સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અશ્મિ – એક અવલોકન

શહેરની વચ્ચે અશ્મિ( Fossil) ?

શહેરની ઘણી બધી ચીજો લાખો વર્ષો પછી અશ્મિ બની જવાની; એ ખરું! પણ હાલમાં એ અહીં ક્યાં?

વાત જાણે એમ છે કે, અમારી નજીકના એક પાર્કમાં બાળકોને રોક ક્લાઈમ્બિંગનો ટચૂકડો અનુભવ કરાવવા એક નાનો પહાડ બનાવ્યો છે – માંડ સાડા છ ફૂટ ઊંચો. પણ એની ખરબચડી, પથ્થરમય સપાટી પર થોડાંએક અશ્મિઓના આકાર સિમેન્ટના પ્લાસ્ટરમાં ઢાળી રાખ્યા છે – અલબત્ત બાળકોને  રમત સાથે જ્ઞાન આપવા માટે જ તો.

 આ રહ્યું એ અદ્‍ભૂત સાધન….

This slideshow requires JavaScript.

અને જોતાંની સાથે જ  શ્રી. જવાહર બક્ષીની એ અદ્‍ભૂત ગજ઼લ યાદ આવી ગઈ,

કૈં સાવ એમ જ કોઇ અણધારી ક્ષણે કોઇ
અજાણી અશ્મિના ચ્હેરામાં સૂતેલું કોઇ ઝીણું સ્મરણ જાગી ઊઠે,   
ઇતિહાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઇ બેસેલ તે,
આખો ને આખો મ્હેલ, બસ પળવારમાં તૂટી પડે.

આખી ગજ઼લ અહીં …
(જ્યાં ઘણા મહિનાઓ સુધી રોજ કવિતાઓ મેલેલી છે !)

       આટલા લાંબા  કાફિયા વાળી ગજ઼લ ગુજરાતી સાહિત્યમાં બીજી કોઈ હશે કે કેમ; તે તો ખબર નથી – પણ અહીં ડલાસ ખાતે માનનીય શ્રી. જવાહર બક્ષી પધારેલા; ત્યારે તેમની પાસેથી સાંભળેલ આ ગજ઼લ અને તેમના આખાયે કાવ્યપઠનનો કેફ તાજો થઈ ગયો.

અશ્મિઓ ..

    પથ્થરમાં કેદ થઈને બેઠેલો, વીતેલો ભૂતકાળ જાગી ઊઠે; એમ જ આ અશ્મિ –મોડલ જોતાં થઈ આવ્યું. મારા પ્રિય વિષય – ઈતિહાસ અને પુરાતત્વ માટેની કૂણી લાગણીઓ પણ પોષાઈ. બાળકોને રમતાં/ કૂદતાં આ મહાન વિદ્યાનો આછો અણસાર આપવાની ‘પાર્કકાર’ની(!) આ ચેષ્ઠા પણ ગમી જ.

પણ …….  પળમાં જીવવાની તાલીમ લેનારને

  • એ યાદો શું?
  • એ ભૂતકાળ શું?
  • એ અશ્મિઓ શું?

કોઈક કણ આમ હોવાનો કે તેમ હોવાનો ખેલ!

મૂળમાં તો –  જીવતો જાગતો જીવ હોય કે. લાખ વરસ પછી એનું અશ્મિ – હંધોય ન્યુટ્રોન અને પ્રોટોનના ગઠ બંધનની આજુબાજુ ઘૂમતા ઈલેક્ટ્રોનોનો રાસ જ ને? અને લાગણીઓ / સુખ – દુઃખનુંય એમ જ હશે ને? હંધાંય સોફ્ટ્વેર વમળો …

      પણ એ રાસ વિજ્ઞાનનાં પાઠપુસ્તકોમાં વાંચવાને બદલે આપણું પાયાનું હોવાપણું જાગૃત થઈને અનુભૂતિ કરી શકે ત્યાં સુધી તો …

વિશ્વાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઇ બેસેલ તે,
આખો ને આખો મ્હેલ, બસ પળવારમાં તૂટી પડે.
સહવાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઇ બેસેલ તે,
આખો ને આખો મ્હેલ, બસ પળવારમાં તૂટી પડે.

આવું બધું રે’વાનું !

Advertisements

Comments are closed.

%d bloggers like this: