સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બની આઝાદ – આપણને કશી પસંદગીનું સ્વાતંત્ર્ય છે? – રાજીવ જાની

આખી લેખમાળા માટે અહીં ‘ક્લિક’ કરો

    આપણે સૌ માનીએ છીએ કે, આપણે એક મુક્ત દેશમાં રહીએ છીએ; જેમાં આપણને દરેક ચીજ માટે પસંદગીનું સ્વાતંત્ર્ય છે.આપણે શું ખાવું, ક્યાં હરવું ફરવું, ક્યાં રહેવું, શું પહેરવું એ માટે આપણે પસંદગી કરી શકીએ છીએ. જ્યારે કોઈ મિત્ર કે કુટુમ્બના સભ્યની ન ગમતી ટીકા સાંભળવી પડે; ત્યારે ‘હું એની પરવા નથી કરતો/તી.‘એવાં ઉચ્ચારણો ઘણી વખત સાંભળીએ છીએ.તમારા માટે કોઈ કશુંક ખરાબ બોલે; ત્યારે ‘ખરાબ ન લગાડવાનો પ્રયત્ન’ કરવા માટેનો તમારી પસંદગીનો અવકાશ વાપરવા હું તમને આવકારું છું.ખેર!-એ એક પસંદગી જરૂર છે.પણ આવા પ્રસંગોએ આપણી લાગણીઓ પર સંયમ રાખવાનું બહુ જ મુશ્કેલ બની જતું હોય છે.

       તમને ખબર છે, આમ કેમ થાય છે?

    -આ સવાલનો જવાબ મેળવવા માટે; આપણે આપણું મન શી રીત કામ કરે છે, તે સમજવું પડશે.આપણું મગજ એક પ્રોગ્રામર જેવું છે; જે સતત, જાતજાતના પ્રોગ્રામો બનાવ્યે જ રાખતું રહે છે.આપણે કોઈ પણ ચીજ વારંવાર કરવા લાગીએ; તેને માટે આપણું મન એક ‘પ્રોગ્રામ’ બનાવવા માંડે છે. આપણે એને સામાન્ય ભાષામાં ‘ટેવ’ કહીએ છીએ. જ્યારે ભવિષ્યમાં ફરી કોઈ વખત એવી ઘટનાનું પુનરાવર્તન થાય; ત્યારે આપણું મન આપણી યાદદાસ્તમાં સંઘરાયેલા આવા બધા પ્રોગ્રામોમાં શોધ કરવા લાગી જાય છે; અને તે ઘટનાને મળતો આવતો હોય તેવો પ્રસંગ અને તેને માટેનો પ્રોગ્રામ અને પ્રતિક્રિયાની પસંદગી માટેના વિકલ્પો તરત હાજર કરી દે છે.મોટા ભાગે તો તે વિકલ્પોને પણ અવગણીને તેને ઠીક લાગે તેવો એકમાત્ર વિકલ્પ જ હાજર કરી દે છે.આના કારણે આપણે અમૂક રીતે જ એવી ઘટનામાં કામ કરવા મજબૂર બની જઈએ છીએ.

આપણા મનથી હમ્મેશ દોરવાવાની
એક સ્વયંસંચાલિત રીતના કારણે
આમ બનતું હોય છે

      આથી જ જમાનાઓથી પૌર્વાત્ય ઋષિઓ કહેતા આવ્યા છે કે,”હું શરીર પણ નથી અને મન પણ નથી”આ વાત મારે થોડાક દાખલા આપીને ફરીથી સમજાવવી છે

     તમે છેલ્લી વખત ઘરથી ઓફિસ જતા હતા ત્યારે; છેક ઓફિસે પહોંચ્યા પછી જ તમને એ ખબર પડી હતી કે, તમારું ધ્યાન લગીરેય રસ્તા પર ન હતું; અને છતાં તમે સલામતીપૂર્વક કારને ચલાવીને ઓફિસે પહોંચી શક્યા હતા. જો તમે જાતે કાર ન ચલાવતા હતા; તો એ કોઈક બીજી જ કોઈ વ્યક્તિ હતી; જે કાર ચલાવતી હતી!-અને તે તમારું મન હતું; જે ભૂતકાળની જૂની યાદદાસ્તના આધારે સ્વયંસંચાલિત રીતે કાર ચલાવી રાખતું હતું.

     બીજી એક ઘટના જોઈએ.તમે કોઈ વ્યક્તિને ઈમેલ કરવા કોમ્યુટરમાં ઈમેલની ઈન-બોક્સ ખોલો ત્યારે; તેમાં ઢગલાબંધ બીજા ઈમેલો જોઈને તેના જવાબો આપવાનું શરૂ કરી દેતા હો છો.ત્રીસ મિનીટ પછી, તમે લોગ આઉટ કરી નાંખો છો; અને ત્યારે તમને ભાન થાય છે કે, પેલા ઈમેલનો જવાબ આપવાનો તો બાકી જ રહી ગયો!

     ક્યારેક જમવાનું બનાવતી વખતે તમે બટાકા બાફીને તેની છાલ ઊતારતા હો; ત્યારે તમને યાદ આવે છે કે, ખરેખર તો તમારે ભાત રાંધવો હતો; પણ એક મશીનની જેમ તમે બટાકામાં ફસાઈ ગયા!

   બીજો એક દાખલો –તમે વજન ઊતારવાનું અને તે માટે દરરોજ ત્રીસ મિનીટ ચાલવાનું કે ક્સરત કરવાનું નક્કી કર્યું છે.પણ દરેક વખતે તમારું મન એમ ન કરવા માટે ફટ્ટાક દઈને સરસ મજાનું બહાનું ગોતી લાવતું હોય છે!-નવા વર્ષ માટે કરેલા મહાન (!) સંકલ્પોનું બે જ અઠવાડિયામાં કેમ બાષ્પીભવન થઈ જતું હોય છે?!

       આવા તો ઘણા બધા ઉદાહરણો તમને મળી આવશે કે જેમાં તમારું મન સ્વયંસંચાલિત રીતે તમારા જીવનની નાવને હાંકી રહ્યું હોય છે.એક સંશોધન મૂજબ, આપણે રોજબરોજ કરતા હોઈએ તે બધી પ્રવૃત્તિઓના ૮૦% આવી ટેવો પાડવાના મનના આવા સ્વભાવને કારણે હોય છે.

      જો કે, આ સાવ ખરાબ વાત પણ નથી.ટેવો પાડવાના મનના આ સ્વભાવને કારણે આપણે અનેક વસ્તુઓ લગભગ એક સાથે કરી શકીએ છીએ (multi tasking).આપણે સારી ટેવો પાડવા શક્તિમાન હોઈએ છીએ; અને આપણા જીવન માટે નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરીને તેના ફાયદા ઊઠાવી શકીએ છીએ.

    પણ… કમભાગ્યે,

    આપણે જ્યારે વણગમતા વિચારો કે લાગણીઓ અનુભવી રહ્યા હોઈએ ત્યારે પણ, મનની આ ઓટોપાયલોટ પદ્ધતિ એવીજ અસરકારક રીતે કામ કરતી રહે છે.કદીક એ વણગમતા વિચારો કરવાનું એમ ને એમ જ શરૂ કરી દેતું હોય છે; અને પછી એમાં ને એમાં જ વધારે ને વધારે ગરકાવ થતું જાય છે.આને કારણે નકારાત્મક લાગણીઓ પેદા કરે છે; અને તેના આધારે નકારાત્મક નિર્ણયો લેવા માંડે છે.તમે જોશો કે આની શરૂઆત તો કોઈક નાના વિચારથી જ શરૂ થઈ હોય છે. પણ આ પાયલોટ (!) અણગમતી લાગણીઓ, સંવેદનાઓ, વિચારો અને નિર્ણયોના સદા વર્ધમાન તરંગો અને વલયો પેદા કરતો જ રહે છે.જો આમ વારંવાર બનતું રહે તો, તેને મનોવૈજ્ઞાનિકો હાયપર સ્ટ્રેસ, ચિંતાનો હુમલો કે હતાશા કહે છે.

    આનો ઉકેલ શો ?

    જો તમારા કોમ્પ્યુટરમાં તમે વધારે ને વધારે વિન્ડો ખોલતાં જાઓ, તો અમૂક સીમા પછી કોમ્પ્યુટર ધીમું પડવા લાગશે અને પછી ઠરી જશે કે ક્રેશ થઈ જશે.વિચારોના નકારાત્મક વલયોનું પણ આમ જ હોય છે.જ્યારે અને જો આમ થવા લાગે તો, સામાન્ય બુદ્ધિ અનુસાર, અમૂક વિન્ડો બંધ કરી દેવી જોઈએ, જેથી કોમ્પ્યુટર પરનો બોજો હળવો થાય.

     આથી જ્યારે મનનો ઓટોપાયલોટ તમને આવા નકારાત્મક વલયમાં ઢસડી રહ્યો હોય; ત્યારે તરત સમજી જવાય એવી રીત એ છે કે, તમારે એમાંથી બહાર આવી જવું જોઈએ અને એ લુપને સહેજ પણ વધારાની શક્તિ ન મળે અને મન ફરીથી સ્વસ્થ સ્થિતીમાં આવી જાય, તે માટે તેને તક આપવી જોઈએ.જૂની સંસ્કૃતિઓ અને ડહાપણની રીત રસમોએ આ માટે બહુ જ સાદો પણ અસરકારક ઉકેલ આવી સમસ્યાઓ માટે સૂચવ્યો છે; જેને મનની જાગૃતિ તરીકે ઓળખાવવામાં આવે છે.વર્તમાનમાં રહેવું અને ઘટના માટે કોઈ ચૂકાદો ન આપવો – એને જાગૃતિ કહે છે.આને માટેની સૌથી સરળ રીત છે –

      ‘તમારા શ્વાસ પર ધ્યાન આપો.થોડીક મિનિટો માટે તમારા શ્વાસ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની ટેવ પાડો.’

     તમારો શ્વાસ ચાલી રહ્યો છે, તે બાબત જાગૃત થાઓ. જ્યારે તમે આ કરી રહ્યા હો; ત્યારે  ભલે ને મન બીજા વિચારો કે ચૂકાદાઓ તરફ તમારું  ધ્યાન વિકેન્દ્રિત કરવા પ્રયત્નો કરે; તમારી જાત માટે ટીકાત્મક રહેવાના બદલે ફરી ફરીને ધ્યાન શ્વાસ પર લાવતા રહો.આમ તમે વર્તમાનમાં જાગૃત રહેવાની ટેવ પાડવા માંડશો.

    બીજી એક રીત તમારી પાંચેય ઇન્દ્રિયોને વાપરવાની છે.આપણે એમના કારણે જોઈ, સાંભળી, સૂંઘી, ચાખી, સ્પર્શી શકીએ છીએ.આમાંની અમૂક કે બધી ઇન્દ્રિયો દ્વારા થતી સંવેદનાઓનો ઉપયોગ મનનું ધ્યાન વર્તમાન પર લાવવા કરી શકાય. જ્યાં હો ત્યાં – પાંચેક મિનિટ માટે, આંખો બંધ કરી, આજુબાજુ થતા અવાજો અથવા પ્રવર્તમાન ગંધો તરફ ધ્યાન કેન્દ્રિત કરો.

જાગૃત રહેવા માટેના બીજા નુસખા આ રહ્યા –

      થોડાક સમય માટે ગમે તે એક પ્રવૃત્તિ પર તમારું પૂર્ણ લક્ષ્ય એમાં જ કેન્દ્રિત કરો.દાખલા તરીકે જમતી વખતે પૂર્ણ ધ્યાન ચાવવાની ક્રિયા, અનુભવાઈ રહેલા સ્વાદ, ખોરાકનો દેખાવ. અથવા સવારે બ્રશ કરતી વખતે થતી નાની ક્રિયાઓ, અવાજો, ગંધ.     એ જ રીતે ચાલતી વખતે ચાલવાનો ફફડાટ, હવાની લહેરખીઓની સંવેદના વિ.આવી તો અનેક પ્રવૃત્તિઓ આપણે સાવ સ્વાભાવિક રીતે, કશા ધ્યાન વિના કરતા હોઈએ છીએ.એ બધાંનો ઉપયોગ આપણે વર્તમાનમાં જીવવાના મહાવરા માટે કરી શકીએ .

      ચિકિત્સકોએ કરેલા સંશોધન મૂજબ બે મહિના સુધી દરરોજ ૩૦ મિનિટ આ રીતે જાગૃત રહેવાના અભ્યાસથી આપણા મૂડ અને લાગણીઓની સમતામાં માપી શકાય એવો ફેર લાવી શકે છે

     આથી જો હવે કોઈ વાર તમને લાંબા સમય માટે દુખદ લાગણી થાય તો આ સવાલ પૂછો”આ વખતે હું આમ લાગણી અનુભવવાનું ચાલુ રાખવા માંગું છું?” જો તેનો જવાબ “ના” હોય તો, તેનો અર્થ એ થયો કે, તમારા મનના ઓટો પાયલોટ વડે તમે ખેંચાઈ રહ્યા છો.જેવી આ પ્રતીતિ થશે કે, તરત જ, થોડીક મિનિટ માટે વર્તમાનમાં આવવાની; ઉપર બતાવેલી રીતોમાંની તમારી કોઈક ટેવને તમે કાર્યરત કરી દેવા લાગશો. અને એ ખાસ નોંધી લેવાનું છે કે, તમારા મનના એ વિચારો સાથે તમારે કુસ્તી દંગલ સહેજ પણ કરવાનું નથી; એ બહુ જ કાબેલ અને સદા તૈયાર દુશ્મન છે!તમારે સજાગ અને એકાગ્ર બનીને, માત્ર એની વર્તણૂંકને જોયા જ કરવાની છે.

     અને જ્યારે તમે આમ જોવા માંડો છો; ત્યારે તમને અનુભૂતિ થવા લાગશે કે….

હવે પરિસ્થિતીનો મુકાબલો શી રીતે કરવો
એના નવા વિકલ્પો શોધવાની
અને તેમાંથી પસંદગી કરવાની સ્વતંત્રતા
તમે પ્રાપ્ત કરવા માંડ્યા છો.

SUCCESS IS WITHIN

Rajiv Jani

Founder –   Success Within

Advertisements

One response to “બની આઝાદ – આપણને કશી પસંદગીનું સ્વાતંત્ર્ય છે? – રાજીવ જાની

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: