સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બની આઝાદ – પ્રેમ

આખી લેખમાળા માટે અહીં ‘ક્લિક’ કરો

હું કાંઈ નથી.
મારું કશું જ નથી.
મારે કાંઈ જોઈતું નથી.

         આમ કહેવું સહેલું છે. અમલમાં મૂકવું કેટલું કઠણ છે – એની કોઈ ચર્ચા જરૂરી છે?!

       આ તો આપણી જીવન નૌકાને સાવ અવળી દિશામાં ફેરવી નાંખવા જેવી વાત છે – એ અસ્વાભાવિક છે. જીવન અને જિજિવિષાનો મૂળ  પાયો જ નકર્યો સ્વાર્થ છે; ત્યાં આમ શી રીતે બનવાનું?

જીવનના પાયાની વિજ્ઞાન આધારિત એક કલ્પના ‘ ઘાસ’ અહીં વાંચો.

       આમ પહેલી નજરે જરૂર એમ લાગે કે, પોતાની જાતને શૂન્ય માનવાની આ વાત અસંભવ છે. આ સ્વાર્થભાવે કરીને જ તો માનવજાતે અભુતપૂર્વ પ્રગતિ  સાધી છે ને? એને પાછી પથ્થરયુગમાં ધકેલી દેવાની? સુખ સગવડોને ત્યજી દેવાનાં?

     ના! એ તો કદી બનવાનું જ નથી.  નેટનું અને આ બ્લોગ બનાવવાનું આધુનિક સાધન છે – તો આ લેખ પણ ક્ષણ ભરમાં જગપ્રસિદ્ધ કરી શકાય છે ને?!

     પણ એ હકીકત પણ એટલી જ સાચી છે કે, પ્રગતિની સાથે સ્વલક્ષિતા બે’લગામ વધતી જાય છે. આગળ વધવાની મૂષકદોડમાં સામાજિક સાહચર્યનાં મૂલ્યો દિન પ્રતિદિન ધોવાતાં જાય છે. આજે વિશ્વ એક મોટા ગામડા જેવું બની ગયું છે – પણ અંતર અંતર વચ્ચે અંતર વધતું જ જાય છે. પ્રવર્તમાન હિંસા, ભ્રષ્ટાચાર, તળિયે બેસી ગયેલી સંવેદનશીલતા, ગરીબ અને તવંગર વચ્ચે વધતી જતી ખાઈ, નૈતિક અધઃ પતન, સામાન્ય માણસના જીવનમાં તાણ અને તીવ્ર અસંતોષ  વિ. આ વિનિપાતની સાક્ષી પૂરે છે.

       કોઈ જ અપેક્ષા ન હોય એવી સ્થિતી અને કદી ન સંતોષાય એવી અપેક્ષાઓથી બળબળતો આ જ્વાળામુખી – એ બેની વચ્ચે ક્યાં કશોય સ્નાન સૂતકનો સંબંધ હોઈ શકે?

      સૌના અંતરે એ વ્યથા તો છે જ કે, આ ઊંડી ખાઈમાંથી કોઈ ઉગાર જ નથી?

આ પ્રયત્ન એ જ્વાળામુખીને શમાવવાનો છે.

    આ પ્રક્રિયા રાતોરાત નથી થવાની. એ સમગ્ર માનવ જાતિમાં પ્રસરશે એ કદાચ આજની તારીખમાં એક દિવાસ્વપ્ન છે.

    પણ એની શરૂઆત આપણી અંદર એક દીપ પ્રગટાવવાથી જ થઈ શકશે. બધા બધે રાતોરાત ફેરવાઈ જશે; એવી કોઈ અપેક્ષા વિના આપણે આપણાથી તેની શરૂઆત કરી શકીએ. અને એ પણ કાંઈ રાતોરાત કે આ લેખ શ્રેણી વાંચવા માત્રથી બનવાનું નથી જ. એને માટે પ્રયત્નો કરવા પડશે –

 • સતત
 • અટક્યા વિના
 • સભાન રીતે
 • પ્રેમથી

       આ બહુ મુશ્કેલ તો છે જ; પણ અનુભવના આધારે મને કહેવા દો કે, આપણી અંદર આપણે એક નવી જાગૃતિનું બીજ રોપવા માટે

જરૂર સક્ષમ છીએ…
છીએ…
અને
છીએ જ. 

       જાતથી ખાલી થવાની શરૂઆત કરીએ; અને સામેની દિવાલ પર લખી રાખીએ કે, એ ખાલી થયેલો ઘડો કદી ખાલી ન થાય એવા આનંદ અને શાંતિથી ભરાઈ જ જશે.

——————–

      આમ  દિશા બદલાય તો બધું બદલાય તે તો જાણે સમજ્યા. ઉત્તરમાં જવું હોય તો ઉત્તર દિશા તરફ જ મોં રાખીને ચાલવાનું; અને દક્ષિણમાં જવું હોય તો દક્ષિણ તરફ જ.

    પણ આ માટે આપણી પાસે કોઇ જન્મજાત તાકાત  છે કે, માત્ર અસહાયતા અને લાચારી જ છે?

     જે પરમ તત્વે આપણને  જિજિવિષા, અપેક્ષા અને સુખની શોધની વૃત્તિ આપ્યાં છે, તેણે આપણને એક મહામુલી મૂડી પણ આપી છે –  અને તે છે …..

”  પ્રેમ

       જીવની ઉત્પત્તિ  થાય તેવી પ્રવૃત્તિ  કરવા સ્ત્રી અને પુરુષને જે અરસ્પર આકર્ષણ મળ્યું છે; તેને  જ  આપણે પ્રેમ ગણીને, પ્રેમને બહુ સંકુચિત બનાવી દીધો છે. પ્રેમ છે તો જીવન છે. આપણી કેટલી બધી પ્રવૃત્તિઓમાં પ્રેમ વણાયેલો છે? મને આ ભાવે છે, મને આ ગમે છે, આ બધું પ્રેમની બહારની અભિવ્યક્તિ છે. જે કોઇ નવાં સર્જનો થાય છે, તે સૌ ઊંડા પ્રેમમાં ખુંપી ગયેલા માનવોના સર્જનો છે. કોઇ નવી શોધ, કોઇ નવો રસ્તો, કોઇ નવી કલાકૃતિ  કે નવી કવિતા એ પ્રેમના મૂળ સંવેદનમાંથી જ નીપજે છે. આ બધી વસ્તુ બનાવવાનાં કારખાનાં નથી હોતા!

     માટે જો આપણે પેલી મૂષક દોડમાંથી બહાર નીકળવું હોય; તો પ્રેમની આ જન્મજાત વૃત્તિની માવજત કરવાનું શીખવું પડશે. રમતમાં ગુલતાન થયેલા બાળકની મસ્તી આપણા જીવન વ્યવહારમાં પાછી લાવવી પડશે. ઘરેડમાં પડેલા જીવનના ગાડાને ચાસમાંથી કાઢીને, પ્રેમના રાજમાર્ગ પર મુકવું પડશે. દરરોજ થોડોક સમય આપણે આ  સિંચનમાં ગાળતા થઇશું, તો જ એ છોડમાં નવી કૂંપળો ફુટશે. જીવનની સમગ્ર પ્રવૃત્તિ માત્ર પ્રેમના આધાર પર જ થાય તેવો પ્રયત્ન કરવો પડશે.

       રાગ અને દ્વેષથી મુક્ત થવાની બહુ સલાહો આપણને આપવામાં આવી છે. પણ એ તો ફળના ત્યાગ  માટે જ કહેવામાં આવ્યું હતું. પ્રવૃત્તિ માટે નહીં. કલ્યાણકારી અને હકારાત્મક પ્રવૃત્તિ  માટે રાગ અને ખરાબ અને નકારાત્મક પ્રવૃત્તિ  માટે દ્વેષ બહુ જ જરુરી છે! કશી અપેક્ષા ન રહે , એવી સ્થિતી પ્રાપ્ત કરવાની અપેક્ષા જરૂર જરૂરી છે !

       એટલે જેમ આપણે ‘આઝાદ’ બનવાના કવિ શ્રી. રજની પાલનપુરીના આ શેરને આટલો લાંબો ચલાવ્યો; તેમ જ તેમનો એક  બીજો શેર પણ સમજતા થઇએ  –

” પ્રણય પંથે જનારો સિધ્ધિની પરવા નથી કરતો,
ફના થઇ જાય છે, કિંતુ કદમ પાછા નથી વળતો.”

– રજની પાલનપુરી

        આવી પ્રેમમાં ફના થઇ જવાની તૈયારી – એ આઝાદ થવાનું પ્રથમ પગથિયું છે. હરેક ક્ષણમાં જીવાતા જીવન સાથે પ્રેમ.

        જે કાંઈ કરીએ તે પ્રેમસભર બનીને કરીએ. એનું ફળ મળે કે ન મળે. હર ક્ષણ, હરેક કાર્ય પ્રેમથી વિભોર બનીને કરતા થઈએ. પાગલ પ્રેમીની જેમ. એ શરાબના નશામાં તરબોળ બનીને. કોઈ તેની કદર કરે કે ન કરે. તેનો કોઈ ફાયદો મળે કે ન મળે. ધ્યેય જરુર રાખીએ, પણ પ્રેમ તો માર્ગના પ્રત્યેક પથ્થર સાથે; રસ્તે પથરાયેલ ઘાસના દરેક તણખલાં સાથે રાખીએ  –  ધ્યેય સિધ્ધ થાય કે ન થાય તો પણ રાખીએ.

સતત અસંતોષ …
સતત રાગ …
સતત અપેક્ષા..
સતત શોધ…
સતત એ પાગલપન…

     અને લખી લો …..

માત્ર પાગલ માણસ જ ખરેખર આઝાદ હોય છે.
ક્ષણમાં જીવવાના પ્રેમમાં પાગલ બન્યા –
આઝાદ બની ગયા.

—————————————–

– વધુ આવતા અંકે 

Advertisements

8 responses to “બની આઝાદ – પ્રેમ

 1. Sharad Shah માર્ચ 1, 2013 પર 2:11 એ એમ (am)

  મારા ગુરુ કહેતા,” આપણે તે જ વહેંચી શકીયે જે આપણી પાસે છે, અન્યથા નહી” આ અફર નિયમ છે.
  આપણે સ્વંયમ પ્રેમ, કરુણા, સેવા, સુમિરન, આનંદથી ભરેલા હોઈએ તો તે વહેંચી શકીયે છીએ અને આપણે દુખથી, પીડાથી, અણસમજોથી, વહેમોથી, વૈમન્સ્યથી, જડતાઓથી ભરેલાં હોઈએ ત્યારે તે જ વહેંચી શકીએ છીએ.
  આપણે શેનાથી ભરેલાં છે તે વહેંચતા પહેલાં પ્રમાણિકતાપૂર્વક તપાસી લેવું જોઈએ નહીતર અજાણ્યે બેહોશીમાં આપણે દુખ વહએચીએ છીએ અને જ્યારે પરિણામો સામે આવે ત્યારે થાય છે કે અરે! મેં તો હંમેશા સુખ વહેંચવા જ પ્રયત્નો કરેલાં અને પ્રતિભાવમાં આ દુખો ક્યાંથી આવી ટપક્યાં? અને આપણે બીજાને દોષી ઠેરવતા થઈ જઈએ છીએ.

 2. Sharad Shah માર્ચ 1, 2013 પર 10:57 એ એમ (am)

  માનવ દેહ ધારણ કરે છે, પરંતુ અગાઊની યાત્રા પશુની છે તેથી પશુના બધા લક્ષણો લઈને જન્મે છે. ફરક પશુમાં અને માનવમાં એટલો જ છે કે હવે તેની પાસે મન છે જે પશુ પાસે નથી.અને આ મન તેના માટૅ પરમાત્મા તરફની (કે પ્રેમતરફની) યાત્રા માટે દ્વાર ખોલી શકે છે. મન તેની કુંચી છે, પણ તેને વાપરતા આવડવું જોઈએ નહીતો બે કોડીનું છે અને મોટાભાગે ભટકાવી નાંખે છે. સ્વાધ્યાય કહો કે ધ્યાન કહો કે અધ્યાત્મ કહો તે બધું આ કુંચી નો કેમ સદઉપયોગ કરવો તે શિખવે છે. જેને આપણે પ્રેમ સમજીએ છીએ તે પશુના લેવલનો પ્રેમ છે કારણકે આપણું પણ એજ લેવલ છે. પણ સ્વિકાર નથી. ખરેખર આ માટૅ નો યોગ્ય શબ્દ છે “મમતા” જે “મમત” માંથી બન્યો હશે. જેમાં હું ની કે મારા પણાનો ભાવ છે. માની મમતા જેને આપણે શિખરે બેસાડેલી છે તે પણ બાળકને ત્યારે જ પ્રેમ કરે છે જો તે તેનું પોતાનુ હોય. પારકા બાળકો માટે મા ની મમતા ઉભરાતી નથી. જ્યારે પ્રેમ શબ્દ નો ઊપયોગ સતગુરુઓએ કર્યો ત્યારે તે એવા પ્રેમની વાત કરે છે જે સુંગંધની માફક વહે છે અને સામે કોઈપણ ભેદ વગર પ્રસરાય છે. જેનો આપણને કોઈ અનુભવ નથી પણ આપણે સદગુરુઓના શબ્દોએ શુરા બની જઈએ છીએ અને પછી આ શબ્દોને ગમેતેમ ફેંકાફેંક કરીએ છીએ. “હું મારી કારને બેહદ પ્રેમ કરું છું “

 3. pravinshastri માર્ચ 1, 2013 પર 1:16 પી એમ(pm)

  માત્ર વાત જ નહીં પણ ઉપરોક્ત મંત્વ્ય પણ ખૂબ સરસ.
  પ્રવીણ શાસ્ત્રી.

 4. nabhakashdeep માર્ચ 1, 2013 પર 7:36 પી એમ(pm)

  શ્રી સુરેશભાઈ અને શ્રી શરદભાઈ એ તેમના વર્ષોની જીવન સાધના પ્રેમે કરીને પ્રસરાવી છે. આ જગ પ્રેમમય છે અને તેની જ સુગંધ વિધવિધ રૂપે

  પ્રસરેલી છે. સુખ સગવડો સાથે , સંવેદનાઓ ઓછી થતી જાય છે અને તેનો અજંપો આજે વર્તાઈ રહ્યો છે. પ્રેમની ઊંચાઈ ગગન જેવી છે , જ્યાં ઉન્નત ભાવો જ વસેછે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 5. aataawaani માર્ચ 1, 2013 પર 10:04 પી એમ(pm)

  વાંચવાની ખુબ મજા આવતી જાય છે .

 6. Vinod R. Patel માર્ચ 3, 2013 પર 4:50 પી એમ(pm)

  અઢી અક્ષરનો શબ્દ પ્રેમ એ વ્યાખ્યામાં કેદ ન થઇ શકે એવો છે .

  પ્રેમ અનુભુતી કરવાનો વિષય છે .મીરાની કૃષ્ણ ભક્તિ પ્રેમલક્ષણા ભક્તિ કહેવાઈ .

  મીરાં કૃષ્ણ પ્રેમમાં બધું ભૂલી ગઈ હતી .

 7. aataawaani નવેમ્બર 2, 2013 પર 8:21 પી એમ(pm)

  વો ઈશ્ક ક્યાં ઇનસાન કો પામાલ ના કરે બરબાદ કરે ઓર મુસી બતમેં ન ડાલે
  પ્રેમના પરાગ વદ હેઠ કૈક પ્રીતાલું પોઢી ગયા કૈક રોતલ રડતા ર્યા ભૂંડે મોઢે ભૂધરા

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: