સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ભુલભુલામણી – એક અવલોકન

ઘણા વખત પછી ભુલભુલામણીની રમત રમ્યો. નાનો હતો ત્યારે ‘ઝગમગ’, ‘બાળસંદેશ’ અને ‘રમકડું’માં રમવાની બહુ મજા આવતી હતી. પછી તો અઘરું ભણવાનું, અને અઘરી નોકરી અને અઘરો સંસાર – એની ભુલભુલામણીઓમાં આ રમત તો સાવ વીસરાઈ જ ગયેલી.

અમેરિકા આવ્યા બાદ નાનાં બાળકોની સાથે રમતાં, પાછી એ રમત ચાલુ થયેલી. પણ બાળકો મોટા થઈ ગયા; અને ફરી પાછી એ ભુલભુલામણી ભુલાઈ ગઈ!

છેલ્લા છએક વરસથી એની જગ્યાએ સુડોકુની રમતના ચાળે ચઢ્યો છું – નવ ખોખાં, નવ હાર અને નવ સ્થંભમાં સજાયેલી;  નવ આંકડાના નવ સેટની રમત. હજારથી પણ વધારે રમતો રમ્યો હોઈશ, અને ખાસ્સાં અવલોકનો પણ લખ્યાં. (*)

આજે ઓરીગામી માટે સંઘરી રાખેલા જૂના  કાગળોમાંથી એક આવી રમતનો કાગળ હાથ ચઢી ગયો. એ બધી પુરાણી મજાઓ યાદ આવી ગઈ; અને પેન્સિલ લઈ બેસી ગયો – ભુલભુલામણીમાંથી રસ્તો ગોતવા.

થોડાક આડાઅવળા પાટે ચઢીને થોડીક વારમાં આરપાર નીકળી શકાયું. અહીં સારો ફોટો આવે એ માટે લાલ રંગની પેન વડે એ રસ્તો ઘૂંટી લીધો.

 

કેવી મજા? ભુલભુલામણીમાંથી રસ્તો ગોતી કાઢવાની?

રમતમાં તો આવો વાંકો ચૂંકો, આડો અવળો, ગોથાં ખવડાવી દે એવો રસ્તો ગોતવાની મજા જ આવે ને?

પણ જીવનમાં આવી ભુલભુલામણીમાં ફસાયા હોઈએ ત્યારે? જીવન ઝેર જેવું લાગે.

      મારે ભાગે જ કેમ આવાં અડબડિયાં ખાવાનું લખાયું હશે?
બીજા કેવી લ્હેરથી જીવે છે?
ક્યારે આનો પાર આવશે?

     એ અંધારા બોગદામાં એ જ પળોજણ, એ જ ઊંઘ વિનાની રાતો, એ જ હૈયું શેકાઈ જાય એવી ચંત્યાઓના ઓથાર.  ક્યારે એ બોગદાનો છેડો આવશે અને આશાનું પહેલું કિરણ આ હૈયાવરાળને ટાઢી પાડશે?

      અને બીજા લ્હેરથી જીવનારાઓના હાલ પણ કેવા? અબજોપતિ હોય કે હોય મોટા માંધાતા કે ચમરબંધી – સો મણની મશરૂની ગાદીવાળા છપ્પર પલંગ ઉપર પણ મોડી રાતે પડખાં ફેરવતા હોય. ઝુંપડાની ગારવાળી ફરસ પર નસકોરાં સાથે ઘોરતા, મુફલિસ જણ કરતાં ઘણી વધારે ચંત્યાઓના મણ મણના  ઓથાર.

      રમત હો કે જીવન. બધી ભુલભુલામણીઓ અને માયાજાળ જ. એમાં રમ્યા કે ફસાયા એટલે બહાર નીકળે જ છૂટકો.

     પણ એમ ના બને કે, જીવનને પણ રમતની હળવાશથી સ્વીકારી શકીએ? જીત્યા કે હાર્યા; ફસાયા કે ઉગાર થયો. બહાર નીકળાયું કે ના નીકળાયું.

     જીવનની સાંઝે, બધું પરવાર્યા પછી આમ વિચારવું કદાચ સહેલું છે. પણ જ્યારે એ કાદવમાં બરાબરના ખૂંપેલા હતા ત્યારે?

    હા! એ વખત કાળ જેવો જ લાગતો હતો. પણ એ ઓથારની વેળા વીતી ગઈ છે; ત્યારે પાછળ જોતાં આ ત્રણ વાત ઊડીને આંખે વળગે તેવી દેખાય છે.

  • કોઈ અવસ્થા કાયમ ટકતી નથી – સુખની હો કે દુઃખની
  • દરેક અવસ્થામાંથી જીવનનો કોઈ ને કોઈ સંદેશ મળ્યો છે. જીવવાની કોઈ ને કોઈ નવી ચાવી હાથવગી બની છે.
  • આપણી ગમે તેટલી મોટી સમસ્યા ના હોય; એવા કરોડો લોકો છે; જેમના માથે આભ ટૂટી પડેલું હોય છે. એમની આજુબાજુ દિવાલો જ દિવાલો અને ખાઈઓ જ ખાઈઓ હોય છે.

      વીસ વરસની ઉમ્મરે જે સમસ્યાઓ પહાડ જેવી લાગતી હતી; તે અત્યારે સાવ કંકર જેવી લાગે છે. જે ચીજો વગર જીવી જ ન શકાય; એવી માન્યતાઓ ઘર કરી ગયેલી હતી; તે ચીજો હવે સાવ ક્ષુલ્લક લાગે છે. જે સર્ટિફિકેટો ભેગા કરવા વરસોના વરસો કાઢ્યાં હતાં; તે અત્યારે ઘરના કયા ખૂણે ધૂળ ખાય છે; એ પણ ખબર નથી.  આ રમતનું જ જુઓ ને? એના માટેનો લગાવ કેટલી વાર બદલાણો?

  આપણા ઉપર જ આપણે હસી પડીએ કે, આવી નાચીજ વસ્તુ કે વિચાર માટે રાતોની રાતો ઊંઘ વગર સૂતા હતા.

     કાશ, જીવનની હરએક અવસ્થાની ભુલભુલામણીઓ આમ જ રમત જેવી લાગી હોત તો?

(*) સુડોકુ પર અવલોકનો… 

 
ભાગ- ૧ ભાગ- ૨ ભાગ- ૩
ભાગ- ૪ કોલાજ  ભાગ- ૫
Advertisements

Comments are closed.

%d bloggers like this: