સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જો પવન ન જાય અગન સુધી

જો હૃદયની આગ વધી ‘ગની’,
તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી.
કોઈ શ્વાસ બંધ કરી ગયું,
કે પવન ન જાય અગન સુધી.

        આજે ક્યાંય સુધી આ શેર જ મનમાં ગુંજ્યા કર્યો. નિંદર વેરણ બની ગઈ. અને આ લેખ લખવા લાલાયિત થવું પડ્યું.

       આપણા પાયાના હોવાપણામાં એક અગન, એક ધગધગતી જ્વાળા ભભૂકીને બેઠેલી છે – જન્મથી મરણ લગણ. પણ આપણી બેભાનતાના, આપણી સ્થૂળ ચેતનાના, આપણાં અજ્ઞાન, અપેક્ષાઓ, માન્યતાઓ, સ્વભાવ, પૂર્વગ્રહો, અને છ છ દુશ્મનોના એટલાં તો બધાં પડળોનાં ધાબળાના ધાબળાઓ એ અગનની ચારેકોર – ન ભેદી શકાય એટલી જાડાઈવાળાં પડના પડ – એને વિંટળાઈને રહેલા છે કે, એ અગન જાણે કે છે જ નહીં એવી શીતળતાના આભાસમાં આપણું આખું યે આયખું વીતી જાય છે

બહારની
આધિ, વ્યાધિ  અને ઉપાધીની
જ્વાળાઓમાં

ભડભડ બળતા રહેવાં છતાં પણ. 

     એ ભીતરી જ્વાળાનો એક માત્ર સતત હાજર રહેતો, અહેસાસ આપણો શ્વાસ છે. જનમ લીધા બાદના પહેલા શ્વાસથી દેહત્યાગના છેલ્લા શ્વાસ સુધી ‘અંદર એ અગન છે જ.’ એનો આછો અણસાર આપણો હમ્મેશનો સાથી છે. પણ એ ‘ખુદ’  સાથેની જુદાઈ હમ્મેશની છે.

દિવસો જૂદાઈના જાય છે;
એ જશે જરૂર મિલન સુધી…

     ગનીચાચા જેવા કોઈક જાગૃત હોવાપણાને કમસે કમ જીવનના અંતે શ્વાસ છૂટવાનું રહસ્યોદ્ઘાટન થાય છે કે, એ અગનને પ્રજ્વલિત કરી દેવા, અનાવૃત્ત કરી દેવા, આખાયે હોવાપણાને ભભૂકતી જ્વાળામાં જ્યોતિર્મય બનાવી દેવા – એ શ્વાસ શક્તિમાન છે જ. એ ભાન થયું, ન થયું – અને કોઈક શાશ્વત ચેતના એ શ્વાસ લઈ લે છે; ક્યાંક એ શ્વાસ એ જ્વાળાને ભભૂકાવી ન દે!

     જીવન તો આખું યે સાવ બેભાન અવસ્થામાં વ્યતિત થયું. કમસે કમ અંત વખતે પણ એ છેલ્લો શ્વાસ આવી અનુભૂતિ આપતો જાય તો જ ગનીમત!

સલામ ગની ચાચા …. 

Advertisements

Comments are closed.

%d bloggers like this: