સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ટુ ડુ લિસ્ટ ( કરવાનાં કામોની યાદી) – એક અવલોકન

      ‘ટુ ડુ લિસ્ટ’ .…..આધુનિક જીવનની સવલત કે બંધન?( ‘કરવાનાં કામોની યાદી’  -એ શબ્દો આજથી પચાસ વર્ષ પહેલાં પ્રચલિત હતા. આજના જમાનાની કોમ્યુટર તાસીરે એમનો નજારો વિલાયતી બનાવી દીધો છે !)

    ખેર, સવારની ચા બની ગઈ છે. સવારની ચા બનાવતાં પહેલાં અને પછીનો ગાળો પણ અવલોકન કાળ બની ગયો છે!

     બધી તૈયાર સામગ્રી આમ પડી છે.

      એ મારું ‘ટુ ડુ લિસ્ટ’ નથી; મારા ઘરાકોનું છે!

    પહેલો મારી સિરિયલનો વાડકો છે. પછી જયની સિરિયલ માટેનો દૂધ ભરેલો વાડકો, સિરિયલનો ડબો અને એણે લેવાની વિટામિનની દવાનું ખોખું છે.
એનીય પાછળ ઉમંગની ચા, તૈયાર કરીને મૂકેલાં રજવાડી સૂકા મેવા ( એને ડ્રાય ફ્રૂટ વધારે કહીએ છીએ!) અને સિરિયલનો ડબો તૈયાર છે.( એની વાત ફરી કદીક.)
એનીય પાછળ સૂર્યવંશી ઘરવાળીનું મસાલા મિલ્ક કલાક પછી વપરાવાનું છે.

     અલબત્ત મારી દીકરીની અને મારી ચા(ઓ?) તો પીવાઈ ગઈ છે!

છે ને,મજ્જેનું, નવતર ‘ટુ ડુ લિસ્ટ’?

     અને મારી સિરિયલ પેટ ભેગી થઈ ગયા પછી કરેલ કામ આ રહ્યું. એ વાહણ સૂકાય પછી, સ્વસ્થાને ગોઠવવાનું , સિન્કની બાજુના અંગ્રેજ તબડકામાં તૈયાર બેઠેલું,  ‘ટુ ડુ લિસ્ટ’!

    અને હવે પછીનું, ઈમેલ/ બ્લોગિંગ – તલપનું ‘ટુ ડુ લિસ્ટ’ મગજમાં તૈયાર છે.

    એ વાહણ ગોઠવાઈ જશે; મેડમ ઊઠશે, રસોઈ બનાવશે પછી……

   ભારતીય સ્ટોરમાંથી લાવવાની યાદી આ રહી. એ છે- મેડમે બનાવેલું ‘ગ્રોસરી લિસ્ટ’!

       નોકરી કરતો હતો ત્યારની ‘ટુ ડુ લિસ્ટ’ બનાવવાની આદત હજુ જારી છે.

     આ બ્લોગિંગે ય માળી એવી દાસ્તાન જ છે ને? ચળ ઊપડે અને  એ સ્વૈરવિહારી ‘ટુ ડુ લિસ્ટ’– આ અવલોકનની કની આગળ વધતું રહે!

      કોણ જાણે કેમ, કેરોવાસી, મમીના પાડોશી; અને મારા અમદાવાદી યુવાન દોસ્ત મુર્તુઝા પટેલે  સૂચવેલી; બહુ માણેલી ફિલ્મ ‘બકેટ લિસ્ટ’ યાદ આવી ગઈ. [ ના જોઈ હોય , તો અચૂક એ ફિલ્લમની વિડિયો – ખરીદી, ઉછીની લઈ કે ચોરીને ( બાય, બોરો ઓર સ્ટીલ  કરીને ) પણ જરૂર જોજો જ.

      …… બે જિંદાદિલ દોસ્તોની,  મરણ આંગણે મરજીવાની જેમ, મસ્તીનાં મોતીઓથી ભરેલી મૂઠ્ઠીની એ   મનભાવન દાસ્તાન.

       એ પણ આખરી  અરમાનોનું  ‘ટુ ડુ લિસ્ટ’!

    આવાં લિસ્ટો બનતાં જ રહેશે. દરરોજ નવાં. એનાં રૂપ બદલાશે; એની આઈટમો બદલાશે; કદાચ એના સાચા વપરાશકારો પણ બદલાશે. ( ‘ચીજો’ શબદ જામતો  નથી!) કોમ્યુટર પ્રથાની પહેલાંય બનતાં હતાં; હવે સેલફોનમાં પણ લોકો બનાવે છે.

    ઘણીવાર થાય છે – વિલ બનાવવાનો સમય પાકી ગયો છે. જીવનના દરિયાકાંઠે એકઠાં કરેલ, ખોબોએક છીપલાંઓનો જીવન પછી શો વહિવટ કરવાનો છે એનું એ ‘ટુ ડુ લિસ્ટ’!

ગમે તે હોય પણ….
‘ટુ ડુ લિસ્ટ’

એ આપણા જીવનનો
એક અવિભાજ્ય હિસ્સો
હમ્મેશ રહ્યો જ છે.

પણ. આ અમૂલ્ય જીવનની પછીનું ‘ટુ ડુ લિસ્ટ’કેવું હશે? કે એ પણ અનસ્તિત્વની અ’માયા’ જેવું જ  હશે?

જ્ઞાનીઓ કહે છે કે,
એ લિસ્ટ ઓટોમેટિક
સ-રસ, સભર, સુરમ્ય બને; 
એ માટે જીવનમાં જેટલી બને એટલી
તપસ્યાઓ કરવી જોઈએ-
‘ચાર તપસ્યાઓ અને ચાર મૂક્તિ’

અને માળું એનુંય ‘ટુ ડુ લિસ્ટ’!!

Comments are closed.

%d bloggers like this: