સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બની આઝાદ – ઈ બુક, પ્રસ્તાવના – શરદ શાહ

૧૭ , ફેબ્રુઆરી-૨૦૧૩ ના રોજ શરૂ કરેલ આ યાત્રા આજના રોજ સમાપ્ત થાય છે.

દરેક ક્ષણમાં જીવતા રહેવા માટે,
તમે દરેક ક્ષણમાં મૃત્યુ પામો છો.

ક્ષણો આવે છે, અને જાય છે.
ફૂલની માફક તે ખીલે છે અને કરમાય છે.
પણ દરેક ક્ષણ અને દરેક વ્યક્તિમાં કશુંક મધુર હોય છે.
મધમાખીની જેમ દરેક ક્ષણમાંથી મધ ચૂસી લો;
અને ચાલતા રહો.
સતત વ્યસ્ત મધમાખીની જેમ બની રહો;
અને હોવાપણામાં જ સતત રહો.

શ્રી. શ્રી. રવિશંકર

એક અગત્યનું પુનરાવર્તન……. આ ઈ-બુકની તમારે જરૂર નથી

જો………

 • તમે ગરીબીની રેખાની નીચે જીવતા હો અને આજનો રોટલો શી રીતે મેળવવો એ તમારો દરરોજનો  સળગતો પ્રશ્ન હોય તો; તમારે કોઈક મહમ્મદ યુનુસની જરૂર છે. ‘ભાગ્યના સૃષ્ટાઓ’, ‘આગળ ધસો’ જેવા જીવનમાં ભૌતિક પ્રગતિ હાંસલ કરવા પ્રેરણા આપે તેવાં વાંચનની જરૂર છે.
  કદીક એમ કરતાં ‘બે પાંદડે’ તો નહીં પણ ‘પા પાંદડે’ પણ થાઓ તો કોઈ મંદિર કે ધર્મસ્થાનમાં એમાંની મહામૂલી બચત વેડફી ન દેતા. ત્યાં તો પૂણ્ય કમાવી લેવાના ઈરાદા વાળા અનેક ધનિકોના ખજાના ખાલી થતા જ રહેવાના છે. કોઈક ભૂખ્યા બાળકને રોટલીનો ટૂકડો દેજો. તમે જ્યાંથી આટલે આવ્યા છો – એ સ્થિતીમાં હજુ સબડતા તમારા બાંધવોને નાનકડો ટેકો દેજો. જો એવી ક્ષમતા કે મરજી ન થતી હોય તો પણ, ક્યાંક કોઈકને નાનકડો સહારો કે દિલી સધિયારો દેતાં ખચકાતા નહીં. સહાનુભૂતિનો એ ભાવ ક્યાંક ને ક્યાંક – ક્યારેક તમારા જીવનની અડાબીડ ગલીઓમાં પડઘા પાડતો તમને ઉત્સાહિત કરતો રહેશે.
 • જો તમે તમારી મગરૂરીમાં મસ્ત બની, પિરામીડની ટોચ કે તેની નજીક મ્હાલતા હો; અને તમારું જીવન તમને ભર્યું ભર્યું લાગતું હોય – કશાયની કમીના વર્તાતી ન હોય, તો આજે તો તમને આ માત્ર વાણી વિલાસ જ લાગવાનો છે. લાગવા દો.
  પણ.. એટલું જરૂર કરજો કે, જીવન ભરના અથાક પ્રયત્નોથી એકઠી કરેલી તમારી મહામૂલી સંપદાનો થોડોક પણ હિસ્સો કોઈ મંદિર કે ધર્મ સ્થળમાં સામૈયા કે યજ્ઞો કરાવવામાં ન વાપરતા. ઉપર જણાવેલા કમનસીબ મનુષ્યોના જીવનમાં કશોક ઉજાસ પ્રગટે એ માટે એ ખર્ચજો. કો’ક મહમ્મદ યુનુસને કે એવી કોઈક સંસ્થા કે જે માનવતાના કાર્યમાં સન્નિષ્ઠ રીતે સંકળાયેલી હોય; તેને આપજો.
 • જો તમે આવા કોઈક રસ્તા પર એકનિષ્ઠાથી ચાલવાનું શરૂ કર્યું હોય; તો એને વળગેલા રહેજો અને તમારી અભિપ્સાને સાકાર કરવા પ્રતિબદ્ધ રહેજો. બીજા કશાની તમારે જરૂર નથી. પણ નિસ્વાર્થ સેવાનો ભાવ સદા તમારા અંતરમાં ધરબાયેલો રાખજો. સેવાની એવી તકો મેળવવા હમ્મેશ આતૂર રહેજો.
  સેવા ધર્મ સૌ ધર્મોથી ચઢિયાતો છે…છે…છે…ને છે જ. 

પણ…..

જો આમાંનું કશું તમને લાગુ ન પડતું હોય , અથવા તમે જ્યાં હો ત્યાં કશુંક ખૂટતું લાગતું હોય;જીવનમાં કશીક અધુરપ વર્તાતી  હોય, તો ….

તમારે તમારી જાત સાથે જીવવાની જરૂર છે.

અને તો કદાચ
આ ઈબુક
તમને એ રસ્તે
ચાલતા કરી શકે…

આ પાનાં પરથી તે ડાઉનલોડ કરી શકશો, અથવા પ્રકરણ વાર ઈન્ટરનેટ ઉપર વાંચી શકશો. 

એની પ્રસ્તાવના – પ્રેમપૂર્વક લખી આપવા માટે કલ્યાણમિત્ર શ્રી. શરદ શાહનો ખુબ ખુબ આભાર.

( તેમનો પરિચય અહીં.

———————–

પ્રસ્તાવના

        આ ઈ-બુકની પ્રસ્તાવના પહેલાં સુરેશભાઈને સમજવા જરુરી છે.સુરેશભાઈનો મારો જેટલો પરિચય અને સહવાસ છે; તે પરથી મને સદા લાગ્યું છે કે તેઓ ખુલ્લા દિલે જીવનભર ખોજતા રહ્યા છે.જ્યાં પણ એમ લાગે કે કાંઈ તેમના જીવને તૃપ્તિ આપી શકે તેમ છે તો ત્યાં દોડી જવું, જે કાંઈ મળે તેને પોતાની સમજ અને શક્તિ પ્રમાણે મુલવવું અને યોગ્ય લાગે તો તેને ગાંઠે બાંધવું અને તે દિશામાં પ્રમાણિકતા પૂર્વક જીવન જીવવા પ્રયત્ન કરવો.

       પરંતુ જ્યારે માણસને એમ લાગે કે, હવે એક જીવનદર્શન મળ્યું છે અને પ્રયોગો પછી જણાયું છે કે આ અને આવા પ્રયોગો કરવાથી જીવનમાં થોડો ઘણો આનંદ આવી શકે તેમ છે; તો આ આનંદને અને અનુભવને વહેંચવો રહ્યો.કાંઈક આવી જ ભાવદશામાંથી આ પુસ્તકનું સર્જન થયું છે.જે મને મળ્યું તે હવે મિત્રો અને બીજા ખોજીઓને વહેંચું’

        આ પુસ્તકમાં એવા અનેક અધ્યાત્મના વિષયો અને જાત પ્રયોગોનો સમાવેશ કરવામાં આવ્યો છે; જે વિષે અનેક મતમતાંતરો અને ચર્ચાઓ માણસજાત વર્ષોથી કરી રહી છે.અને છતાં યોગ્ય સમાધાન મળતું નથી.સુરેશભાઈ પણ કોઈ દાવો કરતા નથી કે જીવનનુ અંતિમ ધ્યેય તેમણે મેળવી લીધું છે. આ ગહરા વિષયોને તેમણે આપણી સમક્ષ આવડી શકે તેવી ભાષામાં મુક્યા છે અને તે માટે સૌ મિત્રોને ખુલ્લું આમંત્રણ પાઠવે છે કે, આવો અને તમારો અભિપ્રાય, વિચારો કે જે કાંઈ આ દિશામાં ચિંતન હોય તે આપો જેથી આ વિષયની ગહરાઈઓને સમજવામાં લોકોને અને પોતાને પણ સહાયક બને.

       સુરેશભાઈનો આમેય સ્વભાવ છે સૌને સાથે લઈને ચાલવાનો; જે તેમના વર્ષોના વ્યવસાયિક અનુભવમાંથી તેઓ શિખ્યા છે.સાચો નાયક (લીડર) એ જ હોય છે જે બધાને સાથે લઈને ચાલે અને નાનામાં નાના વ્યક્તિના મંતવ્યો અને અભિપ્રાયોને ન અવગણે.

     આ પુસ્તક વાચકને કોઈ મદદ નહી કરી શકે; જો ફક્ત તેને વાંચીને કોરાણે મુકી દેવામાં આવશે કે, ફક્ત મગજની ખુજલી મિટાવવા પુરતું જ વાંચવામાં આવશે.આ પુસ્તક તમને જીવનમાં પ્રયોગો કરવા પ્રેરણા આપે અને તે વાંચી તમે તમારી ક્ષમતા અને સામર્થ્ય મુજબ પ્રયોગો કરશો તો અવશ્ય સુરેશભાઈનો પ્રયત્ન સફળ થશે.

       બાકી કચરો ભેગો કરવાનો શોખ હોય તો અનેક પુસ્તકોથી સંખ્યાબંધ પુસ્તકાલયો ભર્યા છે અને ધૂળ ખાય છે.જેમને જીવનમાં સાચા-ખોટા પ્રયોગો કરવા છે;તેમના માટે જ આ પુસ્તક વધુ ઉપયોગી છે. મારી સમજ છે કે નકશાઓ લઈને માર્ગોની ચર્ચાઓ કરવા કરતાં સાચા કે ખોટા મારગે પણ ચાલવું વધુ સારું છે.જેમને ચાલવું છે તેમનું સ્વાગત છે.જે ચાલશે તે એક દિવસ ગંતવ્ય સુધી અવશ્ય પહોંચશે જ આ અફર નિયમ છે.

શેષ શુભ

પ્રભુશ્રીના આશિષ

શરદ

અમદાવાદ

7 responses to “બની આઝાદ – ઈ બુક, પ્રસ્તાવના – શરદ શાહ

 1. pragnaju માર્ચ 30, 2013 પર 8:14 એ એમ (am)

  ” તેઓ ખુલ્લા દિલે જીવનભર ખોજતા રહ્યા છે.જ્યાં પણ એમ લાગે કે કાંઈ તેમના જીવને તૃપ્તિ આપી શકે તેમ છે તો ત્યાં દોડી જવું, જે કાંઈ મળે તેને પોતાની સમજ અને શક્તિ પ્રમાણે મુલવવું અને યોગ્ય લાગે તો તેને ગાંઠે બાંધવું અને તે દિશામાં પ્રમાણિકતા પૂર્વક જીવન જીવવા પ્રયત્ન કરવો.

  પરંતુ જ્યારે માણસને એમ લાગે કે, હવે એક જીવનદર્શન મળ્યું છે અને પ્રયોગો પછી જણાયું છે કે આ અને આવા પ્રયોગો કરવાથી જીવનમાં થોડો ઘણો આનંદ આવી શકે તેમ છે; તો આ આનંદને અને અનુભવને વહેંચવો રહ્યો…”
  અમારા મનની વાત!
  બાકીનું તો સમજવા;અનુભવવા પ્રયત્ન કરીએ છીએ

 2. Vinod R. Patel માર્ચ 30, 2013 પર 10:19 એ એમ (am)

  ૧૭ , ફેબ્રુઆરી-૨૦૧૩ ના રોજ શરૂ કરેલ આ યાત્રા આજના રોજ સમાપ્ત થાય છે.

  સુરેશભાઈ આ અગત્યના વિષય ઉપરની તમારી લેખન યાત્રા ભલે પૂરી થતી હોય

  પરંતુ જીવનની અંતર યાત્રા તો જીવનાન્ત સુધી ચાલુ જ રહેવાની .

  ગાંધીજીએ એમની આત્મકથા માટે સત્યના પ્રયોગો એ નામ આપેલું .તમારી આ ઈ-બુક

  પણ તમોએ આઝાદ બનીને એક મુક્ત પંખીની જેમ હળવા બની આકાશમાં ઉડવા માટેના

  પ્રયોગો બાદની તમારી અનુભૂતિનું બયાન કરે છે .જેને પણ આવી સુખદ અંતર યાત્રાના

  પંથે જવું હોય એના માટેની સરસ માર્ગ દર્શિકા જરૂર બની શકે એમ છે એમાં કોઈ શંકા નથી .

 3. Anila Patel માર્ચ 30, 2013 પર 5:23 પી એમ(pm)

  શ્રી સુરેશભાઇ,કાકા કાલેલકરના શબ્દોમા કહુતો “જીવન પાથેય” .—-આપેતો બહુજ સ્રરસ મુકતપંખીની જેમ સ્વૈરવિહાર કરવા માટે વિશાળ અને અફાટ ફલક અમારામાટે ખુલ્લુ મૂક્યુજ હતુ. રોજ વાચીને આચમન કરતા રહેતા હતા,પાછી વિસ્મૃતિ ના થઇ જાયતે માટે સરસ મજાના પોસ્ટરો મૂકીને આકર્ષક ઇ-બુક પણ અમારામાટે તૈયાર કરીને આપની જીવનયાત્રામા ભાગીદાર થવાની તક આપી.
  ભાઇશ્રી શરદ ભાઇએ આપનો પરિચય પ્રસ્તાવનાદ્વારા સુપેરે કરાવ્યો અને તેની સાથેજ અત્યારસુધી જે અનૌપચારિક મિત્રતા હતી તે હવે ઔપચારિક થયેલી અનુભવાય છે. જે સાહિત્ય માનવીના હૈયાને જોડે એજ જીવંત સાહિત્ય એમા જરાય અતિશયોક્તિ નથી.
  આમાથી કઇક ગ્રહણ કરવાની શક્તિ મળે એ આશા . ધન્યવાદ આપનો.

 4. chandravadan માર્ચ 31, 2013 પર 12:20 પી એમ(pm)

  સુરેશભાઈ,

  તમારી ઈબુકની પોસ્ટ વાંચી.
  એ માટે શરદભાઈ શાહના “પ્રસ્તાવના”વાંચી આનંદ.
  એમાં, અંતે છે “મારી સમજ છે કે નકશાઓની ચર્ચાઓ કરતા સાચા કે ખોટા માર્ગે ચાલવું વધુ સારૂ છે..જેમને ચાલવું છે તેમનું સ્વાગત છે..જે ચાલશે તે એક દિવસ મતવ્ય સુધી અવશ્ય પહોંચશે જ આ અસ્ટ નિયમ છે ”
  આવા શરદ શબ્દો વાંચી ખુશી !
  અહી એક જ “ભાવ” છે..જે જ્ઞાન જાણ્યું તેને “અમલ”માં મુકવાનો પ્રયાસ થાય એ જ એક અગત્યની વાત છે !
  સુરેશભાઈએ બુકમાં એમના વિચારો દર્શાવ્યા..એમાં અનેક એમના “અનુભવો” છે એ મહત્વની વાત છે.
  મારા મનમાં “જ્ઞાન શિખરે” પહોંચવાનું નથી પણ પ્રભુ કે પરમ સત્ય તરફ વળવાનું છે.
  સૌ સૌની સમજ પ્રમાણે “કંઈક ” અમલમાં મુકે એવી આશા !
  >>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting ALL to my Blog !

 5. nabhakashdeep એપ્રિલ 2, 2013 પર 1:51 પી એમ(pm)

  શ્રી સુરેશભાઈની ભાવના, બર્હિમુખના અનુભવો સાથે આત્મચિંતન અને પરિપક્વતા એ સઘળું તેમની આ ઈ બુક દ્વારા વહ્યું છે. એક વાત મને જે સ્પર્શી છે તે , કોઈ બીજાના તત્ત્વ જ્ઞાન કે વાતોને ઝીલીને

  કશું કહેવાને બદલે, સામાજિકરીતે મૂલ્યાંકન કરી, તેની કિમ્મત સમજી જે અપીલ કરી છે, તે સોંસરવી ઉતરી જાય છે. પ્રસ્તાવના લખનાર શ્રી શરદભાઈ પણ એજ રાહના મમ્ઝીલના સ્વાધ્યાયી હોવાથી,

  પુસ્તકનો હાર્દ ઝીલી લીધો છે. તેમની ઘણી વાતોના પડઘા આપણામાંથી આજ રીતે સૌએ ઝીલ્યા હશે પણ કયો રસ્તો ક્યાં કેવો ફળદાયી થશે , એ પર ચાલવાની વાત બહું ઊંચી છે. માનવીયપાસા, પશુપંખીને

  પણ પોતિકા ગણી વ્યવહારું બનવું એ વિશે તેમના આલેખાયેલા પ્રકરણો , એક માનવને માનવ બનાવવા સક્ષમ છે…વાતો કરતાં તે ઝીલાય અને પળાય તો સોનામાં સુગંધ. શ્રી સુરેશભાઈને મળવું , અને પોતાને

  માપવા ..સૌભાગ્યની વાત છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 6. Pingback: આ ક્ષણ- નિયો અવલોકન | ગદ્યસુર

 7. dhavalrajgeera જૂન 13, 2013 પર 5:36 પી એમ(pm)

  આ પુસ્તક વાચકને કોઈ મદદ નહી કરી શકે;
  જો ફક્ત તેને વાંચીને કોરાણે મુકી દેવામાં આવશે કે, ફક્ત મગજની ખુજલી મિટાવવા પુરતું જ વાંચવામાં આવશે………………….
  આ પુસ્તક તમને જીવનમાં પ્રયોગો કરવા પ્રેરણા આપે અને તે વાંચી તમે તમારી ક્ષમતા અને સામર્થ્ય મુજબ પ્રયોગો કરશો તો અવશ્ય ભાઈસુરેશનો પ્રયત્ન સફળ!!!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: