સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

થડકો – એક અવલોકન

      મારી કાર ટ્રાફિક સિગ્નલ આગળ અટકીને ઊભી છે. લાલ લાઈટે કાર થોભાવવાની આલબેલ આપી છે. સામેની ટ્રાફિક લેનમાં મારી પાછળની દિશામાં ધમધમાટ ધપી રહેલો વાહન વ્યવહાર અવિરત ગતિથી મુસાફરી ચાલુ રાખી, ગતિમાન છે.

     એક પછી એક વાહન મારી કારની આગળથી પસાર થતું રહે છે; અને એ દરેક સમ્પર્કે મારી કાર અને હું એક હળવા થડકાનો અનુભવ કરીએ છીએ. એક મોટી, લાંબી ટ્રક પસાર થઈ જાય છે, અને ધરતીકમ્પ થયો હોય એવો થડકો હું અનુભવું છું.  મારી કાર બે બારણાં વાળી નાનકડી કાર છે. આથી એના પર આ પવનના ફટકાઓની વધારે અસર થાય છે.

      જો આ સામેના ટ્રાફિકની જગ્યાએ પવનનું વાવાઝોડું હોત, તો કદાચ કાર ફેંકાઈ પણ જાત.  આવી મોટી તાકાતો સામે નાનકડી કારનું શું ગજું?

….

એમ જ તો હોય  છે-

બળિયાના બે ભાગ.

————————

      પોતાની પ્રચંડ ગતિમાં, પ્રગતિના પંથે આગળ ધપી રહેલી, મદમાં ચકચૂર હસ્તીઓને નાનાં અસ્તિત્વોની હરકતોનો શો ખ્યાલ આવે? આમ જ તો બનતું રહ્યું છે – હજારો વર્ષોથી. માનવ સમાજની ટોચ પર વિરાજમાન માંધાતાઓના મહાન સામ્રાજ્યોની એડી તળે કેટકેટલાં જીવનો થડકાતા તો શું; કચરાતા, ફંગોળાતાં,  આક્રંદતા, દરિદ્રતાની ખાઈમાં કણસતાં, મરવાના વાંકે જીવી રહ્યાં છે?

     અને એ જ દીન હીન જીવનોના પરિશ્રમના આધાર પર નભતા એ મહાન હસ્તીઓના પાશવી, ગુમાની અટ્ટહાસ્ય કરી રહે્તા, પિરામીડો  આકાશને આંબવા હોડ બકતા રહે છે ને?

     આ લીલા માનવ સંસ્કૃતિના પ્રારંભથી અવિરત ચાલુ જ છે. પરિવર્તનો આવે છે; એ પિરામીડો, એ મહાલયો, એ અટ્ટાલિકાઓ વિદાય લે છે; ધરાશાયી બને છે, અને …

    વધારે ઉન્મત્ત અને મદહોશ હસ્તીઓ માનવ પ્રગતિના પંથે હરણફાળ ભરવા એમનું સ્થાન લેવા તૈયાર જ હોય છે.

શું આ રાક્ષસી લીલાનો કશો અંત કદી નહીં હોય?

     આ પાશવી લીલાના સર્જનહારને  ‘सम्भवामि युगे युगे ।’  નું વચન શા માટે આપવું પડે? એનો કાયમી અંત આણવા એ પણ તાકાતવાન નહીં હોય?

       કદાચ માનવ જીવન ‘હાદઝા’ ના સ્તરે જ અટકી ગયું હોત તો, માનવ સમાજ  વધારે સુખી અને સમતુલિત ન હોત?

———

      આ એકવીસમી સદીમાં પણ – પથ્થરયુગમાં મ્હાલતી, કિલ્લોલતી, અને કહેવાતી રીતે બહુ આગળ વધી ગયેલી / સુસંસ્કૃત પ્રજાઓની પ્રગતિને અવગણતી, એની હાંસી ઊડાવતી ‘હાદઝા’ જાતિનો ટૂંક પરિચય મેળવવા અહીં ‘ક્લિક’ કરો.

Comments are closed.

%d bloggers like this: