સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

રાજસમઢિયાળા- વાત એક નોખા ગામની

સાભાર – શ્રી. શરદ શાહ, શ્રી. નરેશ શાહ      

1549_gaam

સૌરાષ્ટ્રમાં સૌથી નોંધપાત્ર ગામ તરીકે રાજકોટથી ૨૨ કિલોમીટર અંતરે આવેલા રાજસમઢિયાળાનું નામ દરેકના હોઠે આવી જાય. આ ગામડાની ડોક્યુમેન્ટરી પાંચ વખત દૂરદર્શન પર દેખાડવામાં આવી ચૂકી છે. ‘સુરભિ’ સિરિયલમાં પણ તે ચમક્યું હતું. કોઈ એમ કહે કે રાજસમઢિયાળામાં રામરાજ્ય છે તો તેમાં અતિશયોક્તિ નથી, કારણ કે આ ગામમાં કોઈ ઘરને તાળું મારતું નથી. બપોરે દુકાન ખુલ્લી મૂકીને વેપારી જમવા ચાલ્યા જાય છે.

ગ્રાહક આવે તો પોતાને જોઈતી વસ્તુ લઈને તેની કિંમત ગલ્લામાં મૂકી દે છે. ગુટખાવિરોધી ઝુંબેશની ગમે તેટલી પ્રેસનોટ છપાય કે શપથ લેવાય, તેનું પરિણામ જોવા મળતું નથી,પણ રાજસમઢિયાળામાં ગુટખા વેચવા પર જ પ્રતિબંધ છે અને એ કોઈ તોડતું નથી. ગ્રામપંચાયતની દુકાને રાહતભાવનું કેરોસીન વેચાય છે, પણ કેરોસીન લોકો જાતે લઈ લે છે. કોઈ ચોરી કરતું નથી. થોડાં વરસો પહેલાં ગામમાં ચોરી થઈ હતી. બીજા દિવસે એક ભાઇએ ગ્રામપંચાયતમાં ચોરીની જાહેરાત કરી કે તરત તેમને વળતર પેટેના સાઠ હજાર રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા.

આ તમામ વાતોનો સઘળો જશ રાજસમઢિયાળાના હરદેવસિંહ જાડેજાને જાય છે. એમ.એ.નું ભણીને એસઆરપીમાં જોડાયેલા હરદેવસિંહ જાડેજાનું મન અકળાયું એટલે નોકરી છોડી દઈ ગામની વાટ પકડી લીધી, પણ એ પછી તેમણે ગામને એવું કંડાર્યું કે બીજાં ગામો રાજસમઢિયાળાના માર્ગે ચાલવા મજબૂર બન્યાં છે. ‘હિ‌ન્દુસ્તાન’ના પત્રકાર વિજેન્દ્ર રાવતે તો લખ્યું પણ ખરું કે ભારત કે ઈસ ગાંવ કે પદચિહ્નો પર ચલેં તો દેશ કે ગાંવો કા ઉદ્ધાર નિ‌શ્ચિ‌ત હૈ

હરદેવસિંહ જાડેજા ૧૯૭૮માં આ ગામના સરપંચ બન્યા પછી આ ગામે આખા ભારતભરમાં પ્રસિદ્ધિ મેળવી છે.

સરપંચ બન્યા પછી હરદેવસિંહે કચરો નાખવાનો, જુગાર રમવાનો, દારૂ પીવાનો કે ઝઘડા વખતે પ્રથમ ગાળ બોલનારાને દંડ કરવાનો નિયમ કર્યો અને પ્રથમ વરસે ૩૦,૦૦૦ રૂપિયા દંડ વસૂલ કર્યો. ‘ભૂવા નાબૂદી’નું સૂત્ર આપ્યું. બાળકદીઠ એક વૃક્ષ વાવવાનો નિયમ કર્યો અને તેના કારણે ગામની ફરતે ઘટાદાર વૃક્ષો ઉગાડાયાં. ઘરો ઉદ્યાન જેવાં બની ગયાં. તમે રાજસમઢિયાળા જાઓ તો હરદેવસિંહ જાડેજા ગ્રામપંચાયતની ઓફિસેથી સીધા જ હરિજનવાસમાં લઈ જાય અને કોઈ રિર્સોટ જેવો હરિજનવાસ જોઈને આભા થઈ જવાય. હરદેવસિંહે ગામ ફરતે પાળા કરાવીને વહી જતું પાણી રોકાવ્યું. તેને કારણે ગામ અને જમીનનાં તળ સુધર્યાં. પાણીની છૂટ થઈ ગઈ.

રાજસમઢિયાળાની વસતિ પૂરા બે હજાર માથાંની નથી, પણ તે વાર્ષિ‌ક ૩પ,૦૦૦ મણ ઘઉં અને સાત હજાર મણ કપાસનું વાવેતર મેળવે છે, બીજા પાક જુદા. વરસે પચાસ લાખથી વધારે કિંમતનાં તો આ ગામ શાકભાજી વેચે છે. અહીં ગામના દરેક વોકળા પર ચેક ડેમ બનાવી લેવામાં આવ્યા છે. એને કારણે ચોમાસાનું પાણી તળમાં ઊતરે છે. ગામની સીમમાં ધીમે ધીમે કરતાં પ૧,૦૦૦ વૃક્ષો પણ વાવ્યાં છે.

લોકોનું તો એવું છે કે ફાયદો જુએ તો શ્રદ્ધા બેવડાઈ જાય. હરદેવસિંહ જાડેજાને કારણે ગામ સ્વચ્છ, સુરક્ષિત અને સમૃદ્ધ બન્યું, એટલે તેમને ખોબલે ખોબલે સહકાર મળવા માંડયો. હરદેવસિંહની ઇચ્છા સ્ટેડિયમ બાંધવાની હતી તો ગામલોકોએ સામેથી જમીન આપી દીધી. સ્ટેડિયમમાં ક્રિકેટની પાંચ ટર્ફ વિકેટ બનાવવામાં આવી છે. હરદેવસિંહ જાડેજા કહે છે, ‘આ સ્ટેડિયમ પહેલાં અમે ગામના દરેક ઘરની પ્રાથમિક સુવિધાની દેખભાળ કરી હતી. અમારા આખા ગામમાં અત્યારે સિમેન્ટના રસ્તા બની ગયા છે. હવે અમે પ્લાસ્ટિક નાબૂદીની ઝુંબેશ ઉપાડી છે. પ્લાસ્ટિકનો કચરો ફેંકે તેને પ૧ રૂપિયા દંડ અને જેના ઘર પાસે એ કચરો પડયો હોય તેનો અગિયાર રૂપિયા દંડ અમે લઈએ છીએ. મારે રાજસમઢિયાળા ફરતે એક લાખ વૃક્ષો વાવવાં છે એટલે તેનો ટાર્ગેટ બધાને આપી દીધો છે. મારો ટાર્ગેટ સૌથી મોટો રાખ્યો છે. મારી જમીનમાં હું દસ હજાર વૃક્ષો વાવવાનો છું. પાંચ હજાર જેટલાં જામફળ અને સીતાફળ તો વાવી દીધાં છે. ૩પ૦ આંબા વાવ્યા છે.’

રાજસમઢિયાળાની સમૃદ્ધિ જોઈને તેની આજુબાજુનાં પંદરેક ગામો પણ તેને પગલે ચાલવા માટે તૈયાર છે. ખોબડદળ, અણિયારા, લીલી સાજડિયાણી, ભૂપગણ, લાખાપર, ત્રંબા જેવાં આ ગામોમાં ૧૩૦ જેટલા ચેકડેમો બનાવવામાં આવ્યા છે. લીલી સાજડિયાણી ગામમાં સરપંચની ચૂંટણી નહીં, પણ પસંદગીથી ચૂંટાશે એવો નિર્ણય લેવાઈ ગયો છે.

જ્યાં પસંદગી હશે ત્યાં જ ગામનો વિકાસ ઝડપથી થશે એવું માનતા હરદેવસિંહ જાડેજાને આજથી દશ વરસ પહેલાં અમે પૂછેલું કે તમારા ગામ માટે છેલ્લે નવું શું કર્યું એ કહો? તો તેમણે કહ્યું કે, ‘ઉપગ્રહ મારફત મળેલી તસવીરોમાં જિયોલોજિક સર્વે કરાવીને અમે વર્ષો અગાઉ થયેલા ધરતીકંપથી થયેલી તિરાડો (ફ્રેક્ચર) શોધીને તેમાં પાણી ઉતાર્યું છે, એ કારણે અમારા ગામનાં તળ એક કિલોમીટર જેટલે ઊંડે સુધી પાણીવાળાં બન્યાં છે. આ દુષ્કાળમાં પણ અમારા ગામના એક કૂવામાં (ઉપરથી) દસ ફૂટ પાણી હજુ આજે પણ છે.’

ગામલોકો પાણી બતાવે તો પાણી એ કોઈ સમસ્યા નથી.

———————————————————————————————–

[ આમ બધે જ ન થાય?
ગામડિયા કરી શકે તો.
ભણેલા શહેરી ન કરી શકે? ]

Advertisements

2 responses to “રાજસમઢિયાળા- વાત એક નોખા ગામની

  1. Paresh PATEL ફેબ્રુવારી 19, 2013 પર 7:36 એ એમ (am)

    Reblogged this on મહાગુજરાત and commented:
    સૌરાષ્ટ્રમાં સૌથી નોંધપાત્ર ગામ તરીકે રાજકોટથી ૨૨ કિલોમીટર અંતરે આવેલા રાજસમઢિયાળાનું નામ દરેકના હોઠે આવી જાય. આ ગામડાની ડોક્યુમેન્ટરી પાંચ વખત દૂરદર્શન પર દેખાડવામાં આવી ચૂકી છે. ‘સુરભિ’ સિરિયલમાં પણ તે ચમક્યું હતું. કોઈ એમ કહે કે રાજસમઢિયાળામાં રામરાજ્ય છે તો તેમાં અતિશયોક્તિ નથી, કારણ કે આ ગામમાં કોઈ ઘરને તાળું મારતું નથી. બપોરે દુકાન ખુલ્લી મૂકીને વેપારી જમવા ચાલ્યા જાય છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: