સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

થડ – એક અવલોકન

    થડ ! તમે સોએક વરસથી આ જ જગ્યાએ ગુડાયા છો.

tree2

    અહીં જ તમારો જન્મ થયો હતો; અને અહીં જ તમે દિવંગત થવાના છો. એ વખતે તમે કેટલા સોટકડા જેવા હતા? થોડે થોડે અંતરે તમારા તન પર નાજૂક પાનની કૂંપળો ફૂટેલી હતી. તમારા એ શૈશવકાળમાં તમે કેવા પવનની લહેરીઓ સાથે લહેરાતા હતા?

   પણ જમાનાની થાપટોએ, એ ગરમ ગરમ લૂ, એ ઠંડાગાર, સૂસવતા પવન, એ મૂશળધાર વરસાદની ઝડીઓ, એ બરફના હાડ થિજાવી દે તેવાં તોફાન –  એ  બધાંએ આ સોએક વરસમાં તમને કેવા બનાવી દીધા છે? સાવ જડ, રૂક્ષ, ખરબચડા, અવિચળ  – રગે રગે સળો જ સળોની વણઝાર.

    મ્હાલીપા ધબકતો તમારો શીતળ જળનો ઝરો તો દેખાતો જ નથી; અને એ પણ ક્યાં તમારા પોતાના માટે છે? એ તો છે- તમારાથી સાઠેક ફૂટ ઊંચે, પવનની લહેરીઓમાં મ્હાલતી ઓલી મદમસ્ત અને ગુમાનમાં મગરૂર, લીલી છમ્મ કૂંપળો માટે જ ને? હા! એમણે બનાવેલા અન્નનો ચપટીક ટૂકડો તમારા ભાગે આવે છે તો ખરો; પણ હવે ક્યાં એ ખાન અને પાન તમારામાં કોઈ નવસર્જન કરી શકે છે?

tree3

       પણ, તમને આ અવળચંડા અવલોકનકાર જેવું મર્કટ ચિત્ત નથી; એટલે તમને તમારી આ હાલની નિયતી પર સહેજે  અફસોસ નથી. અને કદાચ હોત તો તમે એ માંક્ડા માનવમનની  કની થોડા જ ઈર્ષ્યામાં જલી જાત? તમે તો તમારાથી ત્રણેક જ ફૂટ નીચે આવેલ એ મૂળની તરફ કૃતજ્ઞતાથી નિહાળી રહેત- જે ચોવીસે કલાક અને ૩૬૫ દિવસ અંધારામાં જ ગરકાવ રહી, ગંદી ગોબરી કળણોમાંથી સીંચી સીંચીને પાણીના ધોધ તમને અને ઠેઠ ઊંચે ઓલી ગુમાની કન્યાઓને અવિરત પાયા જ કરે છે. તમારી ખાનદાની રસમ તમને એ જ સૂઝાડતને?

——-

      જીવનમાં આપણે સૌ કોઈ આ થડ કે મૂળ કે ઊંચે મ્હાલતી ઓલી કૂંપળોની જેમ સમાજના વૃક્ષમાં ક્યાંક ને ક્યાંક ગોઠવાયેલા હોઈએ છીએ. કોઈક નસીબવાળા પિરામીડની ટોચે, અટ્ટહાસ્ય કરતા, ગુમાનમાં મ્હાલતા હોય છે. પણ એમના અસ્તિત્વનો આધાર, એમનો પાયો તો એ જડ અને રૂક્ષ થડ અને એનાથી ય બદતર હાલતમાં જીવતાં એ મૂળ જેવા અસ્તિત્વો પર જ અવલંબતો હોય છે ને? કોઈ, કદીય , ક્યાંય પણ માત્ર પોતાની તાકાત પર જ મુસ્તાક હોઈ શકે છે ભલા?

      આપણે જ્યાં પણ હોઈએ, જેવી પણ પરિસ્થિતિમાં હોઈએ, એના ગૌરવને ઉજાગર કરતા રહીએ. મ્હાલી શકીએ તો મ્હાલીએ, અણદીઠ ખૂણામાં ધરબાયેલા હોઈએ તો ત્યાં પણ આપણે જીવીએ છીએ, શ્વસીએ છીએ – એનું ગૌરવ ધારણ કરતાં કરતાં-  અન્યોના જીવનમાં નાનકડું પણ પ્રદાન કરી શકવાની તકને વ્હોરીએ.

જીવન કે મરણ હો! એ બન્ને સ્થિતિમાં
‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે,
જીવન તો ગયું  છે , સહારે સહારે.

—————–

આજની વાસંતી સાંજે – પાર્કમાં એક દર્શન..

એ જ પાર્કમાં અવલોકેલાં આ પણ વાંચો…..

– વૃક્ષ અને વેલી –

ભાગ – 1

ભાગ – 2

ભાગ – 3

ભાગ – 4

ભાગ – 5

3 responses to “થડ – એક અવલોકન

 1. jagdish48 એપ્રિલ 1, 2013 પર 1:33 એ એમ (am)

  જોયું ! ‘મરીઝ’ ને પણ ટેકા વગર ના ચાલ્યું. 🙂

 2. Anila Patel એપ્રિલ 1, 2013 પર 10:07 એ એમ (am)

  વાડ વગર ક્યા વેલો ચડે જગદીશભાઇ, એક બીજાના સહારે જીવ્યાછીએ, જીવીએ છી અને જીવતા રહીશુ. વૃક્ષઅને આપણે જરાય અલગ નથીજ છતા આપણા કરતા વૃક્ષ અનેકરીતે ઉત્તમ છેજ.

 3. Vinod R. Patel એપ્રિલ 1, 2013 પર 1:25 પી એમ(pm)

  આપણા આ માનવ શરીર અને બગીચામાંના આ વૃક્ષની સમાન જ ગતિ .

  કુદરતમાં જોવાનું અને જોઇને અવલોકવાનું કેટલું બધું પડ્યું છે !

  છોડ છોડમાં રણછોડ વ્યાપ્ત છે તો આપણા આ શરીર વૃક્ષને પણ એનો જ સહારો છે .

  ગીતામાં 15માં અધ્યાયમાં -પુરુષોત્તમ યોગમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે .

  ઉંચે મૂળ .તળે ડાળો ,શ્રુતિઓ પાંદડાં કહ્યાં

  એ અવિનાશ અશ્વત્થ જાણે ,તે વેદ જાણતો

  ખુલ્લી હવામાં બાગના બાંકડેથી કરેલાં તમારાં પ્રેરક અવલોકનો માણ્યાં .

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: