સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

નસિર ઈસ્માઈલી સાથે એક સાંજ

      વલીદા, કૃતેશ અને હું  જનાબ નસિર ઈસ્માઈલીને (નઈ)મળવા ગયેલા એ યાદગાર સાંજની આ વાત છે.

       વાત તો અમારે એમની પાસે એમની સાહિત્યયાત્રાની સાંભળવી હતી. એમની સંવેદનાના સૂરો પાછળની ભીતરી સંવેદના સમજવી હતી.

     પણ વાત કોઈ જૂદા જ પાટે ફંટાઈ ગઈ. એમ બન્યું કે, વલીદાએ તા.  16  ડિસેમ્બરના રોજ યોજેલા સાહિત્યરસિકોના મિલન સમારંભમાં હાજર રહી વિશેષ મહેમાન તરીકે હાજર રહેવા નિમંત્રણ આપ્યું. મેં અને કૃતેશે પણ એમાં ટાપશી પૂરાવી.

      ન.ઈ. –” વાત તો બહુ મજાની હે; પણ ઇચ્છા થશે તો જરૂર આવીશ.”

      મેં કહ્યું,” તમને વાત મજાની લાગે છે, એટલે ઇચ્છા થઈ જ ગણાય ને?”

      ન.ઈ.- “વાત મારી ઇચ્છાની નથી. દાદાની ઇચ્છાની છે.”

     અમે ચોંકી ગયા. ૬૭ વર્ષના  ન.ઈ.નાય દાદા હાજર છે? 

      તેમણે ચોખવટ કરી,” આ દાદા.”

     અને એમની પાછળ ભીંત પર લટકતા ‘દાદા ભગવાન’ના કેલેન્ડર તરફ હાથ લાંબો કર્યો.

     અને ત્યારે અમને ખબર પડી કે મુસ્લિમ ધર્મના આ ખોજા મોશાય દાદા ભગવાનના ‘મહાત્મા’ પણ છે.

     અને આખી સાંજ એમના દાદા ભગવાન સાથેના સત્સંગની / દાદા પ્રત્યે તેમના અનહદ અનુરાગની વાતો સાંભળવામાં જ વીતી ગઈ.

     કેવી અદ઼્ભૂત એ વાત હતી, જ્યારે ન.ઈ.એ એમના પોપટિયાવાડ( દરિયાપુર, અમદાવાદ) ખાતેના નિવાસસ્થાને દાદાની પધરામણી કરાવેલી?  વાચકોની જાણ સારૂ …….. પોપટિયાવાડનો એ વિસ્તાર અમદાવાદનો નામચીન વિસ્તાર છે. ન.ઈ.ના ઘરથી ચોથે જ ઘેર એ વિસ્તારનો નામચીન ગુંડો અબ્દુલ વહાબ રહેતો હતો!

     અમદાવાદની સાંકડી પોળનું એ મકાન – નાની ગલી અને જૂનાં, પુરાણાં, બંધિયાર મકાનો. અને બધી વસ્તી ચુસ્ત મુસ્લિમ.

       ન.ઈ. એ વખતે બહુ ભીડમાં, બહુ જ આકરા પરિતાપથી ભરેલી જીવન અવસ્થામાંથી પસાર થઈ રહ્યા હતા. કોઈ આશાનું કિરણ નજરે જ ન પડે. ચારે બાજુથી ઘેરાઈ ગયેલા. અંત વિનાના, અંધારઘેર્યા બોગદામાં સલવાયેલા. અને એમને ક્યાંક દાદા ભગવાનનો સત્સંગ માણવા મળ્યો. ( મારી ભૂલ ન થતી હોય તો, ન.ઈ.એ એમ કહેલું કે, એમના ખાસ મિત્ર અને જાણીતા ગુજરાતી સાહિત્યકાર શ્રી. રાધેશ્યામ શર્માએ એમને એ રસ્તે દોરેલા.) ભાવાવેશમાં આવીને ન.ઈ. તો દાદાની પધરામણી પોતાને ઘેર કરવાનું ઈજન આપી બેઠા.

     ઘેર આવ્યા બાદ અને એ નશો ઉતરતાં એમને ભાન થયું કે, કેટલી ખતરનાક રમત એ રમી ચૂક્યા હતા? પોતાના આવા વિસ્તારમાં એક બિન મુસ્લિમ સંતને બોલાવવા, એમનો આદર સત્કાર કરવો; એ વાઘની બોડમાં હરણને લઈ આવવા જેવી બાબત હતી.

      આખી રાત એમને ઉંઘ ન આવી. દાદા પોતે  ના પાડે , તેવી અલ્લાને ઈબાદત કરી.

      પણ દાદા જેમનું નામ? એમની ‘હા’ની ખબર બીજા દા’ડે આવી ગઈ!

     અને ન.ઈ. તો જે મુંઝાણા છે! હવે શું કરવું? ચોક્કસ હુલ્લડનું બી રોપાઈ ગયું! એમના એક ખાસ નાગર મિત્રની સલાહ લીધી. એ મિત્રે તે દિવસે હાજર રહી, મામલો સમાલી લેવાની હૈયાધારણ આપી.

અને તે દિવસ છેવટે આવી પહોંચ્યો.

દાદા શિષ્યોની સાથે પધાર્યા. ન.ઈ.ના ઘરના ટૂટલ ફૂટલ દાદરા પરથી ઉપરના ઓરડામાં એમની પધરામણી કરાવી. બધી બારીઓ બંધ.

દાદા- ‘કેમ આમ બારીઓ બંધ રાખી છે?”

ન.ઈ. (સંકોચથી) – “શેરીનો ઘોંઘાટ ન આવે અને શાંતિમાં સત્સંગ થાય ને?”

દાદા – ‘ના, ના, ચોખ્ખી હવા અને ઉજાસ આવવા દો ને.”

કમને બારીઓ ખોલી નાંખી અને ભજન કિર્તન અને ચરણવિધી શરૂ થયા. પોળનાં આજુબાજુનાં મકાનોમાંથી પાડોશીઓ આ તાસીરો જોવા ડોકિયાં કરવા લાગ્યા.

ન.ઈ.નો જીવ તો તાળવે ચોંટેલો!

અને આજુબાજુની વસ્તીને પણ ભજનનો લય ગમ્યો; અને તાલમાં તાળીઓ પડવા લાગી.

રંગે ચંગે સત્સંગ તો પતી ગયો. પાડોશીઓને પણ પ્રસાદ વહેંચ્યો અને સૌએ ભાવથી આરોગ્યો પણ ખરો.

હવે દાદાની આખી ટોળી તાળીઓ અને મંજીરા નિનાદ સાથે ‘દાદા ભગવાનનો અસીમ જયજયકાર હો! ‘ ગાતી શેરીમાંથી પાછી વળી.

ન.ઈ. તો એમ કે હવે કાંઈક અજૂગતું ન બને તો સારૂં. આ થોડું એમનું ઘર હતું? એ તો હતો… પોપટિયાવાડનો જાહેર વિસ્તાર.

શેરીના નાકે આ હાઉસન જાઉસન પહોંચ્યું. નાકે જ સ્થાનિક મસ્જીદના મૌલવી આ તાસીરો જોતા ઊભા હતા.ન.ઈ. ને તો ….’ઉપર આભ અને નીચે ધરતી.’

પણ સદ્‍ભાગ્યે કશી ધાંધલ ધમાલ ન થઈ, અને દાદાની પાર્ટી તો વિદાય થઈ ગઈ.

પેલા મૌલવી કહે,” ये आदमी कौन था?”

ન.ઈ. અને નાગર મિત્ર તો અસમંજસમાં ચૂપ.

ત્યાં મૌલવી જ બોલી ઊઠ્યા,

” जो  भी था, अल्लाका ओलिया था |”

————————–

       ન.ઈ.એ આ વાત પતાવી અને અહોભાવથી આખો પ્રસંગ અમારી સામે જ બની ગયો હોય, તેવા ભાવસમાધિમાં અમે ડૂબી ગયા. પછી તો કમ સે કમ એક કલાક ન.ઈ.ના આધ્યાત્મિક અનુભવોની વાતોના માહોલમાં જ અમે તરબતર થતા રહ્યા.

       કેવો ગળી ગયેલો માણસ? કોઈ વહેમ કે  માન્યતાઓનાં વમળ નહીં. અહંકાર સાવ ઓગળી ગયેલો.

       એમની ઘણી બધી ચોપડીઓ પસિદ્ધ થઈ છે, અને હજી ઘણી બધી છપાવી શકાય એટલું સર્જન ન.ઈ.એ કરેલું છે. પણ હવે એમને પ્રસિદ્ધિનો કોઈ મોહ નથી.

સતત જાત સાથે રહેતા આ સાંસારિક સંતને અમે મનોમન નમી રહ્યા.

શ્રી. નસિર ઈસ્માઈલીનો પરિચય અહીં વાંચો.

12 responses to “નસિર ઈસ્માઈલી સાથે એક સાંજ

 1. pragnaju જાન્યુઆરી 12, 2013 પર 8:42 એ એમ (am)

  સાહીત્યકાર ન ઇના સાહીત્યને માણ્યું હતુ પણ આજે તેમના વિષે જાણી આનંદ થયો અને દુઆ માટે હાથ ઊંચો થયો.
  પૂ દાદાએ સૂરતના પ્લેટફોમ પર સાક્ષાત્કાર કર્યો તે જગ્યાએ અમે બાળપણથી ઘણો સમય પસાર કરેલો પણ પાત્રતા કેળવાય બાદ જ તે અનુભવાય! ન ઇ ની આ પાત્રતાને સલામ

 2. નિરવ ની નજરે . . ! જાન્યુઆરી 12, 2013 પર 12:00 પી એમ(pm)

  વડીલ નસીર સાહેબની ” સંવેદનાના સુર ” , હું ઘણા વર્ષોથી વાંચતો આવ્યો છું . . . તેમાં હરદમ કોઈ સ્પર્શી જાય તેવી વાત હોય છે . . . આજે તેમને નીરખી પણ લીધા .

  અને સુરેશ દાદા હમણાં તો તમે ઘણા એક્ટીવ થઇ ગયા છો ને કાઈ 😉 અમને જુવાનિયાનેવ નેય નથી પહોંચવા દેતા 😀 . . . . ઈજીપ્ત અને અને મિત્રો /સાહીત્યકારોની મુલાકાતોનો તો રીતસર અહી વરસાદ થઇ રહ્યો છે !

 3. Vinod R. Patel જાન્યુઆરી 12, 2013 પર 12:59 પી એમ(pm)

  ભારતમાં હતો ત્યારે ન .ઈ .ની ગુજરાત સમાચારની કોલમ સંવેદનાના સુર મને બહુ જ વાચવી ગમતી .
  એમની સાથેની ગોષ્ઠીનો પ્રસંગ સુરેશભાઈએ ખુબ જ રસમય બાનીમાં વર્ણવ્યો એ વાંચવાની મજા આવી .
  ન .ઈ .નો ફોટો જોતા એમની ઉમર થઇ ગઈ છે પણ માનસિક ચિત્ર તો એક યુવાનનું હતું .
  એમનો પરિચય વાચ્યો . એમનું જીવન જ એક અનેક સંવેદનાઓના સુર જેવું જ છે .

 4. Anila Patel જાન્યુઆરી 12, 2013 પર 5:59 પી એમ(pm)

  બિનસામ્પ્રદયિકતાનો અંચળો ઓઢીને મોટી મોટી વતો કરનારા કરતા, વાણી અને વર્તનથી બિનસામ્પ્રદાયિક રહેનાર નસિરભાઇને સાદર પ્રણામ.

 5. dee35 જાન્યુઆરી 12, 2013 પર 9:53 પી એમ(pm)

  ગુજરાતી સારી વાર્તાઓ અને સારા સારા લેખકોની કટરો વાંચતાં મને મારી પત્નીએ કરેલો.વડીલ નસીર સાહેબની ” સંવેદનાના સુર ” , હું ઘણા વર્ષોથી વાંચતો આવ્યો છું આજે તેમના દર્શન કરવા અલબત ફોટામાં મળ્યાં અને તેમનો પરીચય માણીને ગદગદ થયો.આભાર.

 6. Dipak Dholakia જાન્યુઆરી 13, 2013 પર 8:07 એ એમ (am)

  વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ નસીરભાઈનો પરિચય કરાવવા બદલ અભિનંદન. એમને જેટલાં પ્રણામ કરીએ તેટલાં ઓછાં છે.દાદા ભગવાનને નોતરવાના એમના કાર્યમાંથી ઝળકી છે એમની courage of conviction.

 7. Vipul Desai જાન્યુઆરી 13, 2013 પર 8:07 પી એમ(pm)

  નસીર ઈસ્માઈલ સાહેબ મારા ખુબ જ ફેવરીટ હતા. એમના લખાણો ઉપરથી લાગતું હતું કે ખુબ જ યુવાન હશે. આજે એમની તસ્વીર જોઈને મેં તો મારા અમિતાભ બચ્ચનને જોઈ લીધા એવું લાગે છે. એમાં પણ જાની સાહેબે જે “દાદા ભગવાન” વાળી વાત કરી એણે તો એમના માટે મારા મનમાં ચાર ચાંદ લગાવી દીધા. આ પોપટિયા વાડનાં વિસ્તારમાં તો કોઈ પોલીસના ઉચ્ચ અધિકારી પણ પલટન લીધા વગર નહી જઈ શકે. એ વખતે અબ્દુલ વહાબ અને લતીફની હાક વાગતી હતી. તેમાં ન.ઈ.સાહેબે એક મુસ્લીમ થઈને હિંદુ સંતને બોલાવવાની જે હિંમત કરી એ હિંમતને મારા સલામ! એમને માં સરસ્વતીની કૃપા હતી.
  વિપુલ એમ દેસાઈ
  http://suratiundhiyu.wordpress.com/

 8. nabhakashdeep જાન્યુઆરી 13, 2013 પર 8:33 પી એમ(pm)

  નસીર ઈસ્માઈલ સાહેબ.. પોતીકા માણસનો આજે સાચો પરિચય મળ્યો. કેવા ઓલિયાઓ સાથે રહે છે પણ ઓળખતાં બહુ વાર લાગી જાય છે.

  પ.પૂ. દાદાશ્રીના સત્સંગમાં મારી સાથે સર્વિસ કરતા , ઈસ્લામ ધર્મી જીજ્ઞાસાથી આવતા ને એક અહોભાવથી છૂટા પડતા , મેં જોયેલા છે…તેમનામાં

  પણ ઘણા ફિરકા છે ને સૂફી મત પણ છે. શ્રી સુરેશભાઈ ..ખજાનો ખોલતા રહેજો.. વિલંબ માટે ક્ષ્મ્ય ગણશો.

  રમેશ પટેલ(આકાઅશદીપ)

 9. Valibhai Musa જાન્યુઆરી 20, 2013 પર 1:49 એ એમ (am)

  લ્યો કહેજો વાત! નસીરભાઈના મારા જૂના પરિચયે,સુરેશભાઈ, તમને બંનેને મેળવી મેં આપ્યા અને બીજીવાર ચૂપચાપ મને મૂકીને બીજીવાર એકલા મળી આવ્યા! ખેર! જાઓ, માફ!

 10. Pingback: બની આઝાદ – મિત્રવાણી; લતા હિરાણી | ગદ્યસુર

 11. Laxmikant Thakkar મે 17, 2013 પર 8:27 એ એમ (am)

  “પાત્રતા કેળવાય બાદ જ તે અનુભવાય! “– [યે અંદરકી બાત હૈ ! ]…અનુભવીનાજ ઉદગાર હોઈ શકે !!!
  “સતત જાત સાથે રહેતા આ સાંસારિક સંતને અમે મનોમન નમી રહ્યા.”
  [જેને વંદન કરવાનું મન થાય તે ‘ગુરુ’..]….જેવું…એકરાર કરતું બયાન …
  [૨૫-૪-૧૩ ના ગુ.સ.ના ગુરુવારના “શતદલ”માં,”એટલે માથું નમે છે..એટલે માળા/તસ્બી ફરે છે, પંડને પણ પરહરે છે! એટલે માથું નામે છે! ” (નીતિન વડગામા)ની કૃતિ વાંચવા જેવી છે. ]
  અંતમાં…હર્ષદ બ્રહમભટ્ટની કલમ:- “સાદ કોઈ સાંભળે છે,એટલે માળા ફરે છે!જાત આખી ઝળહળે છે,એટલે માળા ફરે છે…બધાયે બંધ તાળાં અઆપ્મ્લે ઉઘડે છે,એટલે માથું નામેછે…માળા ફરે છે…”
  =============================================================================
  સુ.જા.ના કલમ-કર્મો થી હજી બહુ પરિચિત નથી…છતાં…મબલખ,અઢળક,ભરચક એવું ઘણું બધું છે…એમની પાસે…..સોનેરી શબ્દ-સંદૂક્માંથી અવનવું કાઢી તરત બતાવે છે. સો સો, હજારો…લાખો… સલ્લામ આ શબ્દ-કર્મીને…
  જાત સાથે રહેતા સાચુકલા હરિનાહેવાયા જણ નો મસ્ત…અફલાતૂન….યથાતથ પરિચય સર્ચલાઈટ દ્વારા સ્પષ્ટ દેખાય તેવો …. કરાવવા બદલ…”શુક્રીયાજી”-લા’કાન્ત / ૧૭-૫-૧૩

 12. Pingback: મળવા જેવા માણસ – વલીભાઈ મુસા | ગુજરાતી પ્રતિભા પરિચય

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: