સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ગળણી, ભાગ-૨; એક અવલોકન

ચા ગળતાં ગળણી વિશે કરેલું અવલોકન યાદ આવી ગયું. આ…

        કોણે પહેલી ગળણી શોધી હશે? બધો કચરો, નકામો ભાગ દૂર થઈ જાય અને માત્ર અર્ક જ મળી જાય. શુદ્ધિના સંતોષના  ભાવ સાથે સરસ, મજેની, લિજ્જતદાર ચા પીવા બેઠો. એક પછી એક રકાબી પેટમાં ઠલવાતી ગઈ.

       પણ, છેલ્લી રકાબીમાં પ્યાલો ઠાલવતાં નીચે રહી ગયેલા થોડાક ચાના ઝીણા કૂચાના અવશેષો રોજની જેમ નજરે ચઢ્યા. અને રોજની જેમ સાચવીને, એ રકાબીમાં આવી ન જાય એમ એમને પ્યાલામાં જ રહેવા દીધા. રકાબીમાંની ચાના છેલ્લા ડોઝનોય છેલ્લો ઘૂંટડો હોઠેથી નીચે ઉતારતાં, ફરીથી ચાના કૂચાની થોડીક બચેલી, સરકી આવેલી રજકણો રોજની જેમ દેખાઈ આવી.

     ગળણી આમને દૂર કરી ન શકી. એ બહુ ઝીણી રજકણો  હતી. ગળણીનાં છિદ્રોને ભેદીને આરપાર નીકળી શકે તેવી.

   અને અમદાવાદની ચાની કિટલીવાળો યાદ આવી ગયો. જાડા કાપડના ગળણા વડે  તે તો ચા ગાળતો હતો. એમાં તો આવાં રજકણોની મજાલ નહીં કે, ચાના પ્યાલામાં પ્રવેશી શકે. પણ કદાચ એમાંય છેલ્લા ઘૂંટડામાં તો નાનકડી રજ આવી જ જતી હશે.

     અને એનાથીય વધારે કાર્યક્ષમ શુદ્ધિની પ્રક્રિયા યાદ આવી. સાયન્સ કોલેજમાં કેમિસ્ટ્રી લેબમાં જાતજાતનાં દ્રાવણોમાંથી સસ્પેન્ડેડ સોલિડ પાવડર ( અદ્રાવ્ય અશુદ્ધિ? ) કાઢવા ફિલ્ટર પેપર  વાપરતા હતા – તે યાદ આવી ગયું. એમાં તો એકદમ શુદ્ધ દ્રાવણ જ ફનલની નીચેના પ્યાલામાં ઝીલાતું હતું. અતિ શુદ્ધ દ્રાવણ – કોઈ સસ્પેન્ડેડ સોલિડ નહી. પણ દ્રાવ્ય ક્ષાર તો એમાંથીય પાણી હારે ગરકી જાય!

      શુદ્ધિકરણની પ્રક્રિયાઓની યાદી આગળ વધવા માંડી.

       પાવર હાઉસના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માં વપરાતા ફિલ્ટર બેડ અને એના શિરમોર સમા, રિવર્સ ઓસ્મોસિસ પ્લાન્ટ હવે આ યાદીમાં ઉમેરાયા.   પણ એય માળા પૂરેપૂરું શુદ્ધ પાણી તો ન જ આપી શકે. એનો છેલ્લો તબક્કો તો આયન એક્સ્ચેન્જ જ. એનાયન અને કેટાયન એક્સચેન્જ. અને એની પછી?  ડિમિનરલાઈઝેશન પ્લાન્ટની ટ્રેનમાં છેલ્લૂ સ્થાનક – પોલિશિંગ મિક્સ્ડ બેડ યુનિટ.  સાવ છેલ્લું  સ્ટેશન – બધી અશુદ્ધિઓ દૂર. એકદમ શુદ્ધ ડી.એમ. વોટર- કોઈ દ્રાવ્ય ક્ષાર એમાં ગરકેલો  ન હોય – બોઈલરની ચિત્તવૃત્તિને એકદમ અનુકૂળ!

      અને એટોમિક પાવર પ્લાન્ટ માટે જોઈતું હેવી વોટર તો એય આપી ના શકે!

……

      અહીં પાણી શુદ્ધિકરણની પ્રક્રિયાનું મારું જ્ઞાન પ્રદર્શન કરવા આશય નથી. અને આમેય આ જણ તો વિજેજનેર- પાવર પ્લાન્ટ કેમિસ્ટ્રી નિષ્ણાત નહીં જ. અહીં આશય એક અવલોકનકારનો છે.

શુદ્ધિની પ્રક્રિયા.
દોષ નિવારણના નૂસખા.
ષડરિપુને પરાસ્ત કરવાનું શાસ્ત્ર. 

       ચિત્તને સાવ નીતર્યું કાચ જેવું કરવું હોય તો એને ડીમિનરલાઈઝ કરવું પડે. ચીલચાલુ ગળણીઓ એમાં ન ચાલે. બધાય આયન ઓગળી જવા જોઈએ. અહંકારનો એક પણ આયન નો ખપે!

      અને આતમરામને ઓળખવાનું કામ તો કણ કણમાં વિલસતા જીવનની ઝાંખી; દિવ્ય રાસ સાથે એકાકાર થવાની મઝા – ન્યુક્લિયર કામગીરી. એ માટે તો હેવી વોટર જોઈએ.

    પણ એ માટે હેવી વોટર પ્લાન્ટ જેવી કોઈ જટીલ મશીનરી ન જોઈએ.

માત્ર શૂન્ય જ થવાનું!
સાવ અભણ થવાનું.
બધું ગનાન એક બાજુએ મેલીને હાલતા રહેવાનું.

અને પાછું …
કશુંયે છોડવાનું તો નહીં  જ.
માત્ર એમની સાથે
સહજ ભાવ.

હેવી વોટર પ્લાન્ટ કરતાંયે વધારે મુશ્કેલ કામ ! 

Comments are closed.

%d bloggers like this: