સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બની આઝાદ – શા માટે?

આખી લેખમાળા માટે અહીં ‘ક્લિક’ કરો

      ‘બની આઝાદ – શા માટે?’   બહુ જ મુદ્દાનો સવાલ. પ્રિન્ટ મિડિયામાં અને હવે નેટ ઉપર પણ અઢળક સાહિત્ય આ અંગે પ્રાપ્ય છે. લાયબ્રેરીઓના કબાટોના કબાટો ભરાઈ જાય એટલું સાહિત્ય. એમાં આ અધોળનાય હજારમાં ભાગ જેટલો વાણી કે કીબોર્ડ વિલાસ ઉમેરવાની જરૂર શા માટે?

એકવીસ એકવીસ પ્રકરણો લખ્યા પછી આ સદવિચાર!

       પ્રામાણિક રીતે કહું તો, હમણાં હમણાં જ આ શ્રેણીના લેખો પર પ્રતિભાવ થકી જન્મેલા એક નવા મૈત્રીસંબંધને આનું શ્રેય જાય છે. શ્રી, જગદીશ જોશીએ આ લેખોમાં રસ લેવા માંડ્યો; અને પછી તો એમને  ‘મિત્રવાણી’ રૂપે એકાદ બે પાનાંમાં એમના વિચારો લખવા કહ્યું; અને એમણે એક સરસ મજાનો લેખ મોકલી દીધો. એમાંના નીચેના કથને આ મહાન વિચારને જન્મ આપ્યો-

         આ દુનિયામાં મોટામાં મોટી ગુલામી ‘વિચારો’ની છે.વિચારોમાંથી મુક્તિ માટે કેટલીય સલાહો આપવામાં આવે છે.‘રોજ ધ્યાન કરો’, ‘થોડો સમય જાત સાથે ગાળો’, ‘વેકેશનમાં પ્રકૃતિની નજીક જાઓ’, ‘તમને ગમતી પ્રવૃતિમાં રચ્યાપચ્યા રહો’, ‘સકારાત્મક વિચારો કરો’.

           તમે એક વાત નોંધી છે – આ સલાહ ક્યાંથી આવે છે ?

 • સાધુ-મહાત્માઓ – (જેમણે દુન્યવી જવાબદારીમાંથી મુક્તિ મેળવી છે અથવા પોતાની જવાબદારી અન્ય માથે નાખી દીધી છે.)
 • સીનિયર સિટિઝન – (જેમણે દુન્યવી જવાબદારી સામાજીક દ્રષ્ટિએ પૂર્ણ કરી છે.)
 • ગુરૂઓ, સલાહકારો  – (જેમણે સામાજીક સ્થિરતા મેળવી લીધી છે)

પણ તમારે તો ‘બે છેડા’ ભેગા કરવાના છે.તમે શું કરશો?જાત સાથે ગાળવા સમય છે ?વેકેશન ગાળવા જવાનો સમય અને ‘તેવડ’ છે?

[  આખો લેખ, તેમના જ બ્લોગ પર અહીં વાંચો .]

એકદમ સાચી વાત.
સિત્તેર વર્ષની ઉમ્મરે આવેલી
ડહાપણની દાઢ!
રાંડ્યા પછીનું ડહાપણ.

    આખી જિંદગી ભોગ, વિલાસ, મહત્વાકાંક્ષાઓ, સંઘર્ષો, તલવારબાજીઓ, હાર અને જીત, પાયા વગરનાં પૂર્વગ્રહો અને માન્યતાઓ, યાતનાઓ અને ઊંઘ વિનાની રાતો – એ બધું પરવારીને આરામથી પાટે બેઠેલા, નવરા ધૂપનો જવાનિયાઑને ઉપદેશ- જમાના જૂની, ચાલી આવતી રસમ.  અમે જુવાન હતા, ત્યારે અમારા ઘૈડિયાઓ પણ જાતજાતની અને ભાતભાતની સલાહો આપતા હતા- અને અમે એ જ વિચારતા હતા,’ભગવાને બે કાન શા માટે આપ્યા છે?!’

        બસ… આ જ તો કારણ છે – આ આખીયે શ્રેણી શા માટે આજે પણ પ્રસ્તુત છે- અને આવતી અનેક પેઢી સુધી પણ પ્રસ્તુત રહેશે- એનું!

       આ જોક નથી પણ…..

     માનવ સમાજે આટઆટલી પ્રગતિ જ્ઞાન /વિજ્ઞાન ક્ષેત્રે કરેલી હોવા  છતાં પણ આ કદી ન પૂરાયેલી એક અધૂરપ છે -એક સામાજિક ખાલીપો છે.

     આપણને માબાપથી શરૂ કરીને અતિ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષણ આપવામાં આવ્યું છે; પણ એ આપણી સામાજિક કમનસીબી છે કે, ‘જીવન જીવવાની કળા’ બાબતમાં આપણે શૂન્ય જ છીએ. એ બાબત ખાસ નક્કર કશું સામૂહિક રીતે આપવાની કોઈ જોગવાઈ જ નથી. આથી દરેકે જીવનના ટપલા ખાઈ ખાઈ, આ ‘ગનાન આપમેળે જ લેવું પડે છે. અને એ ગનાન આત્મસાત થાય – જરૂરી લાગે, કદાચ એનો જીવનમાં અમલ પણ કરવામાં આવે; ત્યાં સુધીમાં તો ૬૦+ બની જતા હોઈએ છીએ !

    કાશ આપણા શિક્ષણકારો , ભાવિ પેઢીનાં માવતર અને ધાર્મિક અને રાજકારણીય નેતાઓ આ પાયાની અધૂરપને સમજે અને એવી પદ્ધતિ વિકસાવે જેથી સિત્તેર વરસના ડોહાઓને આ કરાંઝી કરાંઝીને કહેવું ન પડે.

      લખી લો મારા જુવાન મિત્રો !- સામેની દિવાલ પર કે, જે ગણ્યા ગાંઠ્યા વિરલાઓએ આ ગનાન અથવા એનો અંશ માત્ર  પણ જુવાનીમાં આત્મસાત કર્યા છે;  જીવનમાં ઉતાર્યાં  છે – એમણે એમના જીવનમાં કાંઈક નોંધપાત્ર ઊકાળ્યું છે! કરોડ કે અબજ રૂપિયા કદાચ પેદા નહીં કર્યા હોય; અથવા મસ મોટા સિંહાસન પર એ બિરાજી શક્યા નહીં હોય – પણ એમનાં જીવનના અંતે એમને પોતાનું જીવન સાર્થક જણાયું છે.

       અમારા જેવાનું જીવન તો હવે એની ક્ષિતીજ પર છે- પણ જે લોકો અડધા રસ્તે છે; એમને આ લખનારની અને જગદીશ ભાઈ જેવા તાલીમકારોની હાથ જોડીને વિનંતી છે કે, તમે કાંક કરો અને આ ગનાનનો સામૂહિક જુવાળ પેદા કરો.

      અને જો એ થશે તો…

     માનવ જાતિને મહામાનવ બનાવતી એક મહાન અને અભૂતપૂર્વ ક્રાન્તિ, એક યુગપલટો જન્મી ચૂક્યો હશે. કદાચ માનવ ઈતિહાસમાં કદી ઉદ્‍ભવી ન હોય એવી એક નવી આશાની ઉષા પ્રગટી જશે. પર્વતોનાં દુર્ગમ શિખરો સર કરનાર અનેક દેદિપ્યમાન મહામાનવોનાં જીવન દૂર સુદૂર એવી ઉષાની આપણને હજારો વર્ષોથી ઝાંખી કરાવતા રહ્યા છે. કદાચ આપણે એ ઝળહળતા સૂર્યનો ઉદય થતો નિહાળી શકીએ, એના તાપે તપીને એવા માનવ જીવનને સાકાર બનાવીએ, જે અડાબીડ જંગલોમાં કણસતી કરૂણાંતિકા નહીં  હોય.

       ……..કેવું એ અડાબીડ જંગલ?

     એકમેકને મારી, કાપીને પોતાના જ સ્વાર્થમાં રચ્યા પચ્યા પામર જીવોનાં ટોળેટોળાં. સદા અંધકારમાં સબડતા, અજ્ઞાનની ઘોર નિદ્રામાં સદા સૂતેલા રહેતા,  ક્ષુદ્ર જંતુઓ. એમને એ વિકરાળ જંગલ સિવાય કશુંય હોઈ શકે; તેની જાણ જ નથી. એ સદા તાણમાં,ગંદકીમાં, દરિદ્રતામાં, રોજનો રોટલો  મેળવવાની દોટમાં સબડતા જ રહે છે. હતાશા, ન ઓલવી શકાય એવી ભુખ અને તરસ અને દુઃખોના દરિયા – એ જ એમની સદાકાળ માટેની નિયતી છે.

      એમાંથી  થોડાક જાગેલા જંતુઓએ ક્યાંક જંગલનાં ઝાડ કાપી, ત્યાં સપાટ મેદાનો બનાવી વસવાટ કર્યો છે; સંસ્કૃતિઓ વિકસાવી છે. જીવન નિર્વાહ માટે અવનવી ખાદ્ય સામગ્રીઓ અને એ માટેનાં સ્રોત બનાવ્યાં  છે.  મહાલયો, ધોરીમાર્ગો, રમત ગમત અને આનંદ પ્રમોદનાં સાધનો સર્જ્યાં છે. પણ ત્યાંય એ જંતુઓની પિરામીડની ટોચે ચઢી જવાની, એ બધી સંપદાના સ્વામી થવાની મહત્વાકાંક્ષાઓ, રાજરમતો, ગળાકાપ હરિફાઈઓ સતત રમમાણ છે. એ મૂષકદોડમાં વિજેતા બનવા વિજ્ઞાનની સહાયે જાતજાતનાં શસ્ત્રાસ્ત્રો અને વિજય બાદ અમર્યાદ ભોગ વિલાસ માટેનાં અવનવાં સાધનો વિકસાવવામાં અને અમર્યાદ રીતે વાપરવામાં એ જમાતો મશગૂલ છે. એમની પાસે જ્ઞાન તો છે – અઢળક જ્ઞાન છે. પણ એ અમર્યાદ લાલસાઓને જ પોષે છે.

[દિવ્ય અને સામ્પ્રત જીવનની ….. એ પરિકલ્પના અહીં વાંચો…. ]

      એ અડાબીડ જંગલને તિલાંજલિ આપી ચાલતા થવું છે? આઝાદ બનવું છે ? જોનાથનની જેમ મુક્ત ગગનમાં મ્હાલવું છે?ઉડ્ડયન કરવું છે? તમારી આજુબાજુ જ બેહિશ્તનો એ બગીચો મઘમઘાવવો ્છે? સૂરીલા સંગીતથી જીવનને ચહચહતું કરવું છે?

એ શક્ય છે…છે…છે…ને છે…જ.

માત્ર બે જ ડગલાં ચાલેલ જણનો આ વિશ્વાસ છે

Advertisements

3 responses to “બની આઝાદ – શા માટે?

 1. Pingback: એ શક્ય છે. | ગદ્યસુર

 2. પ્રવિણ શ્રીમાળી Editor: YUVAROJAGAR (WeeklY) ડિસેમ્બર 11, 2013 પર 12:48 પી એમ(pm)

  ” લખી લો મારા જુવાન મિત્રો !- સામેની દિવાલ પર કે, જે ગણ્યા ગાંઠ્યા વિરલાઓએ આ ગનાન અથવા એનો અંશ માત્ર પણ જુવાનીમાં આત્મસાત કર્યા છે; જીવનમાં ઉતાર્યાં છે – એમણે એમના જીવનમાં કાંઈક નોંધપાત્ર ઊકાળ્યું છે! કરોડ કે અબજ રૂપિયા કદાચ પેદા નહીં કર્યા હોય; અથવા મસ મોટા સિંહાસન પર એ બિરાજી શક્યા નહીં હોય – પણ એમનાં જીવનના અંતે એમને પોતાનું જીવન સાર્થક જણાયું છે.”

  True….આનાથી વધુ મારી પાસે કોઈ શબ્દ નથી…”બની આઝાદી” વાંચવાનું ચાલુ છે..

 3. હરીશ દવે ઓક્ટોબર 26, 2016 પર 6:23 એ એમ (am)

  પથ્થર પણ ઊભા થઈને દોડવા લાગે તેવા શબ્દો છે. જોશ પ્રગટાવે છે. જીવનની ખુમારી માણવાની મઝા કોઈ ઑર જ હોય છે, સુરેશભાઈ! યુવાનોએ એ સમજવાનું છે કે તમે પૂરી લગનથી કરેલાં કામો જીવનને સાર્થ કરે છે.
  સુંદર પ્રેરણાદાયી વાચન.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: