સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કુકર સાફ કરતાં – એક અવલોકન

      દરરોજ કુકર માંજવું જ પડે. મોટે ભાગે ભાત રંધાયો હોય; અથવા શાક. રાંધવા માટે અમારા રસોડામાં ઇલેક્ટ્રિક સ્ટવ છે. આથી કુકરનો નીચેનો બહારનો ભાગ ગરમ થાય એટલું જ. એને સહેજ પણ ઉડકવો ન પડે. શાક માટે તો એ કોક વખત જ વપરાય; આથી અંદરથી પણ એને ખાસ માંજવો ન પડે.

     કાલે કુકર માંજતાં નીચલા ભાગ પર નજર કરી તો ખાસી, કાળી, અને ઘેરા તપકીરિયા રંગની છારી બાઝેલી જણાઈ. છ એક મહિના પહેલાં એને બરાબર ઘસી, ઘસીને સાફ કરી હતી – સ્ટેઈનલેસ સ્ટીલના કુચા વડે.

    અને એ રામ ફરી એના એ.

      ગરમ સ્ટવ પર ઊભરાયેલી સામગ્રી બળી બળીને એની વરાળ કુકરની નીચલી બાજુએ બાઝતી જાય. અને ધીમે ધીમે એ વજ્રલેપ બની જાય. સાબુ એની ઉપર કશા કામનો નહીં. એને તો મેટલના કુચા વડે બરાબર માંજવી  પડે. અનેક વાર. અને ધીમે ધીમે એ છારી દૂર થતી રહે.

        અને લો ! ફરીથી છ મહિના પહેલાં કરી હતી; એમ એની સફાઈ કરી. અને આખો કુકર ચમકતો અને દમકતો થઈ ગયો.

       આપણું મન પણ આ કુકરની નીચલી સપાટી જેવું જ છે ને? આપણે માની લઈએ કે, આપણે અભિમાની નથી. લેશ પણ અહંકાર હવે ઊભરો કાઢતો નથી. દરરોજ ઘસી ઘસીને, અનેક વાર પ્રતિક્રમણો કરી કરીને એને ચોખ્ખું રાખવા, સતત કોશિશ કરતાં રહીએ. અને છતાં ન ધાર્યું હોય એવા કોક ખૂણે સૂક્ષ્મ અહંકારની છારી ધીમી ધીમી બાઝતી જ જતી હોય. એને દૂર કરવા ઓલ્યા સ્ટેઈનલેસ સ્ટીલના કુચા જેવાં હથિયાર હાજર રાખવા પડે.

કયું હથિયાર?

સતત જાગૃતિ. 

Advertisements

Comments are closed.

%d bloggers like this: