આખી લેખમાળા માટે અહીં ‘ક્લિક’ કરો
વર્તમાનમાં જીવવાની શરૂઆત કરવા મળેલ એક પગથીયું છે – હોબી. અને કદાચ આ બહુ જ સરળ પગથીયું પણ છે. આ પછી આવનાર પગથીયાં ઘણું બધું અનુશાસન માંગી લેશે; પણ આ તો મનભાવન રમત રમવાની વાત છે.
આપણે નાના બાળ હતા; ત્યારે આ રીત આપણને સૌને આત્મસાત્ જ હતી. કોઈ પણ ચીજને આપણે કાર માની લઈને પૂરપાટ ચલાવી શકતા અથવા પ્લેન માની લઈને ઊડાવી શકતા. ગોઠિયાઓ સાથે અવનવી રમતો રમવામાં કલાકોના કલાકો પસાર કરી દેતા – કોઈ જાતના કંટાળા વિના.
પણ ઉમ્મર વધતાં વધી ગયેલા બોજાઓએ એ રમતો આપણી પાસેથી ખુંચવી લીધી. અલબત્ત આપણે એ બાળસુલભ પ્રગલ્ભતાથી કે, એ ઉમ્મરની તાકાતથી ન રમી શકીએ. મોટે ભાગે તો એવી રમતોમાં હવે આપણને રસ પણ ન પડે.
પણ એવી ઘણી ચીજો હશે કે, જે આપણા રસની હોય. બાળક સાથે રમીએ; વાસણ માંજવામાં થોડી મદદ કરીએ; કોઇ ચિત્ર દોરીએ; કવિતા લખીએ; ભજન, સ્તુતિ, જાપ કે ધ્યાન કરવાં હોય તો તેમ પણ કરીએ,સુડોકુ ની રમત રમીએ, ઓરીગામીના મોડલ બનાવતાં શીખીએ, ટેન્ગ્રામના ટૂકડાઓ જોડી અવનવા આકારો બનાવીએ. – આપણી ચિત્તવૃત્તિને જે અનુકુળ આવે તેમ કરીએ.
આવો કશો શોખ ન હોય તો સભાન પ્રયત્નોથી નવો કોઈક શોખ કેળવીએ. અસંખ્ય શક્યતાઓ મોજૂદ છે જ.
થોડાક આઈડિયા અહીંથી મેળવી શકાય…
યાદ એ રહે કે, આમાં ક્યાંય, થોડોક પણ જશ ખાટવાની, લાભ કે વાહ વાહ મેળવવાની કામના ન હોવી જોઈએ. કેવળ બે ઘડી મોજ માણવાનો અને માત્ર જાત સાથે જીવવાનો -નિર્ભેળ આનંદ માણવાનો જ ઉદ્દેશ. અને એ પણ રોજ પંદર મિનીટ કે કલાક માટે જ.
માત્ર સમયનો એટલો ટૂકડો જ
આપણી જાતને બોનસ આપવાનો !
પહેલી નજરે એમ લાગે કે, આને અને અંતર યાત્રાને શું સંબંધ?
સાવ સીધી અને શીરાની જેમ ગળે ઊતરી જાય એવી વાત છે.
આપણી મોટા ભાગની પ્રવૃત્તિઓ કાંઇક મેળવવા માટે હોય છે. ધન, પદ, પ્રતિષ્ઠા, માન વિ. આ બ્લોગ જગતના મોટા ભાગના પ્રયત્નો જ જુઓ ને – આપણી માન્યતાઓ અને વિચારોને બહારથી માન્યતા મળે તો કેવું મીઠું મધ જેવું લાગે છે? આ લખનારની પણ એ જ માનસિક સ્થિતિ હતી. હોબી જ્યારે ઉપર બતાવેલી રીતે કરવામાં આવે; ત્યારે એ કેવળ જાત માટેનો પહેલો પ્રયત્ન બની રહે છે. જાત સાથે રહેવાનો સૌથી સરળ પ્રયોગ – મનગમતા વિષયમાં કામ કરવાની મજાની શરૂઆત. અને માટે જ આ પગલાંને આ શ્રેણીમાં સૌથી પહેલું રાખ્યું છે.
બીજી વાત એ છે કે, કોઈ પણ હોબી હોય, એમાં મનની એકાગ્રતા બહુ જરૂરી હોય છે. મનને એકાગ્ર કરવાનું, થોડાક સમય માટે પણ વિચારોનાં ધાડાંઓને દૂર રાખવાનું આ બહ જ સરળ સાધન છે – મનગમતું હોવાના કારણે જ તો !
જો કોઈને ‘ ઓરીગામી’ હોબીનું કામ શરૂ કરવાનું મન થાય તો બંદા મદદ કરવા હાજર છે. આના સળ બરાબર ધ્યાનથી ન પાડીએ તો, મોડલ બરાબર ન બને.
જુઓ…
મનને અને આંગળીઓને
કામે વળગાડીને
કેવો સરસ મજાનો મહેલ
બનાવી દીધો? !

બીજી કોઈ હોબી શરૂ કરવી હોય તો, તેની તાલીમ જાણકાર પાસેથી લઈ લેવી.
પણ…
એ વાત કદી ન ભૂલાય કે, આઝાદ બનવાના પ્રત્યેક પગથિયાની એક માત્ર પૂર્વ શરત એ છે કે,
હું કાંઈ નથી.
મારું કશું નથી.
મારે કશું જોઈતું નથી.
મોક્ષ પણ નહીં !
————————
વધુ આવતા અંકે….
Like this:
Like Loading...
Related
Pingback: સ્વચ્છતા અભિયાન – એક અવલોકન | સૂરસાધના