સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અવલોકન દર્દ!

     ‘ગદ્યસૂર’ પર જોકને અવકાશ નથી. ગંભીર બાબતોનું આ સરનામું છે. પણ કલ્યાણ મિત્ર રાત્રિ ( ડો. રાજેન્દ્ર ત્રિવેદી) એ ‘ હાસ્ય દરબાર’ પર મુકેલી નીચેની જોક – એ આ અવલોકનનું મૂળ ઉદ્ભવ સ્થાન છે.

મૂકેશ (ડૉક્ટરને): સાહેબ મારી એક જ સમસ્યા છે.

ડૉક્ટરઃ બોલો શું સમસ્યા છે તમને?

મૂકેશઃ સાહેબ મને વાત કરતી વખતે માણસ નથી દેખાતા.

અને એની ઉપર મારો પ્રતિભાવ…

એ ડોક્ટર બોસ્ટનની નજીક રહે છે.

આવા ઘણા હીરાઓ એમની સારવાર લઈ ચૂક્યા છે !

એમાંનો એક -આ સુરદા !

હવે જાણે વાત એમ છે કે,

     આ જોકમાં ‘નહીં દેખાવા’ ની ફરિયાદ છે. પણ સુરદાની ફરિયાદ,  સામાન્ય ચીજોમાં એ ચીજ સિવાય કશું  ન દેખાય તો પણ ઘણું બધું ગર્ભિત  દેખાવાની છે !

અવલોકન દર્દ

    બરાબર ૩૦૨ અવલોકનોને શબ્દદેહ આપ્યા પછી અને  આ બધો ‘વાણી વિલાસ’ છે, એમ ભાન થયા છતાં, આ અદકપાંસળી જીવને બધે કાંઈક ને કાંઈક ‘અવલોકન’ ભળાઈ જાય છે.  આઠ દસ અવલોકનો માટેના ફોટા સ્માર્ટ ફોનમાં તૈયાર પડેલા છે. અને મન મક્કમ કરીને એમને શબ્દદેહ નહીં આપવા મનને મનાવતો રહું છું.

     પણ એ અવલોકન દરદની પીડા અસહ્ય હોય છે ! ‘ To be or not tob.’ જેવી આ મનોવ્યથા છે.

     આમ તો અંતર યાત્રાના નાખુદાઓનાં ઘણાં સલાહ સૂચનો હાથવગાં છે જ. કેટકેટલાં છે – આ પ્રલાપ બંધ કરવાના એ બધાં  રસ્તા? પણ ઊછાળા અને ઊભરા ન આવે તેવી એ વીતરાગ અવસ્થાએ ન પહોંચાય, ત્યાં લગણનું શું?

કયો ડોક્ટર આ દરદનું ઓસડ પીવડાવશે?

કલ્યાણ મિત્ર શ્રી. શરદ ભાઈ શાહે મોકલેલ – આવા દર્દની અભિવ્યક્તિનું  એક સરસ ગાન –

તમે હળવેથી એકવાર ઝંકારો તાર, અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?

તમે ટહુકો ઉછીનો એક આપો રાજલદે! અમે વરસોની જડતાને ત્યાગીએ.
અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?

રણનાં પંખીડાં અમે, અમને તો એમ કે રેતી આદિ ને રેતી અંત;
તમને જોઈને અમે જાણ્યું કે ક્યાંક ક્યાંક જીવી રહી છે વસંત;
તમે આછેરો સ્પર્શ કરી જુઓ રાજલદે! અમે ફોરમતા ફાગ થઈ ફાગીએ.
અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?

કલકલતી નદીઓના વહેણ સમી લાગણીઓ થઈને અમારે છે વહેવું,
નિજને ભૂલી તમારી આંખોમાં ઘૂઘવતા દરિયાના નીર થઈ વહેવું;
તમે ભીની બે વાત કરો અમથી રાજલદે! અમે આખો અવતાર ભીના લાગીએ.
અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?

-રાહી ઓધારિયા

Comments are closed.

%d bloggers like this: