સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બની આઝાદ – ઉપસંહાર

આખી લેખમાળા માટે અહીં ‘ક્લિક’ કરો

આઝાદ બનવાની રીતો શોધવાના ૨૦ પ્રકરણ પુરાં થયાં. આ એકવીસમા પગથિયે, પૂર્ણાહૂતિકાળે એક આશ્ચર્યજનક જાહેરાત…

         તમારે આ અગાઉના વીસ વીસ પ્રકરણોમાંથી એકની પણ જરૂરિયાત નથી!

જો..

 • તમે ગરીબીની રેખાની નીચે જીવતા હો અને આજનો રોટલો શી રીતે મેળવવો એ તમારો દરરોજનો  સળગતો પ્રશ્ન હોય તો; તમારે કોઈક મહમ્મદ યુનુસની જરૂર છે. ‘ભાગ્યના સૃષ્ટાઓ’, ‘આગળ ધસો’ જેવા જીવનમાં ભૌતિક પ્રગતિ હાંસલ કરવા પ્રેરણા આપે તેવાં વાંચનની જરૂર છે.
  કદીક એમ કરતાં ‘બે પાંદડે’ તો નહીં પણ ‘પા પાંદડે’ પણ થાઓ તો કોઈ મંદિર કે ધર્મસ્થાનમાં એમાંની મહામૂલી બચત વેડફી ન દેતા. ત્યાં તો પૂણ્ય કમાવી લેવાના ઈરાદા વાળા અનેક ધનિકોના ખજાના ખાલી થતા જ રહેવાના છે. કોઈક ભૂખ્યા બાળકને રોટલીનો ટૂકડો દેજો. તમે જ્યાંથી આટલે આવ્યા છો – એ સ્થિતીમાં હજુ સબડતા તમારા બાંધવોને નાનકડો ટેકો દેજો. જો એવી ક્ષમતા કે મરજી ન થતી હોય તો પણ, ક્યાંક કોઈકને નાનકડો સહારો કે દિલી સધિયારો દેતાં ખચકાતા નહીં. સહાનુભૂતિનો એ ભાવ ક્યાંક ને ક્યાંક – ક્યારેક તમારા જીવનની અડાબીડ ગલીઓમાં પડઘા પાડતો તમને ઉત્સાહિત કરતો રહેશે.
 • જો તમે તમારી મગરૂરીમાં મસ્ત બની, પિરામીડની ટોચ કે તેની નજીક મ્હાલતા હો; અને તમારું જીવન તમને ભર્યું ભર્યું લાગતું હોય – કશાયની કમીના વર્તાતી ન હોય, તો આજે તો તમને આ માત્ર વાણી વિલાસ જ લાગવાનો છે. લાગવા દો.
  પણ.. એટલું જરૂર કરજો કે, જીવન ભરના અથાક પ્રયત્નોથી એકઠી કરેલી તમારી મહામૂલી સંપદાનો થોડોક પણ હિસ્સો કોઈ મંદિર કે ધર્મ સ્થળમાં સામૈયા કે યજ્ઞો કરાવવામાં ન વાપરતા. ઉપર જણાવેલા કમનસીબ મનુષ્યોના જીવનમાં કશોક ઉજાસ પ્રગટે એ માટે એ ખર્ચજો. કો’ક મહમ્મદ યુનુસને કે એવી કોઈક સંસ્થા કે જે માનવતાના કાર્યમાં સન્નિષ્ઠ રીતે સંકળાયેલી હોય; તેને આપજો.
 • જો તમે આવા કોઈક રસ્તા પર એકનિષ્ઠાથી ચાલવાનું શરૂ કર્યું હોય; તો એને વળગેલા રહેજો અને તમારી અભિપ્સાને સાકાર કરવા પ્રતિબદ્ધ રહેજો. બીજા કશાની તમારે જરૂર નથી. પણ નિસ્વાર્થ સેવાનો ભાવ સદા તમારા અંતરમાં ધરબાયેલો રાખજો. સેવાની એવી તકો મેળવવા હમ્મેશ આતૂર રહેજો. સેવા ધર્મ સૌ ધર્મોથી ચઢિયાતો છે…છે…છે…ને છે જ. 

પણ…..

      જો આમાંનું કશું તમને લાગુ ન પડતું હોય , અથવા તમે જ્યાં હો ત્યાં કશુંક ખૂટતું લાગતું હોય; કશીક અધૂરપ વર્તાતી હોય , તો ….

તમારે તમારી જાત સાથે જીવવાની જરૂર છે.

      અને તો…. આ વીસેય પ્રકરણોનો ધ્યાનથી અભ્યાસ કરી; તમારી ચિત્તવૃત્તિને જે અનુકૂળ આવે તે અપનાવી;  એ રસ્તે એક.. બે…ત્રણ…ડગલાં ચાલતા રહેજો. આમાંનુ કશું જાણવાનું નથી; અનુભવવાનું છે –પહેલા પગલાની પ્રતિબદ્ધતા કદી ન ભુલાય એવી રીતે આત્મસાત કરીને.

એ દોહરાવવાનું મન થાય છે –

થોડીક જ ક્ષણો માટે
આ સંકલ્પ
——–
આયોજન પૂર્વક,
બાજુએ ન હડસેલી દેવાય એવા ધ્યેય
અને
મુલતવી ન રાખી શકાય એવા પ્રયત્ન સાથે
પ્રવૃત્તિ કરવાની.


દરરોજ,
સાતત્યથી;
માત્ર આપણા પોતાના માટે જ

પ્રેમપૂર્વક  

——————————–

એ ક્ષણોમાં કોઇ
આર્થિક,
સામાજિક,
રાજકીય,
કૌટુમ્બિક
આધ્યાત્મિક

– કોઇ પણ જાતનો –
લાભ આપણને થવાની
અપેક્ષા રાખ્યા વિના. 

———————-
હું કાંઈ નથી.
મારું કશું નથી.
મારે કશું જોઈતું નથી. 

..
એવા ભાવ સાથે

       એવા થોડાક અનુભવોના આધાર પર મને કહેવા દો કે, પહેલા પગલાંની સાથે જ એક નવા જ આહ્‍લાદની લહેરખી તમારા હોવાપણામાં ફરી વળશે. અંતરમાં બેઠેલી તમારી જાતને, તમારા હોવાપણાના મૂળ તત્વને આ ગમવા માંડશે. સતત એ અભ્યાસ જારી રાખશો તો એ નિર્વ્યાજ આનંદ વધતો રહેશે.

જો એમ ન થાય તો સમજી લેજો કે,
તમે ક્યાંક ચૂક્યા છો. 

      જો સચ્ચાઈથી આ મહાવરો પાડીશું તો આવી ક્ષણો – આપણા  પોતાની  આ ક્ષણો – દિન-બ-દિન વધતી જશે. પછી તો તે ક્ષણો બહુ વ્હાલી લાગવા માંડશે.  કારણકે, એ ક્ષણોમાં આપણે આપણી રીતે જીવનનો આનંદ હળવાશથી માણવાની શરૂઆત કરી દીધી છે. આપણા હોવાપણાની પોતાની આ ક્ષણો છે. આ જ તો કોઈ બોજા વિનાના જીવનની શરૂઆત  છે.

      આના તીવ્ર પડઘા આપણા જીવનના બીજા ભાગોમાં નાટ્યાત્મક રીતે પડવા માંડશે. જેમ જેમ આપણા પોતાના માટેની આ શાળાના પિરિયડ વધતા જશે; તેમ તેમ આપણે નવા અને આગળના ધોરણોમાં પ્રમોશન મેળવતા જઈશું!  આપણો અભિગમ ધીમે ધીમે બદલાવા માંડશે. આપણા રોજિંદા જીવનના સંઘર્ષો તરફના આપણા પ્રત્યાઘાતોમાં, પ્રતિભાવોમાં પરિવર્તન આવતું જશે. કો’ક અજીબોગરીબ શક્તિ આપણા માનસમાં પરિવર્તનની એક નવી હવા; ચેતનાની, આનંદની એક નવી લ્હેરખી ફેલાવવા માંડશે.

      આવા સતત અભ્યાસથી એક એવો તબક્કો આવશે કે, આપણને પહેલાં જે તકલિફો મોટા ડુંગર જેવી લાગતી હતી તે નાની ટેકરીઓ, અને પછી તો સાવ નાની કાંકરીઓ જેવી લાગવા માંડશે. કોઇનું વર્તન આપણી તરફ સારું ન હોય; તો તેનું બહુ માઠું આપણને કદાચ નહીં લાગે. કદાચ આપણી સાથેના સહકાર્યકરને પ્રમોશન મળે કે વધારે ઇન્ક્રિમેન્ટ મળે; તો આપણી ઉંઘ હરામ નહીં થઈ જાય! આપણા પ્રેમ સંબંધમાં તિરાડો પડવા માંડી હોય કે, જાકારો મળ્યો હોય તો આપણે ‘દેવદાસ’ બની  હતાશાની ખાઈમાં ફંગોળાઈ નહીં જઈએ. આપણા ધંધા રોજગારમાં બહુ મોટી ખોટ આવશે; તો પણ તે આપણને હતોત્સાહ નહીં કરી દે.

     આપણને પેલા ‘જોનાથન લીવીન્ગ્સ્ટન સીગલ’  પક્ષી ની જેમ,   વધારે ઉંચે અને વધારે ઝડપથી ઉડવાની તાલાવેલી લાગશે.

     “Don’t believe what your eyes are telling you. All they show is limitation. Look with your understanding. Find out what you already know and you will see the way to fly.” 

       “You have the freedom to be yourself, your true self, here and now, and nothing can stand in your way.”
― Richard BachJonathan Livingston Seagull

    માત્ર ઉડવા ખાતર ઉડવાનું. ઉડવાના અપ્રતીમ આનંદ ખાતર ઉડવાનું. પાગલ બનીને ઉડવાનું. એ પાગલપન આપણા સમગ્ર અસ્તિત્વને ઘેરી વળશે. શાણા, સુફિયાણા, ગણતરીબાજ, વ્યવહારકુશળ સદગૃહસ્થ કે સન્નારીનું સ્થાન દરિયાકિનારે છીપલાં વીણતું એક બાળક લઈ લેશે. અને બધાંય ઉડ્ડયનો સાવ સરળ, આનંદમય બની રહેશે.

ધ્યેયપ્રાપ્તિનું કોઈ તાણ જ નહીં;
-કેવળ રમવાનો આનંદ
– કેવળ જીવવાનો આનંદ
–  સતત સહજ ભાવ. 

આપણે આપણા એ મનચાહ્યા પર્વત પર ઊંચે ને ઊંચે, એક બાળકના ઉત્સાહથી ચઢતા જઈશું.

      ધીરે ધીરે અડાબીડ જંગલની એ અકારી, દુખથી ભરેલી, બોજરુપ લાગતી જિંદગીની ક્ષણોમાં પણ આપણો ઈડનનો બગીચો ખીલવા લાગશે. એક નવા ‘હું’ નો જન્મ થઈ ચુક્યો હશે. કે પછી ખરો ‘હું’ – આપણો પ્રિય સખા, આપણો સાજન એક જેલમાંથી છુટી નિખરવા માંડશે. આ કોઇ નવું મહોરું નહીં હોય. આ તો આપણી જાત જ, આપણે જેવા છીએ તેવા જ, સાવ સ્વાભાવિક, સહજ બની રહીશું.

       અને એ અનુભૂતિની તમને પ્રતીતિ થવા લાગે તો; લખી લો… સૌ મિત્રો!

       સામેની દિવાલ પર કે,

      એ ઈડનનો બગીચો…એ સપન ભોમકા…એ સ્વર્ગ લોક… એ બહિશ્ત… એ હેવન…એ મોક્ષધામ…તમારી આજુબાજુ જ, પર્વતની આ પાર જ, મોજૂદ કરવાની, સર્જવાની, ફૂલોની સુવાસથી  મઘમઘતો કરવાની  શક્તિ તમે ધરાવતા થયા છો

– જે શક્યતાની
પર્વત પર ચઢેલા એ ઉદાત્ત આત્માઓ
કરાંઝી કરાંઝીને આપણને સૌને પ્રતીતિ કરાવી રહ્યા હતા.
——-
તમારું સુખ અને શાંતિ
આ ક્ષણમાં, અહીં જ હાજર છે.

બહુ વાણી વિલાસ કર્યો; હવે કામની બે’ક વાત..

 • યોગ્ય ખાન-પાન, કસરત અને પ્રાણાયમ એ શરીરને નિરોગી, સુદ્રઢ કરવા માટેના સાધનો છે. એને પહેલું સુખ માની લેજો.
 • હાસ્ય, હોબી અને સત્સંગ તમારા મનને સભર બનાવશે. એનો યથોચિત ઉપયોગ કરજો. જીવનનો ખાલીપો થોડોક જરૂર પુરાશે.
 • અને અંતરયાત્રાનાં બીજાં સાધનો – જેમાંના અમૂક આ લખનારે અજમાવેલા છે – અને બીજાં ઘણાં પણ ઉપલબ્ધ હશે જ – એનો સન્નિષ્ઠ પ્રયોગ જરૂર કરી જોજો. કદાચ તમને તમારા જીવનને અનુકૂળ કોઈક પર્વત પર ચઢવાની કેડી મળી જાય.
 • જ્યાં સુધી સમાધિ સ્થિતીના ચઢાવો ચઢવાની શરૂઆત ન થાય; ત્યાં સુધી આ બધા નુસખા સમય, અનુકૂળતા અને રસ મૂજબ અજમાવતા રહેવાનું/ બદલતા રહેવાનું/ રમતા રહેવાનું  હિતકારક જણાશે.
  આપણે હજુ જંગલના વાસી જ છીએ. આપણી જીવનભરની આદતો અને ઋચિઓ માટે વૈવિધ્ય કદાચ ઘણું જરૂરી છે.
  એક જ કેડી પર ચાલવાનું પર્વતના ઢોળાવ પર; ત્યાં કદાચ સ્વૈર વિહાર આપણને ગબડાવી પણ દે!
 • એ આકરા ચઢાવ પણ કોઈકની દોરવણી હેઠળ, સતત કરતા રહેજો – ક્યાંક ગબડી ન પડાય. ત્યાં બધો બિન જરૂરી ભાર, બધા રાગ અને દ્વેષ બાજુ મૂકી દેવા્ના  હોય છે; એમ જાણકારો કહે છે. 
 • જો એ ચઢાવ પર નિર્ભેળ આનંદની અનુભૂતિ ન થતી હોય તો; એ સાધનામાં જરૂર કાંઈક ખૂટે છે, ક્શાક બદલાવની જરૂર છે. સાચી દોરવણીની જરૂર છે.ક્યાંક આપણો અહંકાર આપણને નડી રહ્યો છે. બહુ પ્રામાણિકતાથી ‘ નિજ દોષ દર્શન’ કરી પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરતા રહેજો. સાવ હળવા થઈ જવાશે. 

અને છેલ્લે…..

     આ સુફિયાણી સલાહ નથી. જીવનના અનુભવમાંથી જાતે ડુબકી મારીને ચુંટી લીધેલું મોતી છે.  એ સૌની સાથે વહેંચીને ‘ગમતાંનો ગુલાલ’ કર્યાનો હરખ છે. અનુભવોના બણગાં ફૂંકીને કોઇ આપવડાઈ કરવાનો આ પ્રયત્ન નથી. સિત્તેર વર્ષનો આ બાળક તેને મળેલી સોગાત તમારી સાથે વહેંચીને તમારી સાથે રમવા માંગે છે.

      ચાલો, મારી સાથે આ રમત રમવા તૈયાર છો ને? બહુ જ મજા આવશે…બસ મજા જ મજા … પ્રત્યેક ક્ષણ જીવવાની મજા … આઝાદ બનવાની મજા…

કેવી મજા? આવી મજા… વોટર પાર્કમાં માણી હતી , તેવી મજા.

અને આ મજા માણવા ગાઈએ અને સાંભળીએ –  આ ગીત …

ચાલતો રહેજે, ચાલતો રહેજે ( સાંભળો અને ગાતા રહો )

      જેણે આખાયે આયખામાં અનેક અડબડિયાં ખાધાં જ કર્યાં છે; જેને ‘આ ક્ષણની જાગૃતિ’ શું ચીજ છે; એની હજુ બે ત્રણ વર્ષથી જ ખબર પડી છે; અને જે માંડ  બેચાર ડગલાં જ એના પર્વતની ટોચે પહોંચવા ચાલેલો  છે – એવા આ જણની  

તમારા સૌના જીવન મંગળ, સુખમય; શાંતિ અને આનંદથી સભર બને એવી શુભ કામના.

ચાલતા રે’જો.

**

નોંધ

આ એકવીસેય  પ્રકરણોમાંનું કશું આ જણનું આગવું કે મૌલિક સર્જન નથી. અનેક મહાત્માઓના વિચાર દોહન અને કલ્યાણ મિત્રોના સહવાસ અને તેમની સાથેના વિચાર વિમર્શના પ્રતાપે બે ચાર ડગ ભરાયાં છે.

એ સૌનો અંતઃકરણ પૂર્વક આભાર.

Advertisements

8 responses to “બની આઝાદ – ઉપસંહાર

 1. નિરવની નજરે . . ! March 17, 2013 at 12:21 am

  સંપૂર્ણ લેખમાળા ખુબ જ અદભુત રહી , દાદા 🙂 . . . અને , આ સર્વ નવનીત મંથનને અંતે આવતો ઓડકાર એટલે , ” નમ્રતા ” . . . કે જે આપે છેલ્લી નોંધમાં દર્શાવ્યો છે . . . ખુબ જ જાણવા મળ્યું 🙂

 2. Atul Jani (Agantuk) March 17, 2013 at 12:31 am

  શ્રેણી રસપ્રદ રહી. ચાલો હવે ચાલતો થાઉ 🙂

  • સુરેશ March 17, 2013 at 3:01 am

   પ્રિય અતુલભાઈ,
   તમે તો ઘણા ઘણા આગળ છો. તમારી પાસેથી તો અમારે શીખવાનું છે.

 3. jagdish48 March 17, 2013 at 1:22 am

  શ્રેણી વાંચવામાં પાછળથી જોડાયો. આથી ફરી વાંચવાની થશે. બાકી આપનાથી પાંચ વર્ષ જુનીયર એક આખી પોસ્ટ લખી અનુભવો આપની સાથે રમત રમવા આવી પહોંચશે. વાંચ્યુ એટલુ રસપ્રદ રહ્યું. અભિનંદન !

 4. સુરેશ March 17, 2013 at 2:58 am

  જે કોઈ મિત્રોને આ લેખમાળા સામાન્ય માણસો માટે ઉપયોગી અને

   ‘ચાલવાનું’

  શરૂ જરવા માટે પ્રેરક લાગી હોય; તેમને વિનંતી કે તેમના આવા અનુભવો ટૂંકમાં લખીને મોકલે.


  આ એકવીસેય પ્રકરણોની ઈ-બુક તૈયાર થઈ રહી છે. તેમાં સમાવેશ કરવામાં આવશે.

 5. Anila Patel March 17, 2013 at 4:52 pm

  આપનો એકવીસ પ્રકરણનો અંતિમ સન્દેશ કાયમ યાદ રહેશે.

 6. aataawaani July 17, 2014 at 5:44 am

  दुनियाको बदल देना है कारे अहम लेकिन
  इससे भी अहंतर है अओनेको बदल देना

 7. hirals August 8, 2014 at 10:43 am

  ઘણું સરસ રીતે અનુભવોના નિચોડ સમાન. આભાર.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: