સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ટ્રાફિક સિગ્નલ – એક અવલોકન

       ટ્રાફિક સિગ્નલના ત્રણ રંગ- લાલ, પીળો અને લીલો. લાલ રંગ થોભવા માટે; લીલો ચાલતા થવા માટે; અને પીળો ચાલતા હો, તો ધીમા પડવા માટે.

            લાલ અને લીલો તો સમજી શકાય. જવું કે ન જવું – બે વિકલ્પ. પણ પીળો પણ રાખ્યો છે – ખાસ અલગ જરૂરિયાત માટે.

      જે રસ્તા પર પૂરપાટ ધસી રહ્યા છે- તેમને ખાસ, આગોતરી ચેતવણી માટે- હવે થોડાક જ વખતમાં  તેમનો રસ્તો બંધ થવાનો છે – ડાબી/જમણી બાજુના રસ્તા વાહન વ્યવહાર માટે હવે ખૂલવાના છે. માટે તે લેમ્પ થોડેક દૂરથી જ ધીમા પડવા સૂચના આપે છે. જો ક્રોસિંગની સાવ નજીક હો તો, બનતી ત્વરાથી એને ઓળંગી જવાનો છે- એમ પણ તે સમજાવી દે છે.

        રસ્તાઓ ભેગા થતા હોય; ડાબે કે જમણે વળવાના કે સીધા જ ચાલુ રહેવાના અથવા પૂરેપૂરી પીછેહઠ કરવાના વિકલ્પો જ્યાં  સર્જાતા હોય છે; તેવા ત્રિભેટા કે ચતુષ્ભેટા આગળ આવી ચેતવણીની જરૂર પડતી હોય છે. આવી જગ્યાઓએ તમે એકલા કે તમારા સહપ્રવાસીઓ સિવાય , બીજી દિશાના પ્રવાસીઓ પણ હોય છે. ત્યાં જ અથડાઈ પડવાની શક્યતાઓ સૌથી વધારે હોય છે- અથડામણો ઊભી થવાની ઘટનાઓ  ત્યાં જ વધારે સર્જાતી હોય છે.

…..

      આ વાત રસ્તાની તો છે જ; પણ જીવનને પણ તે બહુ લાગુ પડે છે. જીવનમાં જ્યારે રસ્તો બદલાના વિકલ્પો ઊભા થાય છે; અથવા અથડામણ કે પછડાટ ખાવા પડે તેવી શક્યતાઓ ઊભી થાય છે; ત્યારે આપણને કોઈ ચેતવણીની/ દિશાસૂચનની જરૂર પડે છે. સીધે સીધું જીવન વીતતું હોય; ત્યારે તો જીવનની ગાડી એક જ પાટા પર સડેડાટ ઝડપથી કે ધીમી ગતિએ પણ ચાલ્યા કરે છે – જેવી જેની શક્તિ. પણ આવા બદલાવના સંજોગો આવે તો – ડાબે વળવું કે જમણે અથવા સીધા આગળ ધસે રાખવું કે આમ જવામાં કશીક પાયાની ભૂલ થઈ હોય એમ લાગે તો, બહાદુરીથી પીછેહઠ કરવી કે કેમ – આવા બધા નિર્ણયો જીવનની એ નિર્ણયાત્મક અવસ્થામાં લેવા પડતા હોય છે. અને ત્યાં જ આંતરી દિશાના, આડા પડનારા જીવો સાથે મૂઠભેડ થવાની શક્યતાઓ ઊભી થતી હોય છે.

      અને ત્યાં જ પીળી લાઈટનું કામ પડે છે; ગતિ બદલવાની જરૂર પડવાની  છે; એવી ચેતવણી જરૂરી બને છે. અથવા લાલ કે લીલી લાઈટની – હવે સમો આડા જનારાઓનો આવ્યો છે, કે હજુ આપણો ચાલુ છે – એની જાણ જરૂરી બને છે.

     પણ અરેરે! જીવનના પથ પર ક્યાં આવી બહુ જરૂરી સિગ્નલ લાઈટો મળતી હોય છે?

      અને કોઈ આપ્તજન, મિત્ર, સંબંધી, હિતચિંતક કે પથદર્શક ગુરૂ આપણને આવી ચેતવણી આપે પણ ખરા; તો આપણે ન માનીએ અને પછડાઈએ – એમ પણ નથી બનતું?  

Comments are closed.

%d bloggers like this: