો/ ઋણ અદા કરવાની ભાવના સાથે દાન દ્વારા વહેંચતા રહે છે. હમ્મેશાં પોતાના દેશ તરીકે ભારતનું ગૌરવ વધારવાના પ્રયત્નમાં રહે છે. ઉપરાંત ભારતના વીકાસમાં પોતાની રીતે શક્ય ફાળો આપવાની કોશીશ કરતા રહે છે.

ચી –

જ્યાં સુધી ભારતમાં પાછા ફરીને પોતાને વીદેશમાં મળેલા જ્ઞાન, શીસ્ત, આચાર-વીચાર મુજબ જન્મભુમીને મદદ ના કરીએ ત્યાં સુધી કશું પ્રદાન નહીં! હા, ભારતની વસ્તીમાં નજીવો ઘટાડો કરીને એટલી ભારતની કુદરતી સમ્પદાને બચાવીએ છીએ! ઉપરાંત, એન.આર.આઈ.નો મોટો ભાગ દર વર્ષે ઘણીબધી ખરીદી ભારતમાંથી કરીને થોડોક આર્થીક ફાળો આપે છે.

ભારતની નવી પેઢીને પશ્ચીમનું આંધળું અનુકરણ કરતા જોઈને એવું થાય છે કે, આના બીજ બીનનીવાસી ભારતીયોએ જ વાવેલા છે. મેં એવા ઘણાં લોકોને જોયા છે; જે દેશમાં જઈને ભપકો, શરાબ, ખાનપાનનો અતીરેક કરીને ત્યાંના લોકોને અભડાવીને એવું કરવાની પ્રેરણા આપતાં હોય છે (ભલે પછી અમેરીકા પાછા ફરી બધાં મોંઘા કપડાં અને કેમેરા રીટર્ન કરી દે, ત્યાં તો વટ પડી ગયોને…).

છેલ્લા 3 વર્ષથી ઘણાં એંજીનીયરો પાછા દેશમાં જાય છે અને ત્યાં પોતાનું પ્રદાન આપતાં હોય છે. આવા લોકોને દીલથી સલામ. બાકી મારી જેમ ઘણાં એ અભરખો લઈને જીવે છે પણ હજી હીમ્મત નથી કરતા. ઘણાં અમેરીકી-ભારતીયો બી.પી.ઓ. કે બીજા આઈ.ટી. બીઝનેસ શરુ કરીને ત્યાં વ્યવસ્થીત કોર્પોરેટ કલ્ચર અને નોકરી આપવા કૃતનીશ્ચયી છે. બાકી તો, મોટો ભાગ સાધુ-સંતોને પોષીને, વતનમાં પ્રોપર્ટીના ધન્ધામાં તેજી લાવે છે. એ સહુથી મોટુ પ્રદાન!

સુ 

અહીં રહેતા ગુજરાતીઓને ( બીજા રાજ્યોમાંથી આવેલા લોકોનો મને બહુ અનુભવ નથી, માટે ભારતીય શબ્દ નથી વાપરતો.) ત્રણ કક્ષામાં વહેંચી શકાય.
એક – સાવ નીચલા થરના – જે વખાના માર્યા અહીં આવ્યા છે અને મહેનત મજુરી કરીને જીવનગુજારો કરે છે. એમને માટે જીવન એટલા સંઘર્ષોથી ભરેલું હોય છે, કે આવું કશું વીચારવાનો એમને માટે અવકાશ જ નથી. દેશમાં પાછા જાય ત્યારે તમાચો મારીને ગાલ લાલ રાખવા જેવી એમની હાલત હોય છે.

બે– સારું ભણેલા અને અહીં ઉચ્ચ અભ્યાસ કરેલા લોકો – એમનું જીવન પણ સંઘર્ષમય તો હોય જ છે; પણ એ લોકો વત્તા ઓછા પ્રમાણમાં સાંસ્કૃતીક પ્રવૃતી કરી શકતા હોય છે. એમાંના મોટા ભાગના ભારતીય હોવાનું ગૌરવ જરુર અનુભવે છે; પણ ભારતની મર્યાદાઓથી ખાસ્સા માહેર હોય છે. એમની હાલત ત્રીશંકુ જેવી બની જાય છે. નહીં અહીંના કે નહીં ત્યાંના.

ત્રણ – અહીં ઘણા વખતથી સ્થાયી થયેલા અને બે પાંદડે થયેલા લોકો. એમણે દીધેલ દાનોથી ભારતની ઘણી બીન-સરકારી, સેવાભાવી સંસ્થાઓ નભે છે. પણ મહત્તર ધાર્મીક સમ્પ્રદાયો આનો વધુ લાભ લઈ જાય છે; અને પોતાના વાડાઓની સરહદો અને ભ્રષ્ટાચારો પણ વધારતા જાય છે. ધારે તો આ વર્ગ ભારતની કાયાપલટ કરી શકે એટલી ક્ષમતા ધરાવતો હોય છે.

સાહીત્ય સર્જનમાં હવે ભારતની બહાર રહેતા ઘણા લોકોનો ફાળો છે જ. એમાં અહીંના સમાજજીવનનું પ્રતીબીંબ અવશ્ય પડતું હોય છે. એમાંથી પ્રેરણા લઈ ભારતમાં ઘણું હકારાત્મક સામાજીક પરીવર્તન શક્ય બની શકે.

પ્ર – અમેરીકા માં ઝાડુ મારવુ પડે તો પણ લોકોને ચાલે છે, પણ પોતાના દેશ માં પટાવાળાની નોકરી કરવી પડે તો એને એ તુછ્છ ગણે છે એમ કેમ??

ગૃ –

પટાવાળાની નોકરી કરનારને ત્યાં સમાજ તુચ્છ ગણે છે. આથી સમાજનો તુચ્છકાર સહન કરવો પડે. જ્યારે અહીં જાહેર સંડાસ બાથરૂમ સાફ કરનારને પણ સમાજનો તુચ્છકાર નથી નડતો.

ચી –

પરદેશની ભીખ પણ માફ એમ અમસ્તુ કહેવાયુ છે? જો કે આ બાબતે જે તે સ્થળનું પરીબળ વધુ ભાગ ભજવે છે. અમેરીકામાં ચામડીનો ભેદ છે, કામનો નહી. કોઈ પણ કામ નાનુ કે મોટુ નથી. જ્યારે ભારતમાં કામનો બહુ મોટો ભેદ છે. અમુક કામ અમુક જાતીના લોકો જ કરે, ભલે પછી ભુખે મરવું પડે. વળી, જીવનધોરણ પણ એક કારણ છે. અહીં ઝાડુ મારનારો પણ અમેરીકાનો પ્રમુખ ખાતો હોય એ સેન્ડવીચ ખાઈ શકે છે. બન્ને એક્સરખું દુધ, માખણ વાપરતા હોય છે. અને આપણે ત્યાં? વાત જ જવા દો…

સુ

આપણા સમાજનો આ દેખીતો દંભ જ છે. અમેરીકા ભલે મુડીવાદી દેશ ગણાતો હોય; પણ એ સાચા અર્થમાં શ્રમજીવી દેશ છે. અહીં શ્રમનો મહીમા છે. એક પ્લમ્બર કે ઈલેક્ટ્રીશીયન બેન્કના કે સરકારી કારકુન કરતાં વધુ કમાતો હોય છે. એવું જ શીક્ષકોનું છે. આપણે ત્યાં પંતુજી ગણાતો/તી માસ્તર અહીંનો/ની સન્માનનીય વ્યક્તી છે.
ભારત ભલે પોતાને સમાજવાદી ગણાવતો હોય; એ હજુ સામંતશાહી યુગમાંથી બહાર નથી આવ્યો.

6 responses to “અમેરીકા પ્રશ્નોત્તરી – 6

  1. gujaratisampradayo જાન્યુઆરી 24, 2012 પર 1:56 પી એમ(pm)

    જન્મભુમીને પ્રદાન……….

    જે મોક્ષ અપાવે/મોક્ષ ની વાત કરે તેને જ દાન અપાય છે.
    શાસ્ત્રો વાચી કહો કોણ દાન ને પાત્ર છે ?

  2. Dipak Dholakia જાન્યુઆરી 25, 2012 પર 6:05 એ એમ (am)

    ભારત ઘણા સ્તરે એક સાથે જીવતો દેશ છે પરંતુ મુખ્ય જીવન પ્રવાહ સામંતવાદી છે. દુનિયામાં સામંતવાદ પછી વ્યાપારવાદ આવ્યો અને પછી મૂડીવાદ. દરેક વ્યવસ્થામાં અમુક તત્વો સારાં હોય અને પછી એના જ ગર્ભમાં રહેલા એના અંતર્વિરોધો બહાર આવે છે અને એ વ્યવસ્થાને બદલી કાઢે છે.
    ભારતમાં બધાં જ તત્વો મોજૂદ છે. મૂળ વ્યવસ્થાની સાથે એમના અંતર્વિરોધો પણ જીવતા રહે છે. કશું જ સંપૂર્ણપણે બદલાતું નથી.

  3. સુરેશ જાન્યુઆરી 25, 2012 પર 9:02 એ એમ (am)

    < < કશું જ સંપૂર્ણપણે બદલાતું નથી.
    …..
    સરસ વાત. ગુજરાતી કહેવત ..
    ' સાપ ગયા પણ લિસોટા રહ્યા.'
    કેવું વૈચિત્ર્ય ?
    બધું સતત બદલાતું રહે છે અને છતાં કશું જ સંપૂર્ણપણે બદલાતું નથી !!
    પણ અમેરિકામાં છેલ્લા ૫૦ વર્ષમાં આવેલો બદલાવ ખરેખર અભૂતપૂર્વ છે. અને માટે જ 'અમેરિકન જુસ્સો' લખવા પ્રેરાયો હતો.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: