સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ગળફો – એક અવલોકન

છી… છી… છી…શો વિષય પસંદ કર્યો છે?

     સવારની ચા પર તો ઘણાં પારાયણ કર્યાં. ( *  ) પણ એ પહેલાંનું શું? આખી રાતના વાસી થુંકથી ગંધાતું મોં સાફ તો કરવું જ પડે ને? સવારના રશ અવર માટે તૈયાર તો થવું જ પડે ને? એ રશ અવરની , ૪૫ મિનિટના ખેલની વાત  આ  રહી..

     સવારની શુદ્ધિકરણની ક્રિયાઓની શરૂઆત કોગળાથી –  અને તરત ગળફો બહાર નીકળ્યો જ હોય –ચીકણો, ગંદો, સૂગ પમાડે તેવો – ફેફસાંનો મેલ.  હર શ્વાસ અને ઉછ્વાસની સાથે ફેફસાંના વાયુકોશની દિવાલો પર લોહીમાંથી ઝમતો કચરો – એ ગળફાનું મૂળ. લોહી શુદ્ધ થવાની પ્રક્રિયાનો એક ભાગ.  શ્વાસ અને ઉછ્વાસ જેટલી જ જરૂરી એ નાનકડી પ્રોસેસ.

    ગળફો ન કાઢવો પડે એ આપણને ગમે – પણ એ ના નીકળે તો? ફેફસાંમાં ભરાવો થયા કરે – અને પ્લુરસી, દમ કે ફેફસાંની બીજી કશીક બિમારીના આપણે દર્દી બની જઈએ.

     પણ સૂગ અને જુગુપ્સાનું શું? ગળફો, કફ,  મળ, મૂત્ર, ઉલટી, લીંટ, પસ, પરસેવો, કાનનો મેલ, રક્તસ્રાવ, વીર્ય, કેટકેટલા પદાર્થો – નામ પણ દેવાનું ન ગમે તેવા – સૂગિયલ. એ જેવા શરીરની બહાર નીકળે , તેવા જ તરત ઉશેટી દેવાના. એને સંઘરાય જ નહીં.

      આપણને ગુણિયલ ગુજરાતીઓને આની વાત પણ કરવી ન ગમે.

પણ એનુંય આખું શાસ્ત્ર છે – ગ્રોસોલોજી 

     અરે! એમની વાત તો બાજુએ રહી. આપણું સમગ્ર હોવાપણું જેનું બનેલું છે ; એ બધી ચીજો …… આ ચામડી, હાડકાં, માંસ, લોહી, જાતજાતના લોહીથી લથપથ રેસાઓ અને નળીઓ – એમાંનું એકેય આપણે હાથમાં ઝાલવા પણ તૈયાર થઈએ ખરા?

     કેટલું વ્હાલું છે આ અસ્તિત્વ – અને છતાં એના ભૌતિક રૂપની કેટલી તો બધી જુગુપ્સાઓ? એની એકેય ચીજ એવી છે જે, આપણને મનભાવન હોય?

——————–

   હા! આપણા હોવાપણાની એક જ ચીજ આપણને બધી રીતે બહુ વ્હાલી છે – એ છે આપણું મન. આપણે એને જ આપણું હોવાપણું માની બેઠા છીએ. આપણાં  બધાં સુઘડ, વ્યવસ્થિત, સુફિયાણાં મહોરાં- એ ખોફનાક  ખવીસનાં જાતજાતનાં ચહેરા– એ જ આપણી જાત! આખું જગત એક બાજુ અને બીજી બાજુ એ ભયાનક હોવાપણું –  બૌ વ્હાલું.

     એને છી.. છી.. છી..  ના કહેવાય!

અને એના મળ, મૂત્ર , ગળફા……. કયા?

ષડરિપુઓ –  કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર.

( અહીં ક્લિક કરો.)

એમને ગળફાની જેમ ધુત્કારી દેવા આપણે તૈયાર છીએ?

————————————————————————–

અને ગળફાની વાત પર……
છી… છી… છી…

————–

  * ચા પારાયણમાં રસ હોય તો અહી ..

Advertisements

Comments are closed.

%d bloggers like this: