સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બારશનો ચન્દ્ર – એક અવલોકન

    પૂનમનો નહીં, અને બારશનો?  ‘चौधवींका चांद हो।‘ પણ નહીં ! હા! સુદ બારશનો ચન્દ્ર અને તે પણ સાંજના પાંચ વાગે.

     લગભગ આવો દેખાતો હતો.

પૂર્વાકાશમાં,
ક્ષિતીજથી થોડેક ઊંચે.
સાવ બેડોળ,
સાવ નિસ્તેજ,
દમિયલ.

     અને રાતેય એ તો માળો, આવો જ દેખાવાનો…

પુનમના કે ચૌદશના ચન્દ્રની પ્રશસ્તિ ગાઈ ગાઈને  તો કવિઓ થાકી  ગયા. ઉગતા કે મધ્યાકાશના સૂર્ય કે, ચન્દ્રની કીર્તિ તો જગજાહેર છે. પણ બેડોળ. નિસ્તેજ ચન્દ્રની વાત શેં કરવી? પણ તે દિવસે કાર ચલાવતાં એ નજરે પડ્યો; અને એનું અવલોકન લખવા મન થયું.

    સાંજે પાંચ વાગે, બારશનો ચન્દ્ર – સાવ સામાન્ય માણસ જેવો- સામાન્ય માણસ પણ એને તુચ્છકારે એવો ..બેડોળ, નિસ્તેજ, દમિયલ.

     આપણા મોટા ભાગનાનો, સામાન્ય માણસોનો એ જ તો નજ઼ારો છે.

     નીરાશાવાદી અવલોકન……નકારાત્મક અવલોકન.

      પણ એ ન ભૂલીએ કે, ત્રણ જ દિવસ અને પાંચેક કલાક પછી એનો વટ પડવાનો છે! કવિઓ એની પ્રશસ્તિ કરવાના છે. બધાયે ‘ચૌધવીંકા ચાંદ’ કે ‘પૂનમના ચાંદ’ ત્રણ દિવસ અને પાંચ કલાક પહેલાં બારશના, પાંચ વાગ્યાના ચન્દ્ર જ હતા.

     આપણે ભલે સામાન્ય હોઈએ, કદાચ એમ બને કે, એ ત્રણ દિવસ અને પાંચ કલાક પસાર થતાં પહેલાં તો આપણી જીવન યાત્રાનો અંત આવી જાય. આપણે કદીય એ કવિ-પ્રશસ્તિના હકદાર ન બનીએ – અને મોટે ભાગે તો એમ જ બનવાની નિયતી છે જ! એમાં કોઈ ભવિષ્યકથનની કશી જરૂર છે ખરી?

     પણ બારશની સાંજના પાંચ વાગ્યાના ચન્દ્ર હોવાની ગરીમા ધારણ કરીને જીવીએ –

જેવા છીએ તેવા,
આપણા મૂળ હોવાપણા સાથે એકરૂપ બનીને…
આ ક્ષણમાં જીવતા હોવાની,
શ્વસતા હોવાની ગરીમા.

Comments are closed.

%d bloggers like this: