સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ધોળા વાળ – એક અવલોકન

      પાર્કમાં બાંકડે બેઠાં બેઠાં, આજુબાજુની ચહલપહલ નિહાળતાં, તે દિવસે ધોળા વાળ વાળી વ્યક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત થયું.  કોક ગોરા હતા, કોક કાળા, કોક ઘંઉ વર્ણા; કોક પીળી ચામડીના તો કોક સાવ સફેદ પૂણી જેવા. કોક ઊંચા, કોક નીચા, તો કોક મધ્યમ ઊંચાઈના. જાતજાતના અને ભાતભાતના લોકો પણ બધામાં એક વાત સામાન્ય – બધાંયના વાળ ધોળા, મારા જેવા!

જીવનની સંધ્યાની નિશાની.
ઈનિંગ પતવામાં છે; એનો સંકેત.

     અને અંતિમ કાળે, બધું અંધારઘેરી નિશામાં અદૃશ્ય બની જશે ત્યારે?

      એ સૌની રક્તવાહિનીઓમાં વહેતું લાલ શોણિત પણ ધૂળ ભેગું થઈ જશે અથવા આગની લપટોમાં સ્વાહા થઈ જશે. એમના બાંધાનું માળખું બનાવતા, સફેદ હાડકાંની પણ એ જ ગતિ હશે.

ધોળા વાળ,
ધોળા હાડકાં.
લાલ લોહી.
બધામાં સામાન્ય.

     સૌ કોઈ આ વાત જાણે છે; અને છતાં ચામડીની એક મિલીમીટરથીય ઓછી ઊંડાઈએ આવેલાં થોડાંક રંગકણો વધારે છે કે, ઓછાં – એના કેટકેટલા ઝગડા, કેટકેટલા પૂર્વગ્રહો, કેટકેટલી આળપંપાળ અને કેટકેટલાં અભિમાન?

     વાળ ધોળા થાય તો પણ એની થોડેક નીચેની ગડીઓમાં એની એ જ કાળાશ. વાળ કાળામાંથી ધોળા થાય, પણ એ કાળાશમાં મીન મેખ ફરક ન પડે.

ઘરડા થયા પણ વૃદ્ધ ન થયા. 

Comments are closed.

%d bloggers like this: