સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અવ્યવસ્થિત – એક અવલોકન

વ્યવસ્થિત નહીં, પણ અવ્યસ્થિત?

હા!

       ‘વ્યવસ્થિત’ તો દાદા ભગવાનનો પ્રિય શબ્દ છે. એ ઈશ્વરની વાત નહીં – હમ્મેશ વ્યવસ્થિતનો જ ઉલ્લેખ કરતા. આ સૃષ્ટિનો ‘કોઈ બાપોય બનાવનાર નથી.’ એમ એ સતત કહેતા આવ્યા છે. ઈશ્વર, અલ્લા, યહોવા, વ્યવસ્થિત શક્તિ – જે નામ આપો તે પણ મુદ્દે વાત એક જ છે. કશુંક સનાતન સત્ય, કશુંક સાવ વ્યવસ્થિત, કશુંક અપરિવર્તનશીલ.

    પણ અહીં અવ્યવસ્થિતની વાત, અવ્યવસ્થિતનું અવલોકન છે!

    વાત જાણે એમ છે કે, હમણાં એકાદ મહિનાથી ઘર નવેસરથી સજાવવાનું કામ ચાલુ છે. પહેલાં દસેક દિવસ કાર્પેટની જગ્યાએ ટાઈલ્સ લગાવડાવ્યા અને પછી બે અઠવાડિયાના વિરામ બાદ દિવાલો અને બારી, બારણાંને રંગ કરવાનું કામ ચાલ્યું. આખોય વખત સરસામાન ભડાભૂટ પડેલો રહ્યો.

    અમારું આ મકાન ખરીદે  પાંચ વર્ષ થયાં. દિવાલો પર ખોટી લગાવેલી  ખીલીઓના કાણાં, બાળકોના ચિતરામણ, મેલના ડાઘા, અભાવ પેદા કરે એવો ફિક્કો રંગ,  સતત નજર કોરી ખાતા હતા. કાર્પેટ સાવ જૂની અને ગંદી લાગતી હતી. એની ઉપર ઠેર ઠેર ડાઘા, ક્યાંક ઢોળાયેલા જ્યુસના અવશેષના રેલા હમ્મેશ દીલમાં ખટકો પેદા કરતા હતા.

      છેવટે  એમ નક્કી થયું કે, કાર્પેટની જગ્યાએ ટાઈલ્સ લગાવવા અને દિવાલો અને બારી બારણાંને નવેસરથી, નવા રંગે રંગાવવા.

      કામ શરૂ થયું અને …

    બધું સાવ અવ્યવસ્થિત. એ ગરબડનું  એક દૃષ્ય આ રહ્યું.

      અને આ રહ્યો નવો નજારો.

      તમે કહેશો- ‘એ તો એમ જ હોય ને? કાંઈક નવી વ્યવસ્થા કરવી હોય ; તો થોડીક અવ્યવસ્થા તો થાય જ ને? ‘

      હા!તમારી વાત સાવ સાચી છે. અને આ અવલોકનમાં એ જ કહેવાનું છે.

——————

        જો સઘળું સદા વ્યવસ્થિત જ રહેવાનું હોય, તો એમાં કશી મજા નથી. લો! આ મારી પ્રિય રમત ‘સુડોકુ’નું ખાલી બોર્ડ. અને એમાં રમાઈ ગયેલી રમતનો નજારો.

કેવું સોહામણું છે? કોઈ રમત નહીં; કોઈ સમસ્યા નહીં; કોઈ જંગ નહીં; હાર કે જીત પણ નહીં! કોઈ ભૂલભુલામણી નહીં. કોઈ ચાવીઓ નહીં. પણ એ બોર્ડ જ રહે – રમત નહીં.

અધુરા આંકડા,  
એક અવ્યવસ્થા,
થોડીક ચાવીઓ  
થોડીક મગજમારી

એક  રમત બનાવી શકે છે!

      અને બધેય એમ જ હોય છે. એક સરસ મજાની વ્યવસ્થા હોય; સદીઓ  સુધી એમને એમ જ ચાલતું હોય. પણ કશુંક બને અને બધી વ્યવસ્થા ખળભળી ઊઠે. આખુંય માળખું કડડભુસ્સ થઈને ટૂટી પડે. અને નવી વ્યવસ્થા આકાર લે.

     અને એનાય ગણતરીના જ દિવસો ને? ફરીથી બધું અવ્યવસ્થિત

      ઉત્ક્રાન્તિની તવારીખ જોઈએ તો, એક જીવરચના પર્યાવરણ સાથે સંતુલન સાધવા, જીવન સાતત્યની રક્ષા કરવા; એના અંગ ઉપાંગ અને સ્વભાવ બદલતી રહે. નવી જ એક  જીવરચના આકાર લે. એક  માછલી તરફડતી, તરફડતી દરિયા કિનારે જીવતી રહી જાય અને સરિસૃપોની આખી વણજાર જીવન જીવવાની સાવ નવી રીત શરૂ કરી દે.

        અરે! એ લાખો વર્ષોથી ચાલી આવતી વ્યવસ્થા કે અવ્યવસ્થાની કલ્પના કે વૈજ્ઞાનિક સિદ્ધાંતની વાત બાજુએ જવા દઈએ; અને માત્ર ચાર પાંચ હજાર વર્ષ જૂ્ના માનવ ઈતિહાસ પર જ નજર નાંખીએ તો તરત આંખે ઊડીને વળગે એમ જણાશે  કે,  માનવ સમાજ, એની સમજ, જ્ઞાન, પ્રજ્ઞા, ચેતના એ બધાંએ કેવા કેવા ઉથલા જોયા છે? એક વ્યવસ્થા, એક માન્યતા, જીવન જીવવાની એક રીત ખેદાન મેદાન બની જાય; અને નવી વ્યવસ્થા, નવી માન્યતાઓ, જીવવાની  અવનવી રીતો પેદા થાય.

   ભગવદગીતામાં ખુદ કૃષ્ણ ભગવાને કહ્યું છે –

परित्राणाय साधुनाम् विनाशाय च दुष्कृताम् 

धर्मसंस्थापनार्थाय  सम्भवामि युगे युगे ।

     ગાંધી બાપુ જેવા શીલ, સદાચાર અને સત્યના પૂજારીને પણ સવિનય કાનૂન ભંગ અને અસહકારના શસ્ત્રનો આશરો લેવો પડ્યો હતો. સમાજને આઝાદીનો અહેસાસ અને તરોતાજા શ્વાસ લેતો કરવા, દેશનું તંત્ર ખોરવી નાંખ્યું હતું.

      અને હવે એ આઝાદીથી પણ હવે ઉબકા આવે એવી પરિસ્થિતી ફરી સર્જાઈ ગઈ છે. એક  આમૂલ ક્રાન્તિ બારણાં ખખડાવી રહી છે. અવ્યવસ્થિતના ટકોરા.

અમારા ઘરના એ નજારાની જેમ !

     આ માઉસ , કીબોર્ડ અને મોનિટરની માયામાં, ઓલી નોટબુક અને કલમ હવે શોધવા જવું પડે એમ છે. કેવી સરસ મજાની, સુસ્થાપિત વ્યવસ્થા હતી? હવે ગ્રંથોની ઘડીઓ ગણાઈ રહી છે !

     દરેક  પરિવર્તન માટે જોઈએ –  ‘અવ્યવસ્થિત’.

    અહીં અવ્યવસ્થિતતાનો મહિમા ગાવાનો આશય નથી. પણ…..

અવ્યવસ્થિત પણ વ્યવસ્થિત રચનાનું એક અવિભાજ્ય અંગ જ છે.

Disorder in order.

———–

અને આ રહ્યું –  … કનક ભાઈ રાવળનું અતિ સુંદર પ્રદાન

Advertisements

One response to “અવ્યવસ્થિત – એક અવલોકન

 1. સુરેશ ઓગસ્ટ 2, 2012 પર 8:30 એ એમ (am)

  First of all, you have earned from me a high degree of respect and admiration for the breath of your interests and expression.
  Your insights are wonderful which I have noticed getting refined
  particularly during the last couple of years.
  Your regular Sadhana and dedication to your meditative practices
  are the power engine behind it.More power to you.

  Your “અવ્યસ્થિત” article is remarkable wherein you have started with a mundane event
  leading into forays into metaphysical realms. Just great.
  I am sure you are aware of researches in the phenomenon of Chaos.
  If not, check out the following links:
  1. http://en.wikipedia.org/wiki/Chaos_theory
  2. http://www.youtube.com/watch?v=JnlkKdDXk-I

  The infinite sign wave of intimately connected order and chaos is a cosmic phenomenon which is the force behind all aspects of the world. Order breaks down under its own weight resulting into Chaos which in turn reincarnates in to a new Order.

  આપણા દ્ર્ષ્ટાઓએ લય-વિલયના અદભુત ચક્રની ઘણી ચર્ચા કરી છે.
  બ્રમ્હા-વિષ્ણુ-મહેશને તેના પ્રતિક સ્થાને મુક્યા છે.
  -કનક્ભાઈ

%d bloggers like this: