સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બની આઝાદ – ચિત્તવૃત્તિ

આખી લેખમાળા માટે અહીં ‘ક્લિક’ કરો

આપણે એમ માની તો લઇએ કે, અપેક્ષા જ જીવનના બધા દુઃખોનું મુળ છે. પણ આપણે અપેક્ષા વિશે વિચારવું હોય, તો જીવની ઉત્પત્તિ વિશે થોડું વિચારવું જોઇએ.

    ગર્ભાવસ્થામાં માના પેટમાં શિશુ સાવ પરતંત્ર અને નિષ્ક્રીય હોય છે. તેનું પોષણ અને વૃદ્ધિ  માના લોહીથી થાય છે. તેને ખોરાક , પાણી અને હવા કાંઇ જ જરુરી નથી. કોઇ ઉત્સર્ગ પણ થતા નથી. બધું જ માના લોહીના માધ્યમથી થઇ જાય છે. એ અંધાર કોટડીમાં અવાજ અને સ્પર્શ સિવાય કોઇ ઇન્દ્રીયજ્ઞાન હોતું નથી. એક માત્ર કામ કરતું અંગ તે હૃદય હોય છે;  જે શિશુના શરીરમાં લોહીને  ફરતું રાખે છે. કોઇ વિચાર પણ કદાચ હોતા નથી. જીવનની આ સાવ શરણાગતિ ભરેલી અવસ્થા હોય છે.

     હવે માતાની ભૂમિકા  જોઇએ તો;  તે અભાન પણે ગર્ભસ્થ શિશુનું સંવર્ધન કર્યે જાય છે. શરણાગતિએ આવેલા નવા જીવનું તે જતન કરે છે. જીવન-સર્જક જનેતાનું સમગ્ર અસ્તિત્વ ભૃણની જરૂરિયાતો સ્વયં-સંચાલિત રીતે સંભાળી લે છે. તેની રૂચિઓ બદલાતી જાય છે. ભૃણની વૃદ્ધિમાં બાધક હોય, તેવો ખોરાક તેને પચતો નથી. બાળકને જન્મ આપ્યા બાદ તેના પોષણ માટેની વ્યવસ્થાની તૈયારી  માતાના  સ્તનમાં થવા માંડે છે. કોઈક અજાણ, પરમતત્વે નવા જીવની ઉત્પત્તિ માટે તેના સમગ્ર શરીર, મન અને પ્રાણને સજાગ કરી દીધેલાં હોય છે.

માટે, ઇશ્વર જો હોય તો
તે મા જેવો હોવો જોઇએ.

     જન્મ થતાં જ તે સહારો મળતો બંધ થઇ જાય છે. નાયડો કે ગર્ભપોષક નળી (umbilical cord) છેદાઇ જતાં જ આ વ્યવસ્થાનો અંત આવે છે. અંધકારમાંથી પ્રકાશમાં અવતરણ થતાં જ જ્ઞાન આવવા માંડે છે. અને જીજીવિષાની પ્રક્રિયા શરુ થઇ જાય છે. હવે પહેલો શ્વાસ જાતે ભરવો પડે છે. બાળકના મોંને માતાના સ્તન પાસે રાખતાં જ હોઠ હાલવા માંડે છે. આ સૌથી પહેલા સંઘર્ષની પ્રયત્નની શરુઆત.  નવા અવાજો, નવા સ્પર્શો, નવા સ્વાદ, નવી ગંધ.  આંખો ખૂલતાં નવાં દર્શનો, સતત નવી સંવેદનાઓ સર્જતાં જાય છે. મન તેની પ્રાથમિક અવસ્થામાં પણ આ બધાનું અર્થઘટન કરવા માંડે છે; સમજવા માંડે છે અને નવા ગમા અને અણગમા સર્જતું જાય છે. અને આમ સ્વભાવ બંધાવાની પ્રક્રીયા ચાલુ થઇ જાય છે.

     આ પ્રક્રિયા જીવનભર ચાલુ રહેવાની છે. સંવેદનાઓ, તેનું અર્થઘટન, પ્રતિક્રિયા; ગમો, અણગમો, રુદન અને હાસ્ય; વર્તન, વાણી અને વિચારોનું અનુકરણ; નવું જ્ઞાન અને તેનાથી સર્જાતા નવા સુખો અને દુઃખો.  એક પછી એક મહોરાં મળતાં, ઘડાતાં જાય છે. અને દરેક સંજોગનું અર્થઘટન નવી અપેક્ષાઓ સર્જતું જાય છે.

અપેક્ષાઓ તો આપણા સ્વભાવનું  અવિભાજ્ય અંગ છે.

     આ છે આપણી ઉત્પત્તિ સાથે મળેલી આપણી નિયતી. આથી કોઇ આપણને સુફિયાણી સલાહ આપે કે, અપેક્ષાઓ રાખવાનું છોડો; તો તે શક્ય જ નથી. એ તો આપણા સ્વભાવ, આપણા દેહ, આપણા મન, આપણા સમગ્ર હોવાપણા સાથે, આપણા ધર્મ કે પોત સાથે વણાયેલ વૃત્તિ છે.

આપણી એ સ્વાભાવિક ચિત્તવૃત્તિ છે.

   તો સત્ય શું છે તે શી રીતે ખબર પડે ? કઇ રીતે જીજીવિષા અને અપેક્ષાઓની ચુંગાલમાંથી આપણે છુટી શકીએ? કઇ રીતે આ વર્તુળકાર નિયતીની બહાર આપણે નીકળી શકીએ;  આઝાદ બની શકીએ? કઇ રીતે આનંદ, ચૈતન્ય, સત્ય અને પરમ તત્વ અથવા એવા કોઈ સામર્થ્યની ઉપલબ્ધિ થઇ શકે?

   આપણે એ માટેનાં સાધનોની તલાશ કરીએ એ પહેલાં આ ચિત્ત વૃત્તિનો જરા બારીકાઈથી અભ્યાસ કરીશું.

– વધુ આવતા અંકે….

14 responses to “બની આઝાદ – ચિત્તવૃત્તિ

 1. મીના છેડા નવેમ્બર 4, 2006 પર 8:36 એ એમ (am)

  સંત બનવું સહજ નથી. અપેક્ષાઓ ન હોય એવા સંબંધ કેટ્લા? આ વાતને સ્વીકારવી જ રહી.
  અપેક્ષા ન રાખવી એવા વિચારોના ટોળામાં જોડાવા કરતા.. અપેક્ષાઓ સાથે સમતોલન જાળવવાના પ્રયત્નો થાય તો ઘણા અંશે સંબંધ સારા બની રહે.

  મીના

 2. chetu ઓગસ્ટ 12, 2008 પર 6:56 એ એમ (am)

  ખરી વાત છે મીનાબહેનની… દાદા, આપના દરેક લેખમાં જીવનનું તથ્ય દ્રશ્યમાન થાય છે…

 3. Chirag Patel ઓગસ્ટ 12, 2008 પર 8:29 પી એમ(pm)

  બહુ જ સરસ વાત કરી. ઈશ્વર મા છે અને એનામાં મા જેવી લાગણીનો ધોધ વહે છે, જો આપણને બાળક બનતા આવડે તો!

  બાળક મા પાસે બધુ જોર કરી શકે, હક કરી શકે; અને માએ આપવું જ પડે.

  બાળક અને માનો પહેલો સ્પર્શ – એક ઘણી જ મોટી વૈજ્ઞાનીક ઘટના છે. એ પરથી મને આ વાત યાદ આવી: http://breastcrawl.org/

 4. aataawaani ફેબ્રુવારી 21, 2013 પર 5:50 એ એમ (am)

  બહુજ જ્ઞાન વર્ધક લેખ વાંચવું ખુબ ગમ્યું .સુરેશભાઈ તમારી કલમમાં જે શક્તિ છે .એ શક્તિમાં સતત વધારો થતો રને અને સૌ ને રનો લાભ મળતો રહે તમને ધન્યવાદ અને તમારો આભાર

 5. Ghomsi Patel ફેબ્રુવારી 21, 2013 પર 1:38 પી એમ(pm)

  અંગમ ગલિતમ પલિતમ મુંડમ તદપિ ન મુંચતિ આશા પિંડમ==સાચી વાત છે . માણસ અપેક્ષા ક્યારેય ન છોડી શકે. જીવન માટે આશા અમર છે. એયે એટલુજ સત્ય છે.–બહુ સરસ લેખ,

 6. Rajendra M. Trivedi ફેબ્રુવારી 22, 2013 પર 4:38 પી એમ(pm)

  We all know…સંત બનવું સહજ નથી….
  But,Bhai Suresh is living and finding the answer to him self !!!
  Read his thougts in his own Gujarati E. Books……..
  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

 7. nabhakashdeep ફેબ્રુવારી 22, 2013 પર 6:58 પી એમ(pm)

  અંકુરથી ઈતિ…જેવી સુંદર ચીંતનમય રજૂઆત..ખીલતી જશે તેમ માણતા જઈશું.

  વાત સાગર મંથનથી અમૃત સમ …આપના દીર્ઘકાલિન અભ્યાસી કલમથી વહેશે , એમ અનુભવાયું.

  રમેશ પટેલ(આકાશદીપ)

 8. pragnaju ફેબ્રુવારી 22, 2013 પર 8:23 પી એમ(pm)

  અત્યારે મનમા જે આવતુ ગયું તેવું લખ્યું
  હવે મન સાથે ચિતને ઢંઢોળીએ…ખાસ કરીને તેમના આ વિચાર માટે
  “આનંદ, ચૈતન્ય, સત્ય અને પરમ તત્વને પામવું છે ને ?
  તો આ અપેક્ષાની ચુંગાલમાંથી છુટવું પડશે.”
  યાદ આવે
  …ષણ ક્ષણ મરતી રહી અપેક્ષા………
  જન્મ સાથે જન્મી જીવનની અપેક્ષા,
  પછી ક્ષણ ક્ષણ મરતી રહી અપેક્ષા.

  એક પૂનમે ચાંદનીમાં નાહી અપેક્ષા,
  પછી બની અમાસી અંધારુ અપેક્ષા.

  એક સુંવાળા સ્પર્શે ઉદ્ભભવી અપેક્ષા,
  પછી વિરહે વલખાતી રહી અપેક્ષા.

  એક મુલાકાતે યાદગાર બની અપેક્ષા,
  પછી માત્ર યાદોમાં રહી ગઈ અપેક્ષા.

  એક મળેલા ફૂલે મહેકી ઉઠી અપેક્ષા,
  પછી કાંટા બની ડંખતી રહી અપેક્ષા.

  તારા માટે ક્ષણજીવી હતી અપેક્ષા,
  મારા માટે સંજીવની હતી અપેક્ષા.

  આ અપેક્ષા ચુંગાલ છે અને તેમાંથી છૂટવા વિષે વિચારીએ.જેને કોઈ અપેક્ષા નથી એની જિંદગીમાં કંઈક ખૂટતું હોય છે. માણસ અપેક્ષાઓ સાથે જ જીવે છે અને અપેક્ષાઓ પૂરી કરવા માટે જ મહેનત કરતો રહે છે આ અપેક્ષાનું મૂળ આનંદ જ છે અને આ આનંદને પરમાનંદની અપેક્ષામા પરિવર્તન કરવુ આવશ્યક છે.
  આનંદ, ચૈતન્ય, સત્ય અને પરમ તત્વને પામવાની પણ અપેક્ષા રાખવી તે જરુરી છે જ પણ તે પહેલા તેને પાત્ર થવું પડે.આપણા વર્તમાન અને ભવિષ્યના કર્મો શુધ્ધ રહે અને સંચિત કર્મો જે સંસ્કારમા પડ્યા છે તેને શુધ્ધ કરવા સાધનાની જરુર રહે.ત્યાર બાદ ઘણા સંતો કહે પછી પરમ તત્વના અણસારને સાનંદાશ્ચર્ય સાથે પામીએ.અહીં કર્મોની શારીરિક ભૂમિકા કરતા માનસિક( મન,બુધ્ધિ,ચિત અને અહંકાર એમ ચારેય ભૂમિકાએ) શુધ્ધ હોય તે જરુરી જ નહીં પણ પરમ આવશ્યક છે.
  આ તાર્કીક નથી પણ અનુભવ જન્ય વાત છે તેથી આમાં બુધ્ધિ કરતા મહાભાવની જરુર રહે..છતા તાર્કીકનો આગ્રહ જ હોય તો કાંઇક આ રીતે સમજાય -લીંબીક સીસ્ટીંમ થી પીનીઅલમા જવાની વાત છે
  અસ્તુ

 9. Sharad Shah ફેબ્રુવારી 23, 2013 પર 3:16 એ એમ (am)

  પ્રિય સુરેશભાઈ;
  પ્રેમ.
  આપણી સમજમાં સતગુરુઓની વાત આવતી નથી તેનુ મુખ્ય કારણ છે કે એ લોકો એમના અનુભવોમાંથી અને અનુભુતિમાંથી વાત કરે છે અને આપણી પાસે કોરા શબ્દો હોય છે અને આ શબ્દોના આપણા નાંખેલા અર્થો હોય છે. તમે જોશો તો જણાશે કે કેટલાય શબ્દોનો આપણે બેફામ પર્યાયવાચી શબ્દો તરીકે ઉપયોગ કરીએ છીએ તે ખરેખર પર્યાયવાચી શબ્દો નથી. પણ આપણી આજુબાજુ બધા જ આ રીતે ઉપયોગ કરે છે તેથી આપણને ક્યારેય સમજાતું નથી કે આપણે કોઈ ભુલ કરી રહ્યા છીએ અને પછી શરુ થાય છે આપણી મુંઝવણો.
  તમારા આ લેખમાં આવા અનેક શબ્દોનો પ્રયોગ થયો છે. આપણે તેની વિગતવાર ચર્ચા અહીં નહી કરીએ પણ મુળભુત જે અપેક્ષાની વાત છે તેના પર આવીએ. સામાન્યરીતે આપણે આશા અને અપેક્ષાને એક સમજીએ છીએ. પણ મારી સમજ મુજબ આ બન્નેમાં પાતળી ભેદ રેખા છે. ઉદાહરણ રુપે, ” હું તમારી સાથે ભદ્ર વ્યવહાર કરું અને સામે તમે ભદ્ર વ્યવહાર મારી સાથે કરો તેવી આશા રાખું તેમાં કશું ખોટું નથી. પરંતુ હું જ્યારે એવો આગ્રહ રાખું કે તમારે પણ મારી સાથે ભદ્ર વ્યવહાર કરવો જ જોઈએ ત્યારે તે અપેક્ષા બની જાય છે. આશા + આગ્રહ = અપેક્ષા.આપેક્ષા અહંકારમાંથી જન્મે છે જ્યારે આશા સ્વાભાવિક છે. આશા દુખદાયી નથી પરંતુ અપેક્ષા દુખદાયી હોય છે કારણકે તેની સથે મારો અહંકાર જોડાયેલો હોય છે. એજ રીતે ઈચ્છા અને વાસનાનુ છે. ઈચ્છા વગર માણસની ગતિ અસંભવ છે મને કે તમને સુખની આનંદની, મોક્ષની કે અન્ય કોઈપણ ઈચ્છાજ ન હોય તો તે દિશામા ગતિ શક્ય જ નથી. પરંતુ ઈચ્છા સાથે જો આગ્રહ ભળે તો તે વાસના બની જાય અને તે મને દુખી કરી નાંખે તે નક્કી છે. આવા અનેક શબ્દો છે જેને આપણે ગમેતેમ ફેંકાફેંક કરીએ છીએ. જેમકે મમતા, પ્રેમ, પ્રાણ, જીવ, આત્મા, પરમાત્મા, અહંકાર, ગર્વ, અભિમાન, સુખ, આનંદ અને બીજા અનેક.
  આપ લખો છો અપેક્ષાઓ આપણા સ્વભાવનૂ અવિભાજ્ય અંગ છે, અપેક્ષાઓ એ આપણી સ્વાભાવિક ચિત્તવૃત્તિ છે. આપણો અસલ સ્વભાવ શું છે? તેનો કોઈ અનુભવ છે? કે સામાન્યરીતે જે ચીડીયો, વાતે વાતે ગુસ્સે ભરાતો, દુખમાં અને ભ્રમણામાં જીવતો સુરેશનો સ્વભાવ છે તેને જ મારો સ્વભાવ સમજો છો? જ્યાં સુરેશ નામ જ અસલી નથી તો સ્વભાવ કેમ અસલી હશે? અસલ નામ જ્યા સુધી ન સમજાય ત્યાં સુધી અસલ સ્વભાવ કેમ સમજાશે? અને ચિત્ત શું છે તેની વૃત્તિઓ શું છે તે કેમ સમજાશે? પતંજલી યોગસૂત્રમાં “યોગનો અર્થ “ચિત્તવૃત્તિ નિરોધ” કહ્યો છે. આપણા માટે આ બધા કોરા શબ્દો છે અને આપણે તેને જેમતેમ ફેંકીએ છીએ. આપણે પણ મૂંઝાઈએ છીએ અને બીજા જે સાંભળે, વાંચે તે પણ મુંઝાય છે. છેવટે વાહ વાહ કરી અહમ પોષણની રમતમાં ભાગીદાર બને છે. આ અહમ પોષણ હું પણ સારી રીતે કરી શકું છું પણ મિત્રભાવે અહિત નથી ઈચ્છતો એટલે ટપારી લઊં છું. બાકી તો જેને જે અર્થ કાઢવા હશે તે કાઢવાના જ છે.
  શેષ શુભ.
  પ્રભુશ્રીના આશિષ.
  શરદ.

  • સુરેશ ફેબ્રુવારી 23, 2013 પર 9:02 એ એમ (am)

   આશા અને અપેક્ષા વચ્ચેનો ભેદ આટલો મોટો છે – એ ખબર હવે પડી. ખુબ ખુબ આભાર.
   સ્થાનિક ‘આર્ટ ઓફ લિવિન્ગ’ ના એક વ્યાખ્યાનમાં અંતર યાત્રામાં બહુ જ આગળ વધેલા એક સાધક અને શિક્ષકે શબ્દ વાપર્યા હતા તે…

   ‘Desire’ and ‘Intention’
   આઝાદ બની જવાશે એવી અપેક્ષા ન જ હોય. એ માટે આશય હોય; પ્રયત્ન હોય.
   ————————
   ‘ગદ્યસૂર’ પર કોમેન્ટ આપવાની સવલત ફરીથી શરૂ કરવાનું કારણ આ જ છે – એક આશા કે, આ જણના વિચાર, વિસ્તાર અને વિગતના દોષો પર સુજ્ઞ મિત્રો પ્રકાશ પાડે અને આ શ્રેણીને વધારે ને વધારે ઉપયોગી/ પુષ્ટ બનાવતા જાય.
   ——-
   આમ જ પ્રકાશ પાથરતા રહેજો.

  • hirals ઓક્ટોબર 3, 2015 પર 2:54 પી એમ(pm)

   સરસ સમજ આપી. શબ્દપ્રયોગો વિશેની આપની છણાવટ ઘણી જ ઉપયોગી છે.
   આચાર્ય રત્નસુંદર વિજયજી મ.સા. ના પ્રવચનમાં સાંભળેલું, અપેક્ષા સ્વાભાવિક છે, અપેક્ષાનો આગ્રહ ના હોવો જોઇએ.

 10. rajendrasavant ફેબ્રુવારી 24, 2013 પર 4:34 એ એમ (am)

  સુંદર લેખ! સંત બનવાનું સહજ નથી, પરંતુ સહજ બનવાનું તો સહજ છે. પ્રભુએ બાળકના જન્મ પહેલા જ દૂધની વ્યવસ્થા માતા સ્વરૂપે કરી આપે છે. મન પર આત્મા નો કાબુ થાય તો આશા, તૃષ્ણાઓ નો અંત આવે. જીવન નાવડીમાં તૃષ્ણા અને આસક્તિ રૂપી છિદ્રો પડેલા છે, મન પર કાબુ થાય તો આ છિદ્રો પુરાય અને મન પર કાબુ ત્યારે થાય જયારે મન ભગવદ ભક્તિમાં લાગે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: