ભાગ – ૧ કેરોમાં ઉતરાણ ઃ ભાગ – ૨ પિરામીડ પ્લાઝા ઃ ભાગ – ૩ ઇજિપ્શિયન મ્યુઝિયમ
ભાગ – ૪ કોપ્ટિક મ્યુઝિયમ ઃ ભાગ – ૫ મેમ્ફિસ, સક્કારા ઃ ભાગ – ૬, રોઝેટા શીલાલેખ
ચાર દિવસોમાં કેરો ખાતે અને તેની નજીક જે જે જગ્યાઓ જોવા ધાર્યું હતું; તે બધી જોવાઈ ગઈ. પાંચમા દિવસે આમ તો એલેક્ઝાન્ડ્રિયા જઈ શક્યો હોત; પણ કેરોથી ઘણે દૂર આવેલ હોવાથી, મારા ટૂર આયોજક પુત્ર વિહંગની ત્યાં જવા મનાઈ હતી. એ આજ્ઞા પિતાવત્ પાળી !! બાકી ઇજિપ્ત પર ગ્રીક સંસ્કૃતિના પ્રભાવની ઝલક મેળવવા અને ક્લિયોપેટ્રા, જુલિયસ સીઝર અને એન્થનીને યાદ કરી લેવા માટે ત્યાં જવું પડે! કેરોમાં એ બધાનું નામોનિશાન જોવા ન મળ્યું.
લો………અહીં જાતે એનો અભ્યાસ કરી લો. અને…….. આ તો ખાસ….

જુલિયસ સીઝરની ચઢાઈ વખતે બાળી મૂકેલી લાયબ્રેરી
ખેર, ઇજિપ્તની આવતી મુલાકાતમાં એનો અને ‘અબુ સિમ્બલ’ નો વારો !

‘નેફરેતી’નું મંદિર
આમ પાંચમો દિવસ આરામનો દિવસ હતો. બપોરના અગિયારેક વાગે નીચે આવી, સ્વિમિંગની મોજ માણી.

અહીં એક અવનવો અનુભવ થયો. દૂર બે યુવાનો પૂલમાં મસ્તી કરી રહ્યા હતા. ‘કાકા’-ઈસ્ટાઈલે એમની સાથે સંગત કરવા મન થયું. અને થોડાક જ પ્રયત્ને બરફ સાવ ઓગળી ગયો.
કેવી હતી, એ સંગતની રંગત?
એમાંના એક જણને સાવ ભાંગ્યું ટુટ્યું અંગ્રેજી આવડે. એ અલેક્ઝાન્ડ્રિયાથી ફ્રાન્સના માર્સેલ્સ જઈને સ્થાયી થયેલો. તળ માર્સેલ્સના બીજાને તો અંગ્રેજીનો એક શબ્દ પણ ન આવડે. પૂરેપૂરો ફ્રેન્ચ બચ્ચો.
અને છતાં અડધો કલાક એમની સાથે દીલ ભરીને સંગત હાલી. તેમણે ગાંધીજી, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન વિ.ને યાદ કર્યા. મેં ‘કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો’ના એડમન્ડ દાંતે અને ‘લા મિઝરેબલ’ના જ્યાં વાલજ્યાં ને. અને મારી બહુ જ માનીતી થ્રીલર નવલકથા – ‘જેકલ ઇઝ આઉટ’ ને!
ભાષાની અડચણ છતાં, અમે માંડ માંડ છૂટા પડ્યા. આંતરરાષ્ટ્રીય સંગતનો કદાચ આ પહેલો અને છેલ્લો અનુભવ હતો.
સાંજે એક સાહસ કર્યું. મુખ્ય રસ્તા પરથી એરપોર્ટ જતી એક બસમાં ચઢી બેઠો અને બસની અંદર અને બહાર, કેરોના જન જીવનને પેટ ભરીને નીહાળ્યું.
- આપણા જેવા જ સામાન્ય માણસોની, રોજબરોજની ઓફિસથી પોતાના માળામાં પાછા જવાની વ્યથાઓ, કથાઓ.
- બસમાં અરબ ભાષામાં ન સમજાય છતાં પણ ભાવનું અનુમાન કરી શકાય એવી ગોઠડીઓ
- બસમાં ચઢવા/ ઊતરવાની/ ઊભા રહેવાની હાલાકીઓ.
- રસ્તા પરની દુકાનોમાં થતી ચહલ પહલ
…………..
અને છેલ્લા દિવસની સવાર આવી પહોંચી. છેક સાંજનું પ્લેન પકડવાનું હોવા છતાં, શુક્રવાર હોવાના કારણે ૧૨ વાગે એરપોર્ટ પર પહોંચી જવાનું નક્કી કર્યું હતું. દસેક વાગે અલીને કહ્યું, “ફલાફલ તો બે વખત આરોગ્યું. પણ બીજી કોઈ શાકાહારી વાનગી ન મળે?”
અને અલી એક હોટલમાં લઈ ગયો અને ત્યાં ‘કશેરી’ નો આસ્વાદ કરાવ્યો- ઇજિપ્શીયન ભેળ !
અહીં વાંચીને જાતે બનાવી લો!
અને છેલ્લો મુકામ.. દુબાઈ જવા એરપોર્ટ તરફ પ્રયાણ. એરપોર્ટ પર આડે ધડે પાર્ક કરેલી કારોની વણજાર વચ્ચેથી દૂર રાખેલાં કાર્ટ લઈ આવવાની પળોજણ. ઝડપભેર સામાન એમાં મૂકી દેવાની ઉતાવળ…
અને એરપોર્ટના દરવાજે પહોંચતાં જ અલીનું ભરેલા શ્વાસે મારી તરફ ધસમસતા દોડી આવવું!

દિલદાર દોસ્ત વલીદાની યાદ અપાવી ગયેલો ‘અલી’
મારી હાથમાં રાખવાની થેલી હું એની ટેક્સીમાં ભૂલી ગયો હતો!
મારું સમસ્ત અસ્તિત્વ (!) એમાં હતું – અલબત્ત ટૂરિસ્ટ તરીકેનું જ તો. પાસપોર્ટ, ઇન્ડિયન વિસા, ટિકીટ, ડોલરો, ક્રેડિટ કાર્ડ… બધું જ.
અલીને એ ખબર હતી; અને છતાં એ ખાનદાન આરબે હું ખોવાઈ જાઉં એ પહેલાં એ બધું મને સુપ્રત કરી દીધું. હું રીતસર અલીને ભેટી જ પડ્યો.
માનવતા મરી પરવારી નથી.
‘રામસેસ’ અને ‘નેફરેટી’ તો ક્યારનાય ભુલાઈ ગયા છે; પણ ‘અલી’ અને આ અનુભવ મરણ લગણ યાદ રહી જશે.
Like this:
Like Loading...
Related
Long Live , અલી 🙂 & માનવતા .
જીવતા
પ્રશ્નો
ઉકેલો.
મડદાને
કોઈ પ્રશ્નો
હોતા જ નથી.
માનવતા તરફ વળો.
સુરેશભાઈ એ સુરેશભાઈ…નિખાલસતાનું બીજું નામ. આપની આ યાત્રાની મજા ઘેર બેઠા અનુભવી અને માનવતાની સાચી મિશાલ’અલિ’ ભાઈ
સાચે જ આ ધરાનું સાચું રત્ન છે.
રમેશ પટેલ(આકાશદીપ)