સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સાબુ પર સાબુ , ભાગ – ૫ ; એક અવલોકન

ફરી એક વાર સાબુ પર સાબુ! પાંચમી વખત

ભાગ – ૧    :    ભાગ – ૨  :  ભાગ – ૩   :   ભાગ – ૪

દૃશ્ય એ જ પણ નવો વિચાર..

          બાથરૂમમાં જતાં સાબુ પર નજર ગઈ. ગયા શુક્રવારે જ નવો કાઢ્યો હતો. જૂનો કોણ જાણે ક્યાં હતો! પણ ગઈકાલે એ જૂનો સાબુ હાજર થઈ ગયેલો દેખાયો- નવા પર સવારી કરીને જ તો!

         બે જણ થોડા દિવસ અલગ અલગ રહ્યા હતા. નવાની ઉપર જૂનો મૂકીએ તો અળગો જ રહે. પણ આજે બે એકરૂપ થઈ ગયા હતા – અલગા કરવા હોય તો પણ ન થાય.

      ચપટિક કે ચમચિક  પાણીનો પ્રતાપ. થોડું અમથું જ પાણી – પણ બન્નેની સપાટીઓને સ્નિગ્ધ કરી નાંખે. અને એ સ્નિગ્ધ સપાટી સૂકાતાં સૂકાતાં સાબુનો ચીકણો રસ બન્નેને એટલો તો વળગે; કે બેય સાબુ એકરૂપ થઈ જાય.

        પાણી એટલે જીવન. કોઇ સજીવ એના વિના જીવિત ન રહી શકે. પણ અહીં તો નિર્જીવ સાબુમાંય એણે કમાલ કરી હતી. છૂટા રહેલા બે સાબુને ભેગા કરી દીધા હતા.

      પાણીના કેટકેટલા ગુણ? જીવનને પ્રગટાવે, પોષે, વર્ધન કરે; અને નિર્જીવને પણ જોડે.

——

      એવું જ સજ્જનનું પણ હોય છે ને? મૈત્રીભાવ જગાવે.  સદભાવનાને વ્યાપક કરે. છૂટા પડી ગયેલા વચ્ચે મનમેળ કરાવે. મંગળભાબનાને ઉદ્દીપિત કરે – જાતે સૂકાઈને પણ.

भवतु सब्ब मंगलं ।

Comments are closed.

%d bloggers like this: