સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બગલો અને બતક – એક અવલોકન

        આજે પાર્કમાં બગલો જોયો.

      બતકો તો જ્યારે આવીએ ત્યારે ઢગલાબંધ હાજર હોય જ. અને રોજની ટેવાયેલી હોવાના કારણે, હમ્મેશ બ્રેડના ટુકડા કે પોપકોર્નની ભીખ માંગતી શોરબકોર કરી મૂકે. એ હંસ/ બતક ભિક્ષુકોની વાત આ અગાઉ અહીં કરેલી છે.

      પણ આ તો અલગારી જીવ. ભાગ્યે જ જોવા મળે. આ દસ વર્ષમાં ભાગ્યે જ બે ત્રણ વાર બગલાજીએ દર્શન દીધાં હશે. આજે એને દૂરથી જોયો.

     નજીકથી એની છબી ખીંચવા બહુ રખડપટ્ટી કરવી પડી. નજીક જઉં અને એ સામે કિનારે ઊડી જાય. છેવટે એ જનાબ નજીકથી ઝડપાયા તો ખરા!

      કોણ જાણે કેમ, આ બગલાને જોઈને મને ‘બગ ભગત’ નહીં; પણ ‘રઝળતો રાજહંસ’ યાદ આવી ગયો. (Ugly Duckling –  Hans Christian Andersen )

       સામાન્ય બતકોનાં ટોળાંમાં અવગણાયેલો, તિરસ્કૃત, બહિષ્કૃત, લઘુતા ગ્રંથિથી પીડાતો, અને છેવટે ચાંચોનો માર સહન ન થતાં ભાગી છૂટેલો અભાગિયો જીવ. ઊંચે ઊડતાં એના જેવા બીજા કદરૂપા જીવો વચ્ચે ઊતરાણ અને મેળાપ અને પોતે રાજહંસ છે; એવી પોતાની ઓળખ – સ્વગૌરવની સ્થાપના અને તળાવની બાજુના લોકોનું આનંદાશ્ચર્ય સાથે ઉચ્ચારણ-

‘અરે! જુઓ તો ખરા; નવો રાજહંસ.”

………………………………………………………………………..

    સમાજમાં પણ આમ જ બનતું આવ્યું છે ને? – બધાય સમાજોમાં.

    જે અસામાન્ય હોય છે; સાધારણ કરતાં એકાદ મુઠ્ઠી ઊંચેરું કે જુદું  હોય છે – તે મોટે ભાગે અવગણના, તિરસ્કાર અને બહિષ્કારનું જ ભોગ બને છે. એ જનસામાન્યથી અળગું રહેવાનું પસંદ કરે છે. અનેક એવી રસ્તે રઝળતી પ્રતિભાઓ વેરાન રણમાં વિખેરાઈ, વિસરાઈ, રોળાઈ  જાય છે.

    પણ કો’ક વીરલા એ ઝંઝામાંથી માર્ગ કરીને સફળતાના શિખરે પહોંચે છે;  સમાજને એક નવી દિશા દેખાડે છે. કશુંક, નાનું કે મોટું પ્રદાન કરે છે – અંગત સ્વાર્થને બાજુએ મુકીને.

     જીવન તો એમનાં ય સામાન્યોની જેમ જન્મથી પૃત્યુ સુધીની યાત્રા જ હોય છે. પણ એ નાનકડી યાત્રામાં કોઈક ચિનગારી ઝબકી ઊઠતી જોવા મળે છે; જેની જ્યોતિ સૈકાંઓ સુધી અનેકોને માટે ધ્રુવતારક બની રહે છે.

    આવા રઝળતા રાજહંસોનાં અનેક જીવન ચરિત્રો  વાંચ્યા. થોડાક એવા રાજહંસોની જીવનકથાઓ – આ રહી…

       જાતજાતની અને ભાતભાતની પ્રતિભાઓ. અલગ અલગ ક્ષેત્રોમાં; પણ બધામાં એક વાત સામાન્ય –

‘અસામાન્યતા’

कुसुमस्तबकस्येव द्वयिवृत्ति तु मनस्विनः 
मूर्घ्नि वा सर्वलोकस्य, विशीर्येत वनेsथवा ।

[ ફુલના ગુચ્છાની જેમ
ધાર્યું કરનારની
બે જ મનોવૃત્તિ હોય છે.
કાં તો એ દેવોના મસ્તકે ચઢે છે;
અથવા વનમાં ચીમળાઈને અંત પામે છે. ]

     સમયના દરિયાવની રેતી પર નહીં પણ કિનારાની ઊંચી ચટ્ટાનો પર એમનાં પગલાં અંકિત – અનેક સંઘર્ષોમાંથી પાર ઊતરતી એમની ઝળહળતી રાજહંસતા.

     અને એમનાં જ તો જીવનચરિત્ર લખાય છે ને?

આ રહી એવી
૫૦૦થી ઉપર  ‘ગુજરાતી પ્રતિભાઓ’
ઝળહળતા ગુજરાતી રાજહંસ.
લાખો બતકોના ટોળાં મહીં
એકલા અટૂલા બગલા.

Advertisements

Comments are closed.

%d bloggers like this: