સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઉભરો, ભાગ-૨ એક અવલોકન

 આજે ચા બનાવતાં ઉભરા પર નવા વિચાર ઉભરાયા!

અવલોકન યાત્રાની શરૂઆતમાં આ ઉભરો આવ્યો હતો.

       ઉભરો આવે તે પહેલાં, ધીમે ધીમે વરાળ ઉભરાવાનું શરૂ થાય છે. પહેલાં તો થોડીક લહરખીઓ જ. પણ ધીમે ધીમે એની માત્રા વધતી રહે. અને એની પરાકાષ્ઠાએ ઉભરો આવી ચઢે.  જેમ જેમ પાણી ગરમ થતું જાય તેમ તેમ એના કણો વરાળમાં રૂપાંતર પામતા જાય; અને વાયુરૂપ હોવાના કારણે એ વરાળ પાણીની અંદર ન રહી શકે. એણે પાણીની સપાટીની બહાર આવવું જ પડે. જ્યારે પાણીના કણોની વરાળ થવાની આ પ્રક્રિયા એકદમ ઝડપી બની જાય ત્યારે એ વરાળનો મોટો જથ્થો પાણીની સપાટીને હલબલાવી નાંખે.

અને એ જ તો ઉભરો.

    આ થઈ ઉભરાની, ઉભરાવાની પ્રક્રિયાની વૈજ્ઞાનિક વાત.

…………..

      મનમાં સતત વિચારોની વણઝાર વણથંભી ચાલતી હોય, એમાં કોઇકના વર્તન સામે આક્રોશ હોય. અને મનમાં એ આક્રોશ સતત ઘૂમરાયા જ કરે. વરાળની જેમ. અને જ્યારે એ વિચારવાયુ અતિશય પ્રબળ બની જાય; ત્યારે એની ઉપર આપણે નિયંત્રણ રાખી ન શકીએ; અને એ મનનો ઉભરો બહાર આવી જાય. આપણી વાણી અને વર્તનમાં એ ક્રોધ, એ આક્રોશ વર્તાઈ જ આવે.

વિચારોની ગરમી, વરાળ અને ઉભરો.

      વિચારો અથવા એમને જન્મ આપતાં બાહ્ય પરિબળો જેટલાં વધારે પ્રબળ, તેટલો એ આક્રોશ પણ પ્રબળ.

     પણ મનના ઉભરા અને પાણીના ઉભરામાં ફરક પણ છે. એમ બને કે, મનને એટલી તાલીમ આપી હોય તો બહારી પરિબળો ગમે તેટલાં જોરાવર ન હોય; મનમાં વિચારોની કશી લહરી ન ફરકે.  કોઈ વરાળ નહીં – કોઇ ઉભરો જ નહીં.

સ્થિતપ્રજ્ઞ અવસ્થા.
વિતરાગ અવસ્થા.

        સરોવરની સપાટી જેવું ચંચળ મન હોવા છતાં, પ્રબળ પ્રભંજન પણ એની સપાટીને સહેજ પણ વિક્ષુણ્ણ ન કરી શકે.

     પણ… એ કુદરતી નિયમોની વિરુદ્ધ નથી? કાર્ય/ કારણના સિદ્ધાંતને તિલાંજલિ? ન માની શકાય તેવી અવસ્થા?

     પણ અનેક વિતરાગોએ/ બુદ્ધોએ એ પ્રમાણિત કરી દીધું છે કે,

એમ પણ બને! 

 

 

 

Comments are closed.

%d bloggers like this: