સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બની આઝાદ – અપેક્ષાઓમાં બદલાવ

આખી લેખમાળા માટે અહીં ‘ક્લિક’ કરો

ચિત્ત વૃત્તિ વિશે ગંભીર અવલોકન કરી લીધું. હવે આપણે આઝાદ બનવાનો અભ્યાસ આગળ ધપાવીએ…

     અપેક્ષાઓ આપણા બધા દુઃખોના મૂળમાં છે અને અપેક્ષાઓ વિનાનું જીવન લગભગ અશક્ય છે. કેવી વિડંબના? કેવી જેલ? કેવી લાચારી?

    કદાચ કોઇ વીરલાએ બધી અપેક્ષા ત્યાગી હોય છે. ‘એ તો સંત છે.’ – એમ કોઇ કહે તો પણ;  તેવી વ્યક્તિને કો’ક નવા પ્રકારની અપેક્ષા પોતાના જીવન પાસે રહે કે, ‘એવું કાંઇક કરું જેથી મારા બધા બાંધવો પણ અપેક્ષા રહિત થતા જાય!’. એટલે તો ઇસુને શૂળી પર ચઢવું પડ્યું; અને ગાંધીને ગોળી ખાવી પડી. આમ અપેક્ષાઓ તો રહેવાની જ.
(આ લખનાર જણની અપેક્ષા ઊડીને આંખે વળગે એવી જ છે ને?! )

   આપણે જોયું કે, અપેક્ષાઓનો મૂળ સ્રોત છે,’ જિજિવિષા’ – જેમાંથી તે ઉદ્‍ભવે  છે. પણ તેમાંથી નિપજતી આદપેદાશ છે- એક શોધ

જીવનમાં જે ખુટે છે તેની શોધ.
સુખની શોધ.

     આ જ તો જીવનનું પ્રાથમિક ધ્યેય છે. સુખની આ શોધમાંથી જ નવી નવી અપેક્ષાઓ સર્જાતી જાય છે, અને પેલું કાલ્પનિક સુખ આગળ ને આગળ જ હડસેલાતું જાય છે.

    પોતાની પાસે લખોટી નથી અને મિત્ર પાસે છે. એવી લખોટી મેળવવાનું બાળકને ધ્યેય રહે છે. વિદ્યાર્થીને પરીક્ષામાં પહેલા નંબરે પાસ થવાનું સુખ જોઇએ છે. યુવાન કે યુવતિને શરીરના કોષે કોષમાં ઉન્માદ ભરી દે; તેવા સુખની શોધ હોય છે. કાણી કોડી પણ પોતાની પાસે ન હોય તેને સાંજનો રોટલો મળી જાય તે જ સુખની કલ્પના હોય છે. કરોડપતિને અબજપતિ બનવામાં સુખ દેખાય છે. રાજાને ચક્રવર્તિ  થવાના કોડ રહે છે. કોઇ સંતને યુગપરિવર્તક થવાની અભિલાષા છે.

   પ્રાપ્તિ…પ્રાપ્તિ…પ્રાપ્તિ…

   અને જેવા આ કોડ પુરા થયા; કે પાછું કાંઇક ફરી ખૂટતું લાગે છે.

 • ફરી ‘તે’ નવા કાલ્પનિક સુખની પરિકલ્પના
 • નવી શોધ
 • નવી અપેક્ષાઓ
 • નવા સંઘર્ષો
 • નવી વ્યથાઓ

    બસ આ જ ચક્કર,  જે જીવનભર આપણને દોડતા રાખે છે. એ ઝાંઝવાના જળ પર કેટલી ય કવિતાઓ રચાઇ અને રચાશે.

       જો કે, એ કદી ન ભૂલાય કે વિકાસ અને નવસર્જન માટે ચીલાચાલુ, વર્તમાન પરિસ્થિતી અંગે અસંતોષ બહુ જ જરૂરી છે. 

        ‘જે છે, તે બરાબર છે.’- એ મનોવૃત્તિ સ્થગિતતા જ સર્જે – બેશક.

       અને એ પાયાની હકિકત છે કે,

“આ જ તો જીવન છે. તેમાં ખોટું શું છે?”

      સાવ સાચી વાત.

     પણ સામાન્ય અનુભવ કહે છે કે,  વિકાસની અને પ્રાપ્તિની આ દોડની ઉપ પેદાશ ‘તાણ’ છે. અસંતોષની આગ શાતા તો શી રીતે આપી શકે? બધું બરાબર હોવા છતાં કશુંક ખુટે છે. સત્તા અને સમૃદ્ધિના શિખરે બેસેલ ચક્રવર્તિને પણ પોતાનું સામ્રાજ્ય હજુ વધારે દૂરની ક્ષિતીજોને આંબે એવા ઓરતા હોય છે. વૈરાગ્ય અને રાગ દ્વેષથી વિમુક્ત થવાનો શાણો ઉપદેશ આપતા ધર્મોપદેશકને પોતાના અનુયાયીઓની ફોજ હજારોમાંથી લાખો કરવાની મહત્વાકાંક્ષા હોય છે.

   કોઈને અંતરે જંપ નથી … નથી … ને  નથી  … હમેશ માટે કશાકનો ખાલીપો. આ જોઈએ અને પેલું જોઈએ…

   બસ એ ખુટતું મેળવવા માટે જ તો આ બધો વાર્તાલાપ છે!

      વાત સાવ સાદી છે. ‘તે’ સુખ જ્યાં સુધી ‘તે’ રહે છે; ત્યાં સુધી જ આ ખાલીપો છે.
“જે છે તે જ ‘તે’ છે.” , એવો ભાવ આવે એટલે ખાલીપો ખતમ!

         જે છે તે આ છે. ભલે નવી ઉપલબ્ધિની દોડ જારી રહે !

        એ ફુલ હોય કે કાંટા. તેમાંથી જ આપણે ગજરો બનાવવાનો છે. આ ગજરો બનાવતાં આવડ્યો એટલે બધી વ્યથાઓનો અંત. આ ક્ષણમાં જીવ્યા તો જીવ્યા;  નહીં તો આપણામાં અને મડદામાં કોઇ ફરક નહીં.

    જે ફૂલ છે તેમાંથી ગજરો બનાવવાની કળા આવડી; એટલે આપણે આઝાદ થઇ ગયા. અને એક વાર આઝાદ થયા એટલે બધી વિટંબણાઓને હડસેલીને મુક્ત ગગનમાં વિહાર. અપેક્ષાઓનું ઉર્ધ્વીકરણ –

 • સુખ નહીં પણ આનંદની શોધ
 • આનંદમાંથી પ્રગટે ચૈતન્ય
 • ચૈતન્ય આવે એટલે સત્ય સમજાય
 • અને ત્યારે થાય પરમ તત્વની અનુભૂતિ

‘આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી’નું રસ દર્શન અહીં વાંચો…

      જેમ જેમ ‘અંતરની વાણી’ને સાંભળતા થઇએ, તેમ તેમ જીવનનાં પડળો ભેદાવા માંડે. ઝાંઝવાનાં જળની પાછળ દોડવાને બદલે  ખબર પડે, કે આપણી અંદર જ નિર્મળ જળની ગંગા વહે છે. આપણે જે કાંઇ પણ કરીએ તેમાં કોઇ તાત્વિક ફેર ન પડ્યો હોય, છતાં ય બધુ જ બદલાઇ જાય.

ધ્યેય પણ રહે.
એ માટેનું આયોજન પણ રહે.
એ માટે સતત, વણથંભ્યો પ્રયત્ન પણ રહે.

– બધું છે એમનું એમ જ. 

     પણ….

     અપેક્ષાઓ જાય નહીં પણ બદલાય, પેલી ચિરંતન શોધ તો રહે, પણ તેની દીશા બદલાય. લેવાની નહીં, વ્હેંચવાની ઇચ્છા થવા માંડે. ગજરો જરૂર બનાવતા જ રહીએ; પણ એનો આનંદ બધાંને વ્હેંચવા માટે. સંત ભલે ના થઇએ, પણ નરસૈંયાના ‘વૈષ્ણવજન’ થવા માંડીએ.

      આ ક્ષણે ‘મરીઝ’  યાદ આવી ગયા

‘જીવન કે મરણ હો! એ બન્ને સ્થિતીમાં,
‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે;
જીવન તો ગયું છે સહારે સહારે.’
– મરીઝ 

       આમાં જે લાચારી કહી છે – તે આપણી લાચારીનું વર્ણન તો છે જ; પણ એનું  બેમિસાલ ઉર્ધ્વીકરણ છે. ‘હુ’, ‘મારું’ નો આપણો સતત આંતરિક સંવાદ અહીં સાવ અલગ જ વળાંક લે છે. આપણું સમસ્ત અસ્તિત્વ – જીવનથી મરણ લગ; સમાજના આધારે છે; એ કૃતજ્ઞતાનો ભાવ આવવા લાગે. અને જેમ જેમ આ ભાવ પ્રદિપ્ત બનતો જાય,  તેમ તેમ આપણું સમગ્ર કાર્યક્ષેત્ર પ્રાપ્તિ માટે નહીં પણ પ્રદાન માટે સમર્પિત થઈ જાય. સમગ્ર જીવન એક યજ્ઞ –  ધ્યેય, આયોજન, પ્રવૃત્તિ, સંઘર્ષ ….સઘળું અન્યને માટે..

હું કાંઈ નથી.
મારું કશું જ નથી.
મારે કાંઈ જોઈતું નથી.

આપણને જન્મ આપનાર આપણી ‘મા’ ની જેમ

‘ तेरा तुझको अर्पण, हे मां !’

    ‘બધું મારે જોઈએ’ ના સ્થાને  ‘ગમતાંનો ગુલાલ’ કરવા માંડીએ.

———————–

– વધુ આવતા અંકે ….

5 responses to “બની આઝાદ – અપેક્ષાઓમાં બદલાવ

 1. Dhwani joshi ઓગસ્ટ 14, 2008 પર 2:08 એ એમ (am)

  દાદા,

  સાવ સાચી વાત કહી આપે… પણ જો અપેક્ષા હકારાત્મક હોય તો કદાચ ઘણી સમસ્યા નું સમાધાન થઈ જાય..!! અને ગમે તેટલું કરો, પણ એના વિના જીવન શક્ય ખરું..!!

  ” જે છે તેમાંથી ગજરો બનાવવાની કળા આવડી; એટલે આપણે આઝાદ થઇ ગયા. અને એક વાર આઝાદ થયા એટલે બધી વીટંબણાઓને હડસેલીને મુક્ત ગગનમાં વીહાર. ”

  આમાં પણ એક અપેક્ષા છે જ ને..!! હંમેશા આઝાદ બની રહેવાની અપેક્ષા..!! કેમકે, મારા મતે, એક વાર આઝાદ બન્યા પછી , સાચા અર્થ માં આઝાદી ટકાવી રાખવી જરા વધુ જવાબદારી વાળું કામ છે..! વાત આપણા જ દેશ ની લઈ લો ને..!! એક વાર આઝાદ થયા પછી પણ, શું આજે આપણે ખરેખર આઝાદ ખરા..??

  ” જેમ જેમ ‘અંતરની વાણી’ને સાંભળતા થઇએ, તેમ તેમ જીવનનાં પડળો ભેદાવા માંડે. ઝાંઝવાનાં જળની પાછળ દોડવાને બદલે ખબર પડે, કે આપણી અંદર જ નીર્મળ જળની ગંગા વહે છે. આપણે જે કાંઇ પણ કરીએ તેમાં કોઇ તાત્વીક ફેર ન પડ્યો હોય, છતાં ય બધુ બદલાઇ જાય.” આ વાત જો આપણ ને બધા ને સમજાઈ જાય તો પણ ઘણું..

 2. ગાંડાભાઈ વલ્લભ ઓગસ્ટ 15, 2008 પર 5:43 પી એમ(pm)

  “આનંદમાંથી પ્રગટે ચૈતન્ય.” એનો અર્થ એ થાય કે જ્યાં સુધી આનંદની પ્રાપ્તી નથી થઈ ત્યાં સુધી ચૈતન્ય નથી? તો ચૈતન્યનો તમે શો અર્થ કરો છો? કે પછી આનંદ શબ્દનો કોઈ જુદો અર્થ છે?

  જો કે મને એવી કોઈ પ્રતીતી નથી થઈ પણ જે અનાદી, અનંત, સતત વીસ્તરતું બ્રહ્માંડ છે(વીજ્ઞાન જો કે કદાચ એને અનાદી નથી કહેતું, મને ચોક્કસ ખબર નથી)તેની જેમ જ ચૈતન્ય પણ છે-અનાદી, અનંત, સતત વીસ્તરતું. આ ચૈતન્ય માત્ર મનુષ્યમાં જ હોય છે એવું થોડું જ છે? સીવાય કે ચૈતન્યનો તમે કોઈ જુદો અર્થ કરતા હો તો.

  દેહમાંથી ચૈતન્ય અદૃશ્ય થાય છે કે તરત જ દેહ દેહ તરીકે મટી જાય છે, આપણે એને મડદું કહીએ છીએ.

  આથી “આનંદમાંથી પ્રગટે ચૈતન્ય.” આ વીચાર મારી સમજમાં આવતો નથી. કદાચ તમે આનંદ અને ચૈતન્ય આ શબ્દો કોઈ જુદા અર્થમાં વાપર્યા હોય, જેની મને ખબર ન હશે.

 3. અક્ષયપાત્ર સપ્ટેમ્બર 24, 2009 પર 7:53 પી એમ(pm)

  હું માનુ છું કે સુખ તો અંદરથી આપોઆપ પ્રગટે છે. ખોટી જીવનશૈલીથી આપણે તેને કચડીને પછી બહાર શોધતા થઈ જઈએ છીએ. આઝાદી મેળવવાના પ્રયત્નમાં કેટલીકવાર પારસ્પારિક સંબંધોનું મૂલ્ય ઘટી જતુ હોય છે અને સંબંધોની નાજુક દોરી તૂટી પણ જતી હોય છે. જ્યાં બંધન આવશ્યક છે. ત્યાં બંધન ન સ્વીકારનાર આઝાદીના સુખની ઝંખનામાં સંબંધો તોડી વધુ દુ:ખ તરફ ધકેલાતા હોય છે અને મુક્તિ જે મનનો ભાવ છે તે તો દૂર જ રહે છે. સુખની શોધમાં મન ન ભટકે અને અંદરથી સુખનું ઝરણુ સતત વહેતુ રહે તે જ મુક્તિ. અંદરથી સુખનું ઝરણુ વહેતુ રહે તે માટે પધ્ધતિસરની તપશ્ચર્યાને આપણા શાત્રોએ ખુબ સારી રીતે વર્ણવી છે જે કદાચ બીજા કોઈ ધર્મમાં નહી હોય. આહાર – વિહાર અને કર્મની શુધ્ધિ વગર યોગની ધારી અસર ક્યાંથી થાય ? અસ્તિત્વ ટકાવી રાખવા આહાર,નિન્દ્રા,ભય અને મૈથુન આ ચાર કુદરતી અને જરૂરી પરિબળો છે. અને આપણે માણસ જાત સતત ભયમાંથી મુક્તિ મેળવવા માટેના પ્રયત્નમાં આહાર અને નિદ્રા અને મૈથુનનો વધુ પડતો ત્યાગ અથવા ભોગ કરીએ છીએ અને પછી એ કારણે ઉદભવતા દુ:ખમાંથી છૂટવા ફાંફા મારીએ છીએ જેને આપણે મુક્તિ માટેના પ્રયત્નમાં ખપાવીએ છીએ. આપણે જ ઊભા કરેલા દુ:ખમાંથી છૂટવુ એ કંઈ મુક્તિ તો ન કહી શકાય. અંદરથી વહેતુ સુખનું ઝરણુ ન સૂકાય એ જ મુક્તિ ! સુખ માટે અન્ય પર અવલંબન રાખવુ તે બંધન. આપણુ સુખ પૈસા પર વધુ પડતુ અવલંબિત છે એટલે મુક્તિ માટે આ અવલંબનને પ્રથમ દૂર કરવું પડે. પૈસા જરૂરી છે તેની ના નહી પણ તેનો સંચય જરૂરી નથી. આ અવલંબન છે. કાલે શું ? ની ફિકર સાથે મુક્તિની આશા વ્યર્થ છે. કાલની ખબર હોય તો પણ આપણે શા ફેરફારો કરીએ છીએ કે જેથી કાલ ઊજળી થાય ? જેના પર જીવના અસ્તિત્વનો આધાર છે તે પ્રુથ્વી માતા આપણે જ કારણે વિનાશના માર્ગે છે. આપણે શું કરીએ છીએ તે માટે ? દરેક માને છે કે પહેલાં બીજાએ ફેરફાર કરવો જોઈએ. ફકત એક પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થાય તો પણ પૃથ્વીને કેટલો ફાયદો થાય ? મુક્તિની મોટી મોટી વાતો કરનારા પણ સરળતા માટેના આવા નાના અવલંબનોમાંથી છૂટતા નથી અને જેનો ખોળો ખુંદીએ છીએ તે પ્રુથ્વી માતા પર આપણે બોજ બનતા રહીએ છીએ. એ જ રીતે આપણી જન્મદાતા મા પર આપણે બોજ જ છીએ જો તેના સુખને ભોગે આપણે સુખી હોઈએ તો. માફ કરજો સુરેશભાઈ, પેન અટકી જ નહી અને લાંબુ લખાઈ ગયુ. કોઈ ઉપદેશનો હેતુ નથી એ આપને તો ખબર છે જ.

 4. nabhakashdeep ફેબ્રુવારી 27, 2013 પર 1:49 પી એમ(pm)

  જેમ જેમ ‘અંતરની વાણી’ને સાંભળતા થઇએ, તેમ તેમ જીવનનાં પડળો ભેદાવા માંડે. ઝાંઝવાનાં જળની પાછળ દોડવાને બદલે ખબર પડે, કે આપણી અંદર જ નિર્મળ જળની ગંગા વહે છે. આપણે જે કાંઇ પણ કરીએ તેમાં કોઇ તાત્વિક ફેર ન પડ્યો હોય, છતાં ય બધુ જ બદલાઇ જાય.
  …….સંસાર ને આપણે..અનેક નિમિત્તો સાથે રમણ કરીએ છીએ. સમય અને સંજોગો એક અપેક્ષાનું સ્વપ્ન ધરે.

  માણસને જે અદભૂત શક્તિઓ મળી છે..તે સમતોલ કરી શકે એટલો જ એ સુખી થઈ શકે.આપના વિચારો

  દાર્શનિક છે..અનુભવની આંખે વાંચી તેને આલેખ્યું છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 5. aataawaani ફેબ્રુવારી 27, 2013 પર 6:09 પી એમ(pm)

  મેં થોડું લખ્યું ,પણ પોસ્ટીંગ નો થઇ શક્યું અને લખાણ આવ્યું કે આમ કરો તેમ કરો। 

    Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

  ________________________________

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: