સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ફ્લડલાઈટનો ચોક – એક અવલોકન

       પાર્કમાં એક પાટલી પર બેઠા બેઠા, તરત સામેના પ્લેગ્રાઉન્ડને અજવાળતી ફ્લડલાઈટ પર આકસ્મિક જ નજર ખેંચાઈ.

       નિવૃત્ત થયા પહેલાંનો વીજેજનેર જાગી ઊઠ્યો!

      ઊંચા થાંભલા પર બે મોટી ફ્લડલાઈટો આંખો આંજી નાખે એટલો પ્રકાશ વેરી રહી હતી. પ્લેગ્રાઉન્ડના વિસ્તારમાં દિવસે પણ ન હોય એટલો પ્રકાશ પથરાયેલો હતો; અને બાળકો એમાં કિલ્લોલ કરી રહ્યાં હતાં. જૂના અનુભવની ગણતરી મૂજબ, એ દરેક  ફ્લડલાઈટ ૨,૦૦૦ કે ૩,૦૦૦ વોટ પાવરની હશે; એવો અંદાજ પણ આકસ્મિક થઈ ગયો.

    એ થાંભલા પર આઠેક ફૂટની ઊંચાઈએ એ લાઈટોને કન્ટ્રોલ કરતી ચોકના મોટા ડબા પર પછી નજર પડી. એ ડબો અંધારામાં ગરકાવ હતો. પણ ખાસો મોટો હતો. ઘરમાં વપરાતી ટ્યુબ લાઈટની છ પટ્ટીઓ માઈ જાય એટલો મોટો એ ડબો હતો. ( આપણે એને ટ્યુબ લાઈટ કહીએ છીએ; પણ એનું કાયદેસર નામ ફ્લોરેસન્ટ લાઈટ છે.)

        આટલી મોટી ચોક?

      હા સ્તો. જેટલી મોટી ફ્લડ લાઈટ એટલી મોટી ચોક જોઈએ જ ને? મોટા સ્ટેડિયમોને અજવાળતી મહાકાય ફ્લડ લાઈટોના ચોક-ડબા આનાથી પણ મોટા હશે જ.

…………………

     એ તો એમ જ હોય ને? આમાં નવી શી વાત કરી? ઘરનો ઈલેક્ટ્રિક દીવો સાઠેક વોટ પાવર ખાય. હીટર ૧,૦૦૦ કે ૨,૦૦૦ વોટ ખાય. હું જ્યાં કામ કરતો હતો તે સાબરમતી પાવર હાઉસના બોઈલરમાં હવા નાંખતા બે પંખા, દરેક  ૮૦૦ કિલોવોટ (૮ લાખ વોટ) પાવર ખાતા હતા; અને એ બોઇલરમાં પાણી ફેંકતા પાણીના પમ્પની મોટર  ૪,૦૦૦ કિલોવોટ(૪૦ લાખ વોટ)ની  હતી!

કીડીને કણ અને હાથીને મણ.

    મોટાનો વૈભવ. મોટાની મોટી વાતો. રાજા જેટલો મોટો; એટલું મોટું એનું લશ્કર!

    પણ… આ સમીકરણ બાહ્ય જગતનું  છે.

    અંદર અજવાળું પાથરવા સાવ શૂન્ય થવું પડે. જેટલો પાવર નાનો, એટલી એ ટોર્ચ સતેજ! જેમ જેમ અહં ઓગળતો જાય; તેમ તેમ વધારે ને વધારે અજવાળું મ્હાલીપા પથરાતું જાય. પાયાના હોવાપણા સાથે ભળી જઈએ; એક રૂપ બની જઈએ; ત્યારે તો લાખો ફ્લડલાઈટો પણ જે વિષાદ અને નીરાશાને ઓગાળી ન શકે – તે વિષાદ અને નીરાશા ગાયબ બની જાય.  અરે! હર્ષના ઉમટી આવતા ઘોડાપૂર પણ શાંત પડી જાય.

      એ લાઈટની ચોકનો ડબો ક્યાંથી જડે?
એ લાઈટને કશું જ ન જોઈએ.
‘આ જોઈએ અને પેલું જોઈએ;
આ નથી અને પેલું નથી.’
– એવા વિચાર પણ ગાયબ.
સાવ ખાલી હોય, એને કોઈ ખાલીપો ન નડે.
શૂન્ય તો ખીચોખીચ ભરેલું જ હોય. 

—————-

અંદર તો એવું અજવાળું, અજવાળું.
સળવળતી હોય આંખ, જેને જોવાને,
એ મીંચેલી આંખે ય ભાળું.

અંદર તો એવું અજવાળું, અજવાળું.

માધવ રામાનુજ

સાવ સરળ હૃદયના એ કવિની એ મહાન રચનાનું રસદર્શન જરૂર વાંચજો… અહીં

અને તેમનો પરિચય…. અહીં

Comments are closed.

%d bloggers like this: