સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મરેલું ઝાડ – એક અવલોકન

     અમારા ગામના એકમાત્ર ‘લિનિયર પાર્ક’ની સમાંતરે સરતો ‘વોલનટ વહેળો (ક્રીક)’ બે જગ્યાએ એ પાર્કને ઓળંગીને પસાર થાય છે. એમાંની એક જગ્યાએ એ વહેળાના કાંઠા પર એ ઝાડ સૂતેલું જોયું – મૂળમાંથી ઉચ્છેદાયેલું.

       એની ચારેકોર વહેળાના પાણીથી વિકસેલાં, વકરેલાં ગગનચુંબી વૃક્ષો હવામાં મ્હાલતા હતા. આ મરેલું ઝાડ પણ કો’ક કાળે એમ જ મ્હાલતું હતું. પણ આજે એ ધરાશાયી થઈને પડ્યું છે. એનો ઉપરનો ભાગ કરવતથી કાપેલો છે- કદાચ એ કામમાં લેવાયો હશે.

વોલનટ વહેળો( ક્રીક)

      વહેળાની એ જગ્યાથી થોડેક દૂર બે ત્રણ આવાં જ ઝાડ આમ જ ધરાશાયી થવાની વાટ જોઈ રહ્યાં છે. વહેળાના પૂરના ધસમસતા પ્રવાહે એમનાં મૂળ ખુલ્લાં કરી દીધાં છે. બીજા બે ત્રણ એવાં પૂર આવશે; અને એમની ગતિ પણ કદાચ આ ઝાડ જેવી જ થવાની શક્યતા છે.

      મૂળ કપાઈ જાય, અને ઝાડ ઉચ્છેદાઈ જાય. જે કદી દેખાતાં જ નથી; એવા મૂળના પ્રતાપે જ તો આ બધી લીલોતરીનો વૈભવ છે.

मूलो नास्ति कुतः शाखा ।

——————

     મારા જેવા વિદેશોમાં રહેતા લોકો એમના મૂળથી ઉચ્છેદાયેલા જ હોય છે ને?

    ફરક એટલો જ કે, આપણે આપણાં મૂળોને સદા સિંચતા રહી શકીએ છીએ. વિદેશમાં રહીને પણ નવ પલ્લવિત રહી શકીએ છીએ.

વિશ્વમાનવી બનવાના ધખારામાં, આપણે આપણાં મૂળોને ન વીસરીએ. 

———–

નોંધ

મારા નવા સ્માર્ટ ફોનથી પાડેલા, બ્લોગ માટેના પહેલા ફોટા

સાભારચિ. વિહંગ જાની ……..

Comments are closed.

%d bloggers like this: