સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ટ્રાફિક સિગ્નલ, ભાગ : ૨ – એક અવલોકન

      ન ગણી શકાય એટલી વખત ટ્રાફિક સિગ્નલ આગળથી પસાર થયો છું –  દેશમાં તેમ જ અહીં. પણ તે દિવસે સાવ અવનવા વિચારોનો વંટોળ ફૂંકાવા લાગ્યો. અગાઉ પણ બીજા જ વિચાર આવ્યા હતા; અને આ અવલોકન સર્જાયું હતું. પણ આ વખતે એ વંટોળ સાવ નવી જ દિશામાં ફંટાઈ ગયો.

    ( ‘અવલોકન’ કરવાની આ જ તો મજા છે – મગજની કેમિસ્ટ્રીમાં રસાયણો કેવાં સંયોજનો બનાવે છે; એની ઉપર જાતજાતના  અને ભાતભાતના વિચારો પેદા થયા કરે; અને અવનવાં અવલોકનોના સાથિયા પૂરાયા કરે.)

     હવે આ નવો વંટોળ- આ રહ્યો….

……..

       એની ત્રણ જ અવસ્થા – લાલ, પીળી અને લીલી. , એકસરખી ચાલે એ બદલાયા કરે; અને ચારે બાજુનો ટ્રાફિક એને અનુસરતો      થંભે, ચાલુ થાય અને એમ નિયંત્રિત થતો જાય. નિશાળ ભૂલવાના, બંધ થવાના અને રશ અવરના વખતે એની ચાલ બદલાય – જે બાજુ વધારે ટ્રાફિક થવાનો હોય , એને વધારે સમય ફાળવવામાં આવે. રાતે વળી જુદો જ પ્રોગ્રામ હોય. કદિક કાં’ક યાંત્રિક ખરાબી ઊભી થાય, તો ચારે બાજુ પીળી લાઈટ ઝબકારા મારતી થઈ જાય. એ ખરાબીની ખબર પડતાં એનો રિપેર કરનારો આવીને ખામીવાળા ભાગ રિપેર કરીને કે બદલીને પાછી પૂર્વવત્  વ્યવસ્થા કરી દે.

      કોઈક નવી શોધ થઈ હોય; તો આખી વ્યવસ્થા નવી સિસ્ટમ પ્રમાણે સત્તાવાળાઓ બદલી નાંખે. દા.ત. પહેલાં ચાર રસ્તાની વચ્ચે નૃત્ય કરતો પોલિસમેન રહેતો. પછી ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ આવી ; અને હવે ડિજિટલ કન્ટ્રોલ આવી ગયા. ભવિષ્યમાં વળી કશુંક નવું આવશે.

    પણ આ બધું યંત્રની જેમ ચાલ્યા જ કરે – વર્ષોનાં વર્ષો લગી. આખરે તો એ નિર્જીવ યંત્ર જ ને?

…………………..

      પણ આમ જુઓ તો સજીવ સૃષ્ટિમાં પણ આવું જ કશુંક નથી હોતું? થોડીક વધારે જટિલતા હોય એ જ ને?

  વનસ્પતિની વાત કરીએ તો- બીજમાંથી અંકુર થવું અને મોટું ઝાડ બનવું, એની ઉપર પાંદડાંનું ઊગવું, ફાલવું અને ખરી જવું. વસંત આવે એટલે પુષ્પ વિન્યાસ અને ફળોનું બેસવું – અને ફરી નવા બીજ અને નવા અંકુર ….. અને એની એ જ ઘટનાનું સતત ચાલુ રહેવું.

    પ્રાણીજગતમાં ઘણી બધી વધારે જટિલતા – વનસ્પતિ આરોગીને કે બીજા પ્રાણીને મારીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની હિંસકતા; પ્રજનન પણ વધારે ક્રિયા/ ક્રીડાથી ભરપૂર. શિકાર થઈ જવાની વેળા આવે, ખોરાક ખૂટે કે હવામાન બદલાય એટલે રહેવાની જગ્યા પરથી યાયાવરી સ્થળાંતર. પણ એની રીતિ અને નિયતિ પણ આખરે તો યંત્રવત્ જ ને?

       અને ઉત્ક્રાન્તિના કોઈક વંટોળમાં બન્નેમાં નવી પ્રજાતિનું નિર્માણ. અને ફરી એની એ જ ઘટમાળ ચપટીક ફેર સાથે યંત્રવત્ ચાલુ.

     માનવ જીવન એનાથીય વધારે જટિલ. જાતજાતના વિચારો અને જટિલ મગજમાં ઊભા થતા અવનવા તરંગો અને આવેગોના પ્રતાપે જડ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ પર સ્વામીત્વ ભોગવવાની મહાન ક્ષમતા. પણ બહુધા એ પણ યંત્રવત જ. જન્મથી મરણ  લગણ – બીબાંઢાળ નિયતી. અલબત્ત બીબાં હજારો અને લાખો હોય; પણ જે બીબામાં જીવન અંકુર ઘડાયો હોય; એનાથી બહાર એ માનવજંતુ ન જ આવી શકે. એની લક્ષ્મણ રેખા બંધાયેલી જ.

‘બેફામ’ તોય કેટ્લું થાકી જવું ં પડ્યું. 

નહીંતર જીવનનો માર્ગ છે – ઘરથી કબર સુધી.

      કો’ક જ વીરલા – લાખોમાં એક જેવા પાકે કે સાવ નવો રસ્તો કંડારે. એમના મગજની કેમિસ્ટ્રીમાં કોઈનેય ન થયા હોય એવા,  વંટોળિયા ફૂંકાય.  અવનવાં સર્જનો એ પેદા કરી દે, અથવા સમસ્ત સમાજને ખળભળાવી દે એવા પ્રભંજનો, ખાના ખરાબી અને      પરિવર્તનો એ વાયરા ઊભા કરી દે. એમના જીવનકાળ દરમિયાન પાગલપણાંનો એ વાયરો એના યંત્રની કળો  સતત બદલતો જ રહે. એ જાતે સરતાજ કરી દીધેલી વેદનામાં જ આખુંયે આયખું ખપાવી દે.

નથી કોઈ પણ માર્ગદર્શક અમારો,
નથી ક્યાંય પણ કોઈ મંઝિલ અમારી
મુસીબત ઊઠાવી, ફકત મોજ ખાતર,
અમારી અદાથી સફર કોણ કરશે?

‘શૂન્ય’ પાલનપુરી

————————————

ઊંચકી સુગંધ એક ઊભું ગુલાબ
એની વેદનાની વાતોનું શું? 
ભાગ્યેશ જહા

     એવી યુગપરિવર્તક કે પ્રભંજક પ્રતિભાઓને ટ્રાફિક સિગ્નલ શેં કહેવાય? કદાચ દીવાદાંડી જેવા, કદીક ખરતી ઉલ્કા જેવાં, તો કદીક વડવાનળ જેવાં એ જીવનો સમયની રેતી ઉપર એવાં પગલાં માંડીને વિદાય લે , કે જેને કાળની થપાટો પણ ખેરવી, ફૂંકી ન દઈ શકે. એ જીવનો પથ્થરમાં કંડારાઈ ગયેલી પ્રતિમાનોની કની યુગોના યુગો સુધી જીવંત રહી જાય -પ્રખ્યાત કે કુખ્યાત!

    આ રહ્યા એવી પ્રખ્યાત પ્રતિભાઓના અમર દીવડા..

–     ૧     –  ;    –    ૨      –

અને કો’ક આવી કુખ્યાત પણ હોય…

Comments are closed.

%d bloggers like this: