બીજા દિવાસની સવાર પડી. સામેના ટેબલ પર રૂમ સર્વિસનું કાર્ડ પડ્યું હતું. ૧૨ ઇજિપ્શીયન પાઉન્ડનો ભાવ વાંચી આ અમદાવાદીની સવારી ચાની તલપ ઠરી ગઈ! તૈયાર થઈ નીચે ગયો અને રેસ્ટોરન્ટમાં તપાસ કરી તો ખબર પડી કે, ન્યાં કણે તો બ્રેકફાસ્ટ જ મળે – કમરને બ્રેક કરી નાંખે એવા મૂળાના પતીકા જેવા ૭૫ પાઉન્ડના ભાવમાં!
હોટલની બહાર નીકળી, થોડે દૂર આવેલા મેઈન રોડ પર સારી અને સસ્તી રેસ્ટોરન્ટ ગોતવા ખાંખા ખોળા કર્યા; પણ સવારના પોરમાં એકેય ખુલી ન હોતી. દેશમાં જોવા મળે તેવા રોડ સાઈડ ગલ્લામાં ઉકળતી ચા મળતી જોઈ, દિલ કઠણ કરીને બાજુના સ્ટૂલ પર બેઠો અને એક કપ ચા ઓર્ડર કરી. ભાષાની મુશ્કેલીની પહેલી સમજ અહીં પડી ગઈ. સાઈન લેન્ગ્વેજથી મારો ઓર્ડર સમજાવ્યો. તરત કાચના પ્યાલામાં ચાની ભુકી નાંખી, ઊકળતું પાણી અને ખાંડ ઉમેરી, ચા હાજર થઈ ગઈ. હવે આને દૂધ ઉમેરવાનું શી રીતે સમજાવવું? પણ ગલ્લા પર દૂધ રાખવાનું કોઈ પાત્ર નજરે ન પડતાં, ‘આ જ મારી સવારી ચા!’ના ઉદ્ગાર અને પત્નીએ સાથે બંધાવેલ મેથીના થેપલા સંગાથે આ જુગલબંધી ટ્રાય કરી જોઈ. અને માળી સવારની ભૂખ હો કે, હો કેરોના માહોલનો પ્રતાપ – એ જુગલબંધી ઠીક ઠીક જામી હોં! અને પછી તો ચારેય દા’ડા સવારી ચા માટે આ ગલ્લો જ મારો મુકામ બની ગયો.
નવા બનેલા એ અરબ મિત્રોનો આ નજારો નીહાળી લો…

પછી જેની બહુ ઉત્સુકતા પૂર્વક રાહ જોઈ રહ્યો હતો; તે પિરામીડના થાનકને ગોતવાની કાર્યવાહી દફતરે શરૂ થઈ!
પંદરેક જ મિનિટ અને ભાંગ્યું ટુંટ્યું અંગ્રેજી બોલતા એક કોલેજિયન છોકરાની સંગતમાં ત્યાં પહોંચી પણ ગયો. અલબત્ત એની ખુદાબક્ષી સહન કરીને જ તો – ન્યાં કણેય ગાઈડ ચાર્જ !
– અને આખો દિવસ એ પાંચ હજાર વર્ષ પહેલાંની સંસ્કૃતિના અવશેષ સાથે ગાળ્યો. એ અંગે લખવા ખાસ ઉત્સાહ નથી. નેટ ઉપર અઢળક સાહિત્ય મળી જશે.
આ લો …… ચપટીક વેબ સાઈટો
…..૧…… , …..૨…… , …..૩…… , …..૪…… , …..૫……
અને ઢગલાબંધ ફોટા…..





ધીરજ હોય તો વાંચી/ જોઈ લેજો. આમેય મને જીવન પછીના જીવન અંગેના એ મૂર્ખ ફેરો અને એના લોકોના ખયાલોમાં રસ કે વિશ્વાસ નથી. તમને હોય , તો એક પિરામીડ બંધાવવાનું વિચારી જોજો – અને એ પહેલાં બેન્ક બેલેન્સ અને તમામ સ્થાવર / જંગમ મિલ્કત ગીરે મુકવાની તજવીજ કરી લેજો!
પણ એક વાત ચોક્કસ……
આજથી પાંચેક હજાર વર્ષ પહેલાં જે પ્રજાએ આ મહાન સ્થાપત્યો સર્જ્યા હશે; એમની કળા, તાકાત, કમરતોડ મહેનત અને એ થકી ભેગી કરેલી સમૃદ્ધિ/ ક્ષમતા અને લક્ષ્ય તરફની સતત જાગરૂકતા દાદ માંગી લે છે. ભારતની મહાન સંસ્કૃતિએ આવાં કાયમી સ્મારકો કેમ ન સર્જ્યાં; એની હૈયાવરાળ પણ અહીં કાઢી દેવા દો.
એક બે સરસ મજાના અનુભવ – પિરામીડ પ્લાઝામાં.
પિરામીડનો ફેરો ( કે એનો રખેવાળ) બપોરની રિસેસ માણી રહ્યો હતો; ત્યારે મારે એક કલાક તપશ્ચર્યા કરવાની હતી. એ સમય દરમિયાન સ્થાનિક શાળાનાં બારકસોનું એક ઝુંડ મારી બાજુમાં કિલ્લોલ કરતું હતું. મારા સ્વભાવાનુસાર બાળકો સાથે ગોષ્ટિ કરવાનું મન થયું; અને એ હંધાય ભાંગી ટૂટી અંગ્રેજીના સહારે અને મારા ‘ ઓરીગામી કૌશલ્ય’ના પ્રતાપે કામચલાઉ દોસ્ત બની ગયા. કલાક ક્યાં નીકળી ગયો એ ખબર જ ન પડી. આ રહી એની બોલતી તસ્વીરો….


- મારા બનાવેલા ઊંટ સાથે બાળદોસ્તો.
એ પિરામીડની અંદર જઈ, મારા ભારત ખાતેના ફ્લેટના બેડરૂમ કરતાં પણ નાના ‘મમી’ રૂમમાં પ્રવેશવા કરેલી જહેમત, એનો સાવ કોરો કટ્ટ દિદાર જોઈ સાવ વ્યર્થ લાગી. અલબત્ત ફેરોના અંતિમસંસ્કાર વખતે એવા કમરા- કબરને કેવી સજાવી હશે, એનો નજારો તો ત્રીજા દિવસે મ્યુઝિયમમાં જરૂર જોવા મળ્યો.
પણ… મજેની વાત તો હવે આવે છે. એ પિરામીડની બહાર નીકળી, થાક ઉતારી , બપોરનું ભોજન પતાવી બેઠો હતો, ( એ જ મેથીના થેપલાં અને અમેરિકાના એરપોર્ટ પર કઢાવી દીધેલા છુંદાની અવેજીમાં શુદ્ધ બોટલ(!)નું પાણી અને સરસ મજેની , ગુજરાતી તલસાંકળી… મોંમાં પાણી ન લાવતા ! ) ત્યાં એક આરબ ડોસો લોપસ લુઝુલીનું બનાવેલું કોઈક ઘરેણું વેચવા આગ્રહ કરતો આવી પહોંચ્યો. એને સવિનય ના પાડી અને એનો આ ફોટો લીધો.

તો…
એ ફોટો લેવા માટે પણ દસ પાઉન્ડ આપવા માટેની એની બેહૂદી માંગણી માંડ ટાળી શક્યો. આવી લુખ્ખી ભિખારિયત તો એ પ્લાઝામાં ઠેર ઠેર જોવા મળી. અલબત્ત એ લોકોનું જીવન અમારા જેવા ટૂરિસ્ટો પર જ આધાર રાખતું હોય છે; એમ વિચારી મન મનાવ્યું.
——————-
પણ આ અમેરિકનને જ નહીં ….. કોઈ પણ મુલાકાતીને કઠે તેવી વાત હતી -ઊંટો અને ઘોડાઓનાં ઠેર ઠેર પથરાયેલા અને દુર્ગંધ મારતા છાણ અને લીંડા. ‘વર્લ્ડ હેરિટેજ પ્લેસ’ ગણાતા આ પ્લાઝાને લાખોની સંખ્યામાં આવતા પ્રવાસીઓ પાસેથી ખાસ્સી એવી રકમ મળતી હશે જ. ઊંટ અને ઘોડાઓના માલિકો પણ ઠીક ઠીક રકમ અમારા જેવા પાસેથી મેળવતા હશે. પણ કોઈને એ રકમનો થોડોક ભાગ પણ સફાઈ કરવા કેમ પાલવતો નહીં હોય?
ખેર….
જીવનનું એક સ્વપ્ન પૂરું થયું. એ સપન ભોમનાં આ ચિત્રો તમે પણ માણી લો.
‘પાછા હોટલ પર જવા સ્ફિન્ક્સના મંદિરના એ થાનકથી પહેલા પિરામીડ નજીકના પ્રવેશ દ્વાર સુધીનો લાંબો રસ્તો થાકેલી પગે ફરી કાપવો પડશે કે કેમ?’ એ વિચારનો ઓથાર મન પર સવાર હતો; ત્યાં એક ભલા હાટડીવાળાના સૂચનથી બીજું પ્રવેશ દ્વાર દેખાણું. બહાર નીકળતાં મારો બાકીના દિવસોનો સારથી- ટેક્સી ડ્રાઈવર ‘અલી’ ભેટી ગયો.

દિલદાર દોસ્ત વલીદાની યાદ અપાવી ગયેલો ‘અલી’
અને બીજા દિવસનો કેરો નિવાસ પણ સુખદ અંત સાથે સમાપ્ત થયો.
——————————-
વધુ માટે રાહ જુઓ…
Like this:
Like Loading...
Related
આપના અનુભવો વાચ્યા પછીતો ભૂલેચૂકેય કેરો જવાનુ કોરાણે મૂકી દેવુ પડે, આપનુ ઇજીપ્તના પ્રવાસનુ વર્ણન વાચવાની મજા આવેછે અને અમે તો એટલાથીજ સંતોષ માણી લઇશુ.
અહીં કદાચ નકારાત્મક અભિગમ જણાશે. પણ કોઈ પણ દેશની જેમ સામાન્ય જન જીવનનાં દૂષણો તરફ વધારે નજર પડી ગઈ તે બદલ ક્ષમાયાચના.
પણ ઘણી હકારાત્મકતા પણ નજરે પડેલી જ છે- કદાચ ત્રીજા/ ચોથા ભાગમાં તે દર્શાવીશ.
આપણી કહેવત મુજબ ડુંગરા દુરથી રળીયામણા તેથી પિરમીડો પણદુરથી જોવા રહ્યા.આપના અનુભવો વાંચવાની મઝા આવે છે.આભાર.
આપની સાથે અમે યે ઇજિપ્તનો પ્રવાસ ઘેર બેઠા કરી લીધો. જે . આનંદદાયક રહ્યો. પ્રબોધભાઇ જોશી એ આ દેશની યાત્રા કરીને લખેલો સુંદર લેખ યાદ આવી ગયો દાદા, . તમારા પ્રવાસમાં ભાગીદાર બનાવવા બદલ આભાર..
તમારું યાત્રાવર્ણન બહુ સુંદર છે.
અમેરીકા-યુરોપ જેવી જાગરૂકતા કે સ્વચ્છતા ક્યાં જોવા મળશે? જો સરકારની ઈચ્છા હોય તો જરૂર થાય. એક વખત લાલ આંખ કરે પછી તો અહીંની જેમ લોકોને ટેવ પડી જાય. રહી વાત, ભારતમાં સ્મારકોની, તો ભારતમાં સ્મારકો તો ઘણા છે, પણ ત્યાં જવા માટે રસ્તા કે વાહનવ્યવહારની પુરતી સગવડ નથી, અને છે ત્યાં રેંકડીવાલા, ગલ્લાવાળા, ફેરીવાળા, ફુલવાળા, ભિખારીઓ, ઉંચી ઉંચી હોટલો, ઉંચા ઉંચા મકાનો, લૂંટમાર કરતાં ટેક્ષીચાલકો, રીક્ષાવાળા વગેરેએ રસ્તા રોકી લીધા હોય છે અને પોલીસો માત્ર હપ્તા ઉઘરાવવાનું જ કામ કરતાં હોય છે એટલે ખુલ્લી જગ્યા ન હોવાથી દૂરથી નઝારો તો જોવા મળતો જ નથી. તાજમહાલ જેવી કોઈકજ જગ્યા ભૂલથી કે દુરંદેશીથી આવી અડચણોથી અલિપ્ત રહી ગઈ હશે. પિરામિડો ખુલ્લી જગ્યામાંથી દેખાય છે એટલે જ તેની ભવ્યતા નજરે પડે છે.
Mansukhlal Gandhi
Los Angeles, U.S.A.
Pingback: ઇજિપ્તમાં અળવીતરું! | હાસ્ય દરબાર
Pingback: પિરામીડોના દેશમાં, ભાગ -૭ : છેલ્લા બે દિવસ « ગદ્યસુર