સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બની આઝાદ – સેવા

આખી લેખમાળા માટે અહીં ‘ક્લિક’ કરો     

અત્યાર સુધીના બધા પ્રકરણોમાં માણસની પાયાની વૃત્તિ – જિજીવિષા લક્ષ્યમાં હતી. જાતની ઉન્નતિ, જાતની સાથે જીવવું, જાતની જાગૃતિ.

કદાચ…. થતો હોય તો ……

જાતનો મોક્ષ!

સાદા શબ્દોમાં કહીએ તો

સ્વાર્થ!
નકર્યો સ્વાર્થ!

        પણ માનવ મનની બીજી બે પાયાની વૃત્તિઓ છે – પ્રેમ અને કરૂણા. એ જાતની બહાર માનવ જીવને લઈ જઈ શકે છે. કશાય અંગત સ્વાર્થ વિના, પોતાને માટે કશુંય પ્રાપ્ત કરવાની આકાંક્ષા વિના, અન્યને મદદ કરવાની વૃત્તિ પ્રત્યેક માનવમાં વત્તા ઓછા પ્રમાણમાં હોય જ છે.

    બહુ સંકુચિત રીતે તે मामकाः માટે અભિવ્યક્ત થાય છે – મામકા માટેની એ મમતા સૌથી શ્રેષ્ઠ રીતે એક માતાના મનોજગતમાં આપણે જોઈ શકીએ છીએ – માનવ માતા હોય કે પશુમાતા.

      અન્ય રીતે દયા અને એનાથી આગળ વધીને સહાનુભૂતિના રૂપમાં પણ આ વૃત્તિ અભિવ્યક્ત થાય છે. પણ મોટા ભાગે એમાં પોતાની ઉચ્ચતા, અહં અને કર્તાભાવ  હોય જ છે. ગમે તેમ હોય… એ અનેકોનાં જીવનમાં રોશની આણી શકે છે. ગાંધીજી જેવા અનેક મહાપુરૂષોની અનુકરણીય જીવનકથાઓ આનાં જ્વલંત ઉદાહરણ છે.

     બાંગલાદેશના ગાંધીની આ વાત વાંચી લો. 

     પણ એની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે –

નિતાંત પ્રેમ
અને
અપાર કરૂણા

    એ બુદ્ધ જેવા કોઈક વીરલામાં જ દૃષ્ટિગોચર થતાં હોય છે. સાચા સંતોનો પ્રેમ અને કરૂણા આ સ્તરમાંથી પ્રગટ થતાં હોય છે.

    નિર્વિવાદ.. કોઈ પણ સ્તરનાં હોય – પ્રેમ અને દયા એ જાતથી, સ્વાર્થથી બહાર નીકળવાની વૃત્તિઓ હોય છે. એમાંથી સાકાર બને છે –

સેવા

sewa     કોઈ બદલાની અપેક્ષા વિના માત્ર દયા કે સહાનુભૂતિના ભાવથી કોઈક જીવને કરેલ એક નાનકડી મદદ અનેક સાધનાઓ કરતાં ચઢિયાતી છે. ( આ લખનારના મંતવ્ય મુજબ) અને એમાંથી મળતાં આનંદ, શાંતિ  અને સંતોષ કોઈ પણ સાધનામાંથી મળતી પ્રાપ્તિઓ કરતાં વધારે ઉદાત્ત છે – ભલે ને એ સાધનાઓ આગળનાં પ્રકરણોમાં વર્ણવ્યા મુજબ,  કોઈ પણ ફાયદાની અપેક્ષા વિના ન કરી હોય.

    અને આથી જ આઝાદ બનવાના અન્ય નુસખાઓ કરતાં નિસ્વાર્થ સેવા એક સાવ જુદા જ સ્તરની બાબત છે.

આ એક જ સત્યકથા આધારિત વાર્તા  વાંચો

     એ બ્રાયન એન્ડર્સન અને એ દયાની દેવી  કોઈ પણ આધ્યાત્મિક ગુરૂ કરતાં સહેજ પણ ઊતરતાં નથી….નથી….ને નથી જ.

     જ્યારે આપણું ચિત્ત કોઈ આર્થિક, સામાજિક, ધાર્મિક, અધ્યાત્મિક કે રાજકીય બદલાની અપેક્ષા વિના કોઈકને સભાન રીતે પણ મદદ કરવા પ્રેરાય; ત્યારે એ તપ બની રહે છે.  જેમ જેમ આપણામાં આ વૃત્તિ સહજ બનતી જાય; તેમ તેમ એ જાગૃતિ માટેની સર્વ અંગત  સાધનાઓને પુષ્ટિ આપે જ છે.

     કદાચ…

જેની પ્રવૃત્તિનું કેન્દ્ર
‘સ્વ’ મટીને ‘સર્વ’ બને છે –
તે વ્યક્તિ મટીને
વિભૂતિ બને છે.

    માનવ જગત આવી અનેક નામી અનામી મહાન હસ્તીઓથી ભરપૂર છે – ભલે એમનાં નામ તવારીખમાં અંકિત હોય કે, ન હોય. સ્વાર્થ લોલૂપ  માનવ જગત કદાચ આવાં હજારો અનામી આત્માઓના પૂણ્ય થકી જ ટકી રહ્યું છે.

આઝાદ બનવા માટેનો
આ સૌથી સરળ
અને
સૌથી અઘરો
રસ્તો છે!

——————–

વધુ આવતા અંકે

5 responses to “બની આઝાદ – સેવા

 1. Sharad Shah માર્ચ 15, 2013 પર 12:39 એ એમ (am)

  સેવા અહમના પેટે અવતરે તો શયતાન, પરમાત્માનુ રુપ ધરી અવતરે છે અને પ્રેમના
  પેટે અવતરે તો પરમાત્માનુ રુપ છે. આ બન્ને રુપ એક સરખા દેખાય છે અને તેને
  ઑળખવા આતિ મુશ્કેલ બની જાય છે. અસલ સેવા, કેવળ પ્રવૃત્તિઓ, ક્રિયા કલાપો કે
  વક્તવ્યથી નથી ઓળખી શકાતી પણ વૃત્તિઓ, ભાવ, પ્રેમ અને પરિણામોથી ઓળખાય છે.
  મોટાભાગે સેવાના નામે અહમ પોષણ ચાલતું હોય છે. જીસસનો સેવાનો સંદેશ જેમ
  મોટાભાગના ખ્રિસ્તી સંગઠનો ચલાવે છે તેમ.

 2. Atul Jani (Agantuk) માર્ચ 15, 2013 પર 1:54 એ એમ (am)

  થોડીક શાસ્ત્રીય વાત –

  અંત:કરણના ત્રણ દોષ મળ,વિક્ષેપ અને આવરણ હોય છે.

  તેને લીધે પ્રકૃતિના સત્વ ગુણમાંથી બનેલું હોવા છતાં તે મલીન થાય છે. તેને મલિન સત્વ અથવા તો અવિદ્યા કહેવાય.

  અવિદ્યામાં એટલે કે મલિન સત્વ + સર્વવ્યાપી ચૈતન્ય અને તેમાં જે હું પણું થાય તેને અસ્મિતા કહે છે.

  ત્યાર બાદ જે જે પ્રાણી પદાર્થો થી સુખ બુદ્ધિ થાય તેમાં રાગ થાય.

  જેનાથી દુ:ખ બુદ્ધિ થાય તેમાં દ્વેષ થાય.

  આ ઉપરાંત આ દેહ સદા ટકી રહે અને મારુ મૃત્યું ન થાય તેવી એક વિભાવના જીવને સતત રહ્યાં કરે તેને અભીનીવેશ કહે છે.

  અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભીનીવેશ આ પાંચ ક્લેશો જીવને જોડાયેલા છે. આ ક્લેશોથી મુક્ત થયા વગર જીવને સાચો આનંદ મળતો નથી.

  મળ દોષ એટલે મોહ અથવા તો મમત્વ. નીષ્કામ સેવાથી અંત:કરણનો મળ દોષ દુર થાય છે. જેવી રીતે શૌચ થી જીવને હાશ છુટ્યા જેવો આનંદ થાય છે તેવી રીતે મોહ કે મમત્વથી છુટવાથી જીવના રાગ-દ્વેષ દૂર થાય છે. વળી અન્ય જીવોની સેવા કરતા કરતા તેને ખ્યાલ આવે છે કે જગતમાં સર્વત્ર દુ:ખ છે અને લોકોને ખરેખર તો તેમના એકલ દોકલ દુ:ખથી મુક્તિ આપવી તે નહીં પણ દુ:ખના કારણમાંથી જ મુક્તિ આપવાથી તેમનું શાશ્વત કલ્યાણ થઈ કે. તેથી બુદ્ધ જેવા મહાપુરુષોએ પરમ કરુણા ધારણ કરીને જીવના દુ:ખના કારણોને દૂર કરવામાં મદદરુપ થવાની સેવા શરુ કરી હતી.

  અસ્મિતા એટલે બુદ્ધિ + ચૈતન્યમાં હું પણું – અહંકાર. અસ્મિતા ધ્યાનથી જાય. (સુક્ષ્મ શરીર)

  અવિદ્યા એટલે સ્વરુપનું અજ્ઞાન. (કારણ શરીર)

  અવિદ્યા ’આવરણ’ દોષ દૂર થવાથી જાય.

  જેમના મળ અને વિ્ક્ષેપ દોષ દૂર થઈ ગયાં હોય તેમને સદગુરુનો મહાવાક્યથી ઉપદેશ થાય કે ’તત્વમસિ’ એટલે કે તું તે છે.

  સાકાર સ્વરુપે વાચ્યાર્થમાં તત એટલે ઈશ્વર અને ત્વમ એટલે જીવ.
  તથા
  નીરાકર સ્વરુપે વાચ્યાર્થમાં તત એટલે બ્રહ્મ અને ત્વમ એટલે કૂટસ્થ.

  વાચ્યાર્થે ઈશ્વર સર્વ શક્તિમાન અને સર્વજ્ઞ છે અને જીવ અલ્પ શક્તિમાન અને અલ્પજ્ઞ છે તેથી તેમની એકતા ન થઈ શકે પણ લક્ષ્યાર્થે બંનેમાં રહેલી શક્તિ અને જ્ઞાનની એકરુપતા હોવાથી બંને એક છે. જેવી રીતે બીંદુ અને સીંધુ જળ રુપે એક છે તેમ.

  વાચ્યાર્થે શરીરે રોકેલ ચૈતન્ય કુટ્સ્થ અને અનંત ચૈતન્ય બ્રહ્મ વચ્ચે ઉપાધીકૃત ભેદ હોવા છતા લક્ષ્યાર્થે બંને વચ્ચે કશો ભેદ નથી.

  આ મહાવાક્ય મળ,વિક્ષેપ દોષથી દૂર થયેલા સાધકના આવરણનો ભંગ કરે તેથી તે ’અહં બ્રહ્માસ્મિ’ એટલે કે હું બ્રહ્મ છું તેમ અનુભવે છે. મળ અને વિક્ષેપ દોષ દૂર થયા વગરના સાધકને ગમે તેટલી વખત કહેવામાં અવે કે તું ’શુદ્ધ આત્મા’ છો તો યે તેને અનુભવ નહીં થાય. જ્યારે નિષ્કામ સેવાથી મળ દોષ દૂર કર્યો હશે અને જ્યારે ધ્યાનની પરિપક્વ અવસ્થા દ્વારા વિક્ષેપ દોષ દૂર કર્યો હશે ત્યાર બાદ જો સદગુરુ કે કોઈ મહાપુરુષ દ્વારા આવરણ ભંગ કરવામાં આવે તો ’શુદ્ધાત્મા’ તરીકેનો અનુભવ થાય.

  મળ, વિક્ષેપ અને આવરણ દોષ દૂર થયાં વગર અથવા તો પંચ ક્લેશોથી મુક્ત થયા વગર જીવને વાસ્તવિક આનંદની પ્રાપ્તિ થતી નથી.

  આ રીતે ની:સ્વાર્થ સેવા પારમાર્થિક સ્વાર્થનું પ્રાથમિક પગથીયું છે.

 3. jagdish48 માર્ચ 15, 2013 પર 8:57 એ એમ (am)

  “જેની પ્રવૃત્તિનું કેન્દ્ર
  ‘સ્વ’ મટીને ‘સર્વ’ બને છે –
  તે વ્યક્તિ મટીને
  વિભૂતિ બને છે.” સંપુર્ણ સત્ય.
  યુનુસ સાહેબે માઈક્રોફાઈનાન્સનો કન્સેપ્ટ રજુ કર્યો હતો, જેનુ પ્રસારણ ભારતની બેન્કોએ પણ કર્યુ છે.
  બ્રાયનનું વાક્ય – ‘તમે પણ મુશ્કેલીમાં આવેલ કમસે કમ એક વ્યક્તીને મદદ કરશો’
  એક બેસ્ટ ચેઈન રીએક્શનની શરુઆત.
  ‘જાત’ના મોક્ષમાં હજુ પણ ગુંચવણ છે સ્વાર્થ જરુર છે, તો પછી આ કન્સેપ્ટ આવ્યો કેમ ?
  કદાચ સેવાકાર્યમાં જાગૃત થતા અહમના કારણે માનવી મોક્ષ સુધી નહીં પહોંચી શકતો હોય. આથી ઋષિઓએ આ ‘સ્વાર્થ’ નો રસ્તો સુચવ્યો હોય ?

 4. Sharad Shah માર્ચ 15, 2013 પર 10:56 પી એમ(pm)

  સમસ્યા સતગુરુઓના વચનોમાં નથી, પણ આપણી ઉલટી ખોપડીની છે. “મોક્ષ” કે “મુક્તિ” ની વાત જ્યારે સતગુરુ કરે છે ત્યારે મારી મુક્તિ કે મોક્ષની વાત નથી કરતા પણ મારાથી કે હું થી મુક્તિની વાત કરે છે. (મેરી મુક્તિ નહીં મૈં સે મુક્તિ) પણ આપણું અહમ કેન્દ્રિત મન પકડે છે મેરી મુક્તિ કે મોક્ષ. આપણે ગજબના કારીગર છીએ. દરેક વાતમાંથી આપણી અહમ પોષણની વાતો શોધી કાઢીએ છીએ અને આપણો પોતાનો અને મિત્રોનો અહમ પોષતા હોઈએ છીએ. મિત્રોનો અહમ એ માટે પોષિએ છીએ કે બદલામાં તે પણ આપણો અહમ પોષે. અને જો કોઈ મિત્ર ભુલે ચુકે આપણા અહમ પર નાની અમથી ખરોચ પણ કરે કે તરત જ તે મિત્રમાંથી દુશ્મન બની જાય. જે મિત્રના ગુણગાન કરતા હોઈએ તેને ગાળો દેતા થઈ જઈએ. બેહોશી એટલી ગહન છે કે આપણે શું કરીએ છીએ અને અને આપણી વૃત્તિઓ કેવી છે તેની કોઈ ખબર જ પડતી નથી. એટલે મારા ગુરુ કહેતા,” પર્વૃત્તિઓ ગમે તેટલી બદલો (ધ્યાન કે યોગાસન, કે પ્રાણાયમ કે અન્ય) પણ જ્યાં સુધી વૃત્તિઓ બદલાતી નથી ત્યાં સુધી જીવનમાં કોઈ ફુલ ખિલવાની સંભાવના હોતી જ નથી.”

 5. Pingback: સ્વચ્છતા અભિયાન – એક અવલોકન | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: