સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

લીપી, ભાગ -૨ , એક અવલોકન

    ફરી એક વખત પાર્કમાં અવલોકન.

    હું બાંકડા પર બેઠો હતો. મારો દીકરો અને દીકરીનો દીકરો દૂર સુધી ચાલવા ગયા હતા. એમના આવવાને વાર હતી. સમયની ઠીક ઠીક મોકળાશ હતી. ઘણાં જૂનાં અવલોકનો વસ્તુઓ જોતાં તાજાં થઈ ગયાં. બે નવા વિચાર ટપકી પડ્યા. એમને યાદ શી રીતે રાખવા?

     આમ જ પહેલાં બન્યું હતું, અને યાદ રાખવાની તરકીબ શોધી કાઢી હતી. બરાબર ૨૭,ઓગસ્ટ – ૨૦૦૮ ના રોજ.

     અને ‘લીપી’ વિશે એક સંશોધન થઈ ગયું હતું!

     પણ આ અવલોકન કાળ તો  એ પછી આશરે સાડા ત્રણ વર્ષ બાદનો છે. એ વખતે મારી પાસે લખવાનું કશું  સાધન હાથવગું ન હતું; એટલે એ જમાનાજૂની તરકીબ અજમાવી હતી – અને સફળતા પૂર્વક હોં!

     પણ આ વખતે?

     દીકરાએ અપાવેલો, સરસ મજાનો  સેલફોન ખીસ્સામાંથી કાઢી, બન્ને અવલોકનોનાં શિર્ષક અને આ ‘લીપી’નું શિર્ષક – બધું એની ‘નોટ્સ’માં ટપકાવી દીધું.

    હવે ઘેર જઈશ,  ત્યારે આ વિચારો હાથતાળી નહીં દઈ શકે!

    સાડા ત્રણ વર્ષના સમયમાં જ ટેક્નોલોજીનો કેવો તો અદભૂત વ્યાપ?

——————

      પણ માનવ જાતિ માટે પહેલી ચિત્ર લીપીથી ડિજિટલ અને વાયરલેસ ટેક્નોલોજી સુધી પહોંચવા માટે કેટલી લાંબી  આ દોડ ? માનવ ઈતિહાસના સમગ્ર પટનું એક ચિત્ર મગજમાંથી હાઈ સ્પીડ જેટ વિમાનની જેમ પસાર થઈ ગયું.

       અને મારો આ સેલ ફોન તો જવાનિયા હસવામાં કાઢી નાંખે તેવો – મારા જેવો, જરી પૂરાણો છે! સ્માર્ટ ફોનનો આ તો જમાનો છે. ( જો કે, એક જ મહિના પછી મારા ખીસ્સામાં પણ ડ્રોઈડ હશે !)

      અને હજુ તો આ ટેક્નોલોજી માંડ ૩૦-૪૦ વર્ષ જૂની જ છે. એ ગાળામાં કેટલી બધી હરણ ફાળો? દર છ મહિને એ કૂદકો જૂનો થઈ જાય.  પચાસ વર્ષ પછી, અભિવ્યક્તિનાં સાધન કેવાં હશે? અરે! સમગ્ર માનવજીવન પણ કેવું હશે? આપણું મગજ બહેર મારી જાય, એવી વાત છે.

  પણ ભાયા! ચિત્રલીપી હો કે, સ્માર્ટ ફોન … માણસને અભિવ્યક્તિ વિના ચાલ્યું નથી અને…

મારે અવલોકન વિના !

અને થોડાક દિવસમાં ‘ધોળા વાળ’ અને ‘મૃત વૃક્ષ’ અવલોકાયાં હશે જ!

Comments are closed.

%d bloggers like this: