સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પિરામીડોના દેશમાં, ભાગ-૫, મેમ્ફિસ, સક્કારા

મેમ્ફિસ – ઈજિપ્તના જૂના સામ્રાજ્યની રાજધાની;

સક્કારા એ સામ્રાજ્યના સમ્રાટોનું કબ્રસ્તાન, સૌથી પહેલા પિરામીડનું ઉદ્‍ભવસ્થાન

– ઈશુ ખ્રિસ્તથી ૩૦૦૦  વર્ષ પહેલાંનાં સંસ્કૃતિનાં સ્થાનક.

        અને અત્યારે જુઓ તો? એક કરોડની વસ્તીવાળા, ધમધમતા કેરો થી માંડ ૨૫ કિ.મી. દૂર આવેલાં બે નાનકડાં ગામડાં! પણ એના સુવર્ણકાળમાં કેરો તો શું, યુરોપિયન સભ્યતાની જનેતા જેવી  ગ્રીક સંસ્કૃતિનું પણં કોઈ નામોનિશાન ન હોતું. અરે! ફિનિશિયનો પણ ૧૫૦૦ વર્ષ પછી ભૂમધ્ય સમુદ્રને ખૂંદવાના હતા.

       મારી ઇજિપ્ત સફરના ચોથા દિવસે ભૂતકાળની એ મહાન અસ્તિત્વની રજ માથે તો નહીં ; પણ મારા જોડા નીચેથી સરકી!

       યુવાન અવસ્થામાં આવી ઐતિહાસિક  જગ્યાઓએ જવાની તક મળે તો ભાવવિભોર બની જતો. જીવનના ૭૦ વર્ષ પુરા થવાને માંડ બે મહિના બાકી છે ત્યારે, કદાચ આવી ભાવુકતા ખરી પડી છે – માથાના વાળની કની!

       પણ આવી જગ્યાઓએ એની જનક પ્રજાને સલામી જરૂર અપાઈ જાય છે. પાંચ હજાર વર્ષ પહેલાંની એ પ્રજાએ આટલાં જટિલ સ્થાપત્યો બનાવવાની સિદ્ધિ હાંસલ કરી હતી –  જ્યારે દુનિયામાં બીજી મોટા ભાગની જગ્યાઓમાં માણસ માંડ ખેતી કરતાં શીખ્યો હતો. અને અલબત્ત એમના નાયકો, ફેરો – ભલે બધા રાજાઓ અને સમ્રાટોની જેમ સત્તા અને સમૃદ્ધિની પાછળ પાગલ હતા  –  પણ આ કક્ષાની નેતાગીરી પૂરી પાડવી, એ  પણ કાંઈ નાની સૂની સિદ્ધિ તો ન જ હતી.

File:Egypt-Hieroglyphs.jpg

મેમ્ફિસ

File:Saqqara pyramid.jpg

સક્કારા

     ખેર, ઈતિહાસને બાજૂએ મુકીએ તો,એ દિવસની ખુશનુમા સવારમાં,  કેરોથી મેમ્ફિસ અમે માંડ અડધા કલાકમાં પહોંચી ગયા. મેમ્ફિસમાં એક નાનકડું આઉટડોર મ્યુઝિયમ જોવા મળ્યું.રામસેસની ખંડિત પ્રતિમાને સૂતેલી જોઈ, અને બીજાં બધાં સ્થાપત્યો પણ. આજુબાજુ લહેરાતી ખજૂરીઓ પણ મનમોહક લાગતી હતી. આપણે ત્યાં ભાગ્યે જ જોવા લળે તેવાં ખચ્ચરો અને એમનાથી ચલાવાતી ગાડીઓ પણ મારે માટે એક નવાઈની ચીજ હતી.

     મેમ્ફિસમાં કલાકેક ગાળી, થોડેક જ દૂર આવેલા સક્કારાનાં સૌથી પ્રાચીન પિરામીડ અને તેમની બાજુના મંદિરની મુલાકાત લીધી. સક્કારામાં કોઈ લીલોતરી જોવા ન મળી. તળ ઇજિપ્તના રણપ્રદેશની ઝાંખી અહીં મળી – નાઈલનો પ્રભાવ અહીં સુધી પહોંચતો ન હતો.

      રસ્તામાં હુક્કાની લહેજત મફતમાં આપતી ચાની દુકાનમાં ગરમાગરમ ચાની ( દૂધ વિનાની જ તો !)  પણ લહેજત માણી.

     ૫૦૦૦ વરસ પહેલાં વીતી ગયેલા એ સમયના અવશેષ અને  એ બે જગ્યાઓની  સ્મૃતિઓની ઝલક આ રહી….

      સૌથી વધારે યાદ રહી જાય એવી વાત હતી- આ બે મુલાકાતો પતી ગયા પછી, ઇજિપ્તની વણાટ કળાના એક કારખાનાની મુલાકાત. નાનાં આસનોથી માંડીને મોટી કાર્પેટો બનતી જોવા મળી; અને આ એકવીસમી સદીમાં પણ ઇજિપ્તની પ્રાચીન કળા અકબંધ મોજૂદ જોઈ હરખ થયો. ખાસ તો સીધે સીધા વાણાના સ્થાને વાંકા ચૂંકા વાણા પરોવી બનાવાતી અદ્‍ભૂત ડિઝાઇનો જોઈ એ કલાકારની આવડત અને કળા માટે અનહદ માન ઉપજ્યું.

     આ બધી મુલાકાતો પતાવી, ફરીથી ફલાફલનું જમણ પણ પતાવી હોટલ પર પહોંચ્યો;  ત્યારે બપોરનો માંડ એક વાગ્યો હતો. સાંજે પિરામીડ પ્લાઝામાં પ્રકાશ અને ધ્વનિ શો જોવાનું મન થયું; અને અલીને વાત કરતાં, એ તો અલબત્ત તૈયાર થઈ જ ગયો !

      અને સાંજે એ અદ્‍ભૂત જગ્યાએ ફરીથી પહોચી ગયો. જીવનમાં બે વખત આવા શો જોયા હતા. અમદાવાદના ગાંધી આશ્રમ અને દિલ્હીના લાલ કિલ્લામાં. પણ આ સ્થાનની ભવ્યતા તો બેમિસાલ હતી. આટલા મોટા ફલક પર સ્ફિન્ક્સની સામે બેસીને અને ત્રણ ત્રણ ગગન ચુંબી પિરામીડોને રંગબેરંગી પ્રકાશમાં પ્રજ્વલિત થતા જોવાનો રોમાંચ સાવ અલગ જ હતો. અને સાથે એન ભવ્ય ઈતિહાસની ગાથાનું શ્રવણ.

IMG_2989 IMG_2995 IMG_3008 IMG_3010 IMG_3018

——-

4 responses to “પિરામીડોના દેશમાં, ભાગ-૫, મેમ્ફિસ, સક્કારા

 1. pragnaju જાન્યુઆરી 13, 2013 પર 3:17 પી એમ(pm)

  ઈજિપ્ત સંસ્કૃતિમાં સાધનાની સિધ્ધી માટે પિરામીડને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ઉપરાંત કેટલાંક વૈજ્ઞાાનિક તારણોમાં તેની શ્રેષ્ઠતા સાબિત પણ થઈ છે.
  આમ તો ભારતમાં જુદા જુદા ધાર્મિક સ્થળોમાં ૧૭ જેટલા પિરામિડ છે પણ આ બધા પિરામીડનાં બાંધકામમાં લોખંડ અને આરસીસીનો ઉપયોગ થયો છે. સાચા પિરામિડની બાંધણીમાં લોખંડ કે આરસીસીનો ઉપયોગ નથી થતો.
  યાદ આવે પાલિતાણાનું પિરામીડ મંદિર
  વિશ્વમાં આવેલા જૈન ધર્મના મંદિરોમાં પિરામીડ આકાર-પ્રકારનું આ સર્વપ્રથમ મંદિર છે. આ મંદિર જ નહીં. મંદિરના નિર્માણમાં સહાય કરનારી વ્યક્તિની વાત પણ નીરાળી છે. કેરળના અર્નાકુલમ ખાતે રહેતા મુસ્લીમ માઈનીંગ એન્જિનિયર ટી.એ. મજીદે આ મંદિર બાંધવા માટે મહત્તમ રકમ આપી છે.આ જૈન મંદિરની શીલારોપણ વિધિ પણ આ મુસ્લિમ સદગૃહસ્થના હાથે થઈ હતી અને એ પણ જૈન ધર્મના ઇતિહાસમાં કદાચ પ્રથમ ઘટના છે. આમા નવાઈની વાત તો એ છે કે સામાન્ય રીતે રૃઢિચુસ્ત ગણાતા જૈન ધર્મીઓમાંથી કોઈએ પણ મંદિરના આહાર, પ્રકાર કે મુસ્લિમ વ્યક્તિના દાન સામે એક શબ્દનોય વિરોધ નોંધાવ્યો નથી.
  બધા પિરામીડનાં બાંધકામમાં લોખંડ અને આરસીસીનો ઉપયોગ થયો છે. સાચા પિરામિડની બાંધણીમાં લોખંડ કે આરસીસીનો ઉપયોગ નથી થતો.આ નિયમને પાલિતાણાના જૈન પિરામિડ મંદિરમાં ચુસ્ત રીતે પાળવામાં આવ્યો છે. પિરામીડની દિશા ઉત્તર-દક્ષિણ હોવી જોઈએ. પાલિતાણાનું પચ્ચીસ બાય પચ્ચીસ ફુટ લાંબુ અને પહોળુ આ મંદિર બાવિસ ફુટ ઊચું છે. માત્ર મંદિર જ નહીં, તેમાં બિરાજમાન ભગવાન પાર્શ્વનાથજીની પ્રતિમા પણ અનેક રીતે વિશીષ્ટ છે.

 2. aataawaani જાન્યુઆરી 13, 2013 પર 8:37 પી એમ(pm)

  પાલિતાણા ના જૈન મંદિર પીરામીડ આકારનું છે એ મેં આજેજ જાણ્યું માહિતી સાથે તમે ફોટો દેખાડ્યા તમને ધન્યવાદ તમારા સુપુત્ર વિહંગને ઘણી શાબાશી .
  તમો ઇન્ડિયા ગયા ત્યારે ઇજીપ્ત પણ જોઇશ એવો વિચાર હતો ખરો ? વિહંગની ભલી લાગણીએ આ બધું શક્ય બન્યું .ધન્ય છે વિહંગને

 3. Pingback: પિરામીડોના દેશમાં, ભાગ -૭ : છેલ્લા બે દિવસ « ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: